સિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ

ઊંચાઈ એ ફક્ત સ્કેલનું એક માપ છે, એનાથી આગળ કશું નહીં. મૂળ વડોદરાની અને હાલ અમેરિકાના આહાયોમાં રહેતી 16 વર્ષી સિયા પરીખે હમણાં જગપ્રસિદ્ધ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મોડેલ તરીકે રેડ કાર્પેટ પર ચમકીને આ વાત પુરવાર કરી છે. સિયાની શારીરિક ઊંચાઇ ઓછી હશે, પણ વિશ્વભરના ફેશનજગતના માંધાતાઓની હાજરીમાં સિયાએ મોડેલ તરીકે ઝળકીને ફેશનવિશ્વમાં નાની વયે મોટી ઊંચાઇ પ્રાપ્ત કરી બતાવી છે.


કાન્સમાં યોજાતા ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી પુરાવવી એ હરકોઇ મોડેલ, કલાકારનું સપનું હોય છે. અહીં બીછાવેલી લાલ જાજમ પર ચાલવું એ કોઇપણ મોડેલ માટે ફેશન જગતની એક ઉપલબ્ધિ મનાય છે ત્યારે આ ગુજરાતી યુવતીએ ન્યૂયોર્કના જગપ્રસિદ્ધ ફેશન ડિઝાઈનર એન્ડ્રુઝ એક્વીનોની મોડેલ તરીકે ગ્લોબલ શોર્ટ ફિલ્મ એવોર્ડ ગાલામાં ચમકીને ફેશન વિશ્વમાં ગુજરાતીઓની હાજરી નોંધાવી છે. સિયાની પારિવારિક મિત્ર અને અમેરિકા સ્થિત ગુજરાતી કલાકાર ઋજુતા ધોળકિયા કહે છે, ‘આ માઇલસ્ટોન પછી સિયા આગળ પણ હજુ ઘણા નવા માઇલસ્ટોન્સ સર કરશે એવો અમને વિશ્વાસ છે. ગુજરાતી તરીકે પણ આપણને આનંદ થાય એવી આ ઘટના છે કેમ કે ફેશનના ક્ષેત્રમાં પણ હવે આપણું પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે.’

અમેરિકાના ઓહાયોના કોલંબસમાં વસતા આઈટી પ્રોફેશનલ આશિષ પરીખ અને ફોટોગ્રાફર શીતલ પરીખની દીકરી સિયા આમ તો બાળપણથી એની ઉંચાઈને લઈને સતત ચિંતિત રહેતી. સ્કૂલમાં એને કોઈ શોર્ટી કહે કે પછી એની પાસે ઊભા રહીને એના માથે હાથ રાખીને એને ટૂંકા શારીરિક કદનો અહેસાસ કરાવે ત્યારે એને મનમાં ખૂબ જ દુઃખ થતું. એના મમ્મી-પપ્પા પણ ચિંતા કરતા. સિયાના મમ્મી શીતલ પરીખ કહે છે, ‘એ જ્યારે છઠ્ઠા ધોરણમાં આવી ત્યારે પછી ધીમે ધીમે અમને રિયલાઇઝ થવા માંડ્યું કે એની ઊંચાઈ જોઈએ એટલી વધતી નથી. અમે ડોક્ટરને પણ બતાવ્યું.’

સિયા પાચમા-છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે આશિષભાઇ અને શીતલબહેન થોડો સમય એને લઈને વડોદરા પણ રહયા અને અહીંની નવરચના સ્કૂલમાં એને ભણવા મૂકી. ધીમે ધીમે મોટી થતી જતી સિયાને પણ પોતાની શારીરિક ઊંચાઈની ચિંતા વધારે સતાવતી હતી. એક સમય તો એવો આવ્યો કે એ ડિપ્રેશન અનુભવવા લાગી.

સિયાને આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા એના મમ્મી શીતલબહેને એને કોઇક ક્ષેત્ર તરફ વાળીને એમાં પેશનેટ બને એ માટેના પ્રયત્નો શરૂ કર્યા. શીતલબહેન પોતે સારા ફોટોગ્રાફર. અમેરિકામાં સામાજિક અને અન્ય ઇવેન્ટસમાં ફોટોગ્રાફી કરે. વળી, એમણે શોખ ખાતર એક્ટિંગનો કોર્સ પણ કરેલો એટલે ફેશન અને અભિનય ક્ષેત્ર વિશેની એમની જાણકારી પણ સારી. આ જાણકારી-સમજ સાથે એમણે સિયાની ફોટોગ્રાફી શરૂ કરી. તેને ધીમે ધીમે એક નવું વાતાવરણ આપ્યું. એક વાર સ્થાનિક ડિઝાઇનર અંજલી ફોગાટની નજર સિયાના ફોટોગ્રાફ્સ પર પડી. બસ, અહીંથી જ જાણે સિયાની કાન્સ તરફની દિશા નક્કી થઇ. આગળ જતા ન્યૂયોર્કના ફેમસ ડિઝાઇનર-નિર્માતા એન્ડ્રુઝ એક્વેનોએ સિયાના ફોટોગ્રાફ્સ જોયા. એમને ખૂબ ગમ્યા. આ વખતે કાન્સમાં સાઉથ એશિયાનું, અને ખાસ કરીને ભારતનું પ્રતિનિધિત્વ પ્રમાણમાં ઓછું હતું એટલે સિયાની ક્ષમતા પારખીને એમણે સિયાને કાન્સમાં મોકલવાનું નક્કી કર્યું.

સિયાને કાન્સમાં ચમકવાની તક તો મળતી હતી, પણ ટૂંકા સમયગાળામાં આ માટે તૈયાર થવાનું કામ પણ અઘરું હતું. ફોટો માટે પોઝ કઈ રીતે આપવા એનાથી માંડીને ભારેખમ ડિઝાઇનર ગાઉન કે ફેશનેબલ વસ્ત્રો પહેરીને કેવી રીતે ચાલવું એ બધાની પદ્ધતિસર તાલીમ પણ લેવાની હતી. જો કે શીતલબહેનના કારણે સિયા નાનપણથી ફેશન અને અભિનય ક્ષેત્ર વિશેની વાતો નજીકથી સાંભળતી આવેલી એટલે આ માટે જરૂરી આત્મવિશ્વાસ કેળવવામાં એને વાર ના લાગી. જરૂરી ક્લાસીસ પણ કર્યા અને છેવટે ગઈ ૧૨ જુલાઈએ કાન્સની વિખ્યાત રેડ કાર્પેટ પર ચાલીને સિયાએ સાબિત કરી આપ્યું કે વ્યક્તિનો આત્મવિશ્વાસ બુલંદ હોય તો એની ઊંચાઈ, સ્કિન કે કલર એની પ્રગતિને રોકી શકતા નથી.

સિયા ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં કહે છે, ‘પડકારો જીવનને રસપ્રદ બનાવે છે અને એમાંથી બહાર આવવાનું જ જીવનને સાર્થકતા આપે છે.’ સામાજિક કાર્યો માટે પણ રસ ધરાવતી સિયા સ્નેહ ફાઉન્ડેશન નામની સંસ્થા સાથે વોલન્ટીઅર તરીકે પણ જોડાેલી છે અને વડોદરાની એક લેબોરેટરી માટે એક હજાર ડોલરનું ફંડ એકત્ર કરવામાં પણ એનો મહત્વનો ફાળો છે.

હજુ તો સિયા સોળ વર્ષની છે. કરિયરમાં આગળ વધતા પહેલાં હજુ ઘણું ભણવાનું છે. આગળ જતાં એ મોડેલિંગ કરીને અભિનય તરફ વળશે એ હજુ નક્કી નથી. હાલ તો એની ઇચ્છા મેડિસિનનું ભણીને ડોક્ટર બનવાની છે, પરંતુ સાથે સાથે એને ફેશન અને અભિનય કરવો પણ એટલો જ ગમે છે. મનોરંજન ક્ષેત્રની જાણીતી કંપની શેમારુએ એને અમેરિકા માટે યુથ એમ્બેસેડર બનાવી છે. સિયા આગામી સમયમાં શેમારુની એક વેબ-સીરીઝમાં અભિનય પણ કરી રહી છે.

અલબત્ત, ફાઇનલી તો સિયાની ઈચ્છા ડોક્ટર બનવાની જ છે, પણ સીધીસાદી ડોક્ટર નહીં, એક પ્રેઝન્ટેબલ અને ફેશનેબલ ડોક્ટર!

(કેતન ત્રિવેદી)