મોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ!!

કેતન ત્રિવેદી (ગાંધીનગર)

નવી દિલ્હીના ભાજપના આંતરિક વર્તુળોનું માનીએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળમાં કરેલા ફેરફાર-વિસ્તરણથી પક્ષમાં જ કેટલાક લોકોને જે મૂઢમાર વાગ્યો છે એના કળ હજુ વળી નથી. મંત્રીમંડળમાં નવા મંત્રીઓના સમાવેશની રાહ લાંબા સમયથી જોવાતી હતી, પણ નવાને સમાવતી વખતે હર્ષવર્ધન, રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકર જેવાને જે રીતે દરવાજો દેખાડી દેવાયો એ હજુ ઘણાને ગળે ઉતરતું નથી. અને, એટલે જ મોદીજીની આ કવાયતની ચર્ચા પાવર કોરિડોરમાં હજુ ય ચાલુ છે.

(Image: PTI)

દેખીતી રીતે જ, મંત્રીમંડળના આ ફેરફારોથી નરેન્દ્ર મોદીએ એક કાંકરે, બે નહીં, બાર પક્ષી માર્યા છે. આવતા વર્ષે ઉત્તર પ્રદેશ-ગુજરાત સહિતના રાજ્યોની વિધાનસભા ચૂંટણી ઉપરાંત 2024 ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એમણે લાંબાગાળાની રણનીતિ અમલમાં મૂકી છે. જે નવા 43 મંત્રીઓએ શપથ લીધા એમાંથી 14 ઓબીસી, 9 એસસી અને 4 એસટી વર્ગમાંથી આવે છે અને વડાપ્રધાન સહિત 78 સભ્યના મહાકાય મંત્રીમંડળમાં હવે 61 ટકા મંત્રીઓ દલિત-પછાત વર્ગનું પ્રતિનિધિત્વ કરે
છે. સંદેશો સ્પષ્ટ છે કે, મોદી-ભાજપ (અને સંઘ) હવે ઉજળિયાત વર્ગની પાર્ટીની છાપ ભૂંસીને સર્વસમાવેશક બનવા ભણી છે. મહિલા મતબેંક પર પકડ મજબૂત બનાવવા મંત્રીમંડળમાં મહિલા મંત્રીઓની સંખ્યા વધારીને 11 કરવામાં આવી છે. નવું સહકાર મંત્રાલય બનાવીને એનો હવાલો સહકારી ક્ષેત્રનો અનુભવ ધરાવતા અમિત શાહને અપાયો છે. ગુજરાતમાં લાંબો સમય સુધી સત્તા જાળવી રાખવામાં ભાજપને સફળતા મળી એમાં એક કારણ ગામડાંઓ સુધી પ્રસરેલા સહકારી ક્ષેત્ર પર પક્ષે મેળવેલી મજબૂત પક્કડ છે. હવે ગુજરાતની આ તર્જ પર દેશમાં સહકારી માળખા પર ભાજપનું વર્સસ્વ જમાવવાનું હવે એમના શીરે છે. અને, અમિતભાઇ ટાસ્ક પૂરો કરવા જાણીતા છે.

સાથે સાથે, નવી પેઢી અને શહેરી મતદારો સામે નવી છાપ ઉપસાવવા બે નિવૃત્ત સનદી અધિકારી, 13 વકીલ, છ ડોક્ટર અને પાંચ એન્જિનિયરનો સમાવેશ કર્યો છે. એક તરફ, મોદીનું આ પ્રધાનમંડળ સૌથી વધારે શૈક્ષણિક લાયકાત ધરાવતા મંત્રીઓનું બનેલું કહેવાય છે તો બીજી તરફ ગૃહ વિભાગમાં મંત્રી બનેલા નિશિથ પ્રમાણિકે શપથ લીધાના કલાકોમાં જ એમની ડીગ્રીને લઇને સવાલો ઉભા થયા છે. (આડવાતઃ નિવૃત આઇએએસ-આઇપીએસ કે ઉચ્ચ શિક્ષણ મેળવેલા મંત્રીઓની શૈક્ષણિક લાયકાત
અને પર્ફોર્મન્સને કોઇ સંબંધ નથી. ભૂતકાળની સરકારોમાં ય ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા મંત્રીઓ નહોતા એવું નથી.) એક સમયે હાર્વડને લઇને મનમોહન પર તીખા પ્રહારો થયેલા. આજે એ જ હાર્વડમાં ભણેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને કેબિનેટ મંત્રી બનાવાયા છે.

(Image: PTI)

જો કે, આ મંત્રીમંડળમાં ચર્ચાનો મુદ્દો કોને સમાવાયા એના કરતાં આરોગ્ય મંત્રી હર્ષવર્ધન, રવિશંકર પ્રસાદ કે જાવડેકર જેવા હેવીવેઇટ ગણાતા મંત્રીઓને પડતા કેમ મૂકાયા એ છે. જો એમને પડતા મૂકવા પાછળનું એકમાત્ર કારણ એમનું નબળું પર્ફોર્મન્સ હોય તો, નાણામંત્રી નિર્મલાને ય દરવાજો દેખાડવા જેવો હતો. સોશિયલ મિડીયા જાયન્ટ ટ્વીટર સામે રવિશંકરનો બફાટ,અણઘડ નિવેદનો એમને નડ્યા છે, પણ સિઝન્ડ પોલિટિશ્યન ગણાતા જાવડેકરનો ભોગ લેવાવાનું કારણ ભાજપવાળાને હજુ મળતું નથી. સામે પક્ષે, વ્યક્તિગત રીતે ખાસ જવાબદાર ન હોવા છતાં કોરોનાની બીજી લહેરમાં સરકારની અણઘડ નીતિ, કથળેલી સિસ્ટમ અને રાજ્ય સરકારોની અણઆવડતનો ભોગ આરોગ્ય મંત્રી હર્ષવર્ધન બન્યા હોવાની ચર્ચા છે. લાંબા સમયથી નાણા મંત્રાલય પર નજર નાખીને બેઠેલા પિયૂષ ગોયેલની અપેક્ષા ફળી નથી તો સ્મૃતિ ઇરાનીને પ્રમાણમાં હળવા ગણાતા મહિલા-બાળ વિકાસ મંત્રાલયમાં ખસેડી દેવાયા છે.

અલબત્ત, આ બધા કહેવાતા ફેરફારો છતાં સરકાર અને પક્ષ પર નરેન્દ્ર મોદીની રાજકીય પક્કડ હજુ અકબંધ છે. આવનારી ચૂંટણીઓ અને સ્થાનિક જાતિગત સમીકરણો સિવાય નવા મંત્રીઓને સરકારમાં સમાવવાનું વિશેષ મહત્વ નથી કેમ કે, સત્તાનું પાવર-સેન્ટર હજુ ય પીએમઓ (પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ) જ છે. પડતા મૂકાયેલા સો કોલ્ડ હેવીવેઇટ મંત્રીઓ ખાનગીમાં ઉહાપોહ કરે તો ય એમનું પાંચિયું ય ઉપજવાનું નથી એટલે એમને પક્ષમાં શોભાના ગાંઠિયા જેવી જે જવાબદારી મળે એ એમણે
નિભાવી લેવાની છે.

મંત્રીમંડળની ઉથલપાથલમાં નરેન્દ્ર મોદીએ 2022 માં યોજાનાર ઉત્તર પ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોની વિધાનસભા ચૂંટણીને પણ એમણે ધ્યાને લીધી છે. (સરપ્રાઇઝિંગલી, પંજાબમાં ય આવતા વર્ષ ચૂંટણી હોવા છતાં અન્ય રાજ્યોની સરખામણીએ પંજાબ પર ફોકસ કરાયું નથી.) નવા સમાવાયેલા મંત્રીઓમાંથી 7 ઉત્તર પ્રદેશના છે અને એમાં દલિત-ઓબીસી ફેક્ટરને ધ્યાને લેવાયું છે. બંગાળ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ચાર-ચાર મંત્રીઓ સમાવાયા છે.

ગુજરાતની વાત કરીએ તો આખીયે કવાયતમાં આગામી વિધાનસભાની ચૂંટણી અને રાજયમાં ભાજપના આંતરિક સમીકરણોને ખાસ ધ્યાનમાં રખાયા છે. રાજ્યકક્ષાના મંત્રીઓ મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાને કેબિનેટની બઢતી આપવાની સાથે દર્શના જરદોશ (સુરત), દેવુસિંહ ચૌહાણ (ખેડા) અને ડો. મહેન્દ્ર મુંજપરા (સુરેન્દ્રનગર) એમ નવા ત્રણ ચહેરાને સામેલ કરાયા છે. મનસુખ માંડવિયાને કેબિનેટમાં પ્રમોટ કરવા હોય તો એમનાથી સિનિયર રૂપાલાને કેબિનેટમાં લેવા પડે. મનસુખભાઇનું નામ લાંબા સમયથી મુખ્યમંત્રીના સંભવિત દાવેદાર તરીકે લેવાય છે, પણ નરેન્દ્ર મોદી રાજકીય ચોકઠાં એવી રીતે ગોઠવે છે કે પ્યાદાંને ખુદને ખબર ન હોય કે એની આગલી ચાલ હવે કઇ હશે! મનસુખભાઇને આરોગ્ય જેવું વર્તમાન સમયમાં સૌથા મહત્વનું અને પડકારજનક ખાતું અપાયું છે. કોરોનાના સમયમાં દવાઓનો જથ્થો પૂરો પાડવામાં કેમિકલ વિભાગ સંભાળતા મનસુખભાઇએ સારી કામગિરી બજાવી છે. નિશ્ચિતરૂપે, નરેન્દ્ર મોદી હેલ્થકેર ક્ષેત્રમાં મોટી યોજનાઓ અમલી કરવામાં મનસુખભાઇની આ વહીવટીક્ષમતાનો ઉપયોગ કરવા ધારે છે.

માંડવિયા-રૂપાલાને કેબનેટ મંત્રી બનાવીને મોદીને સ્થાનિક ભાજપ સરકાર-સંગઠનને તો મેસેજ આપ્યો છે જ, સાથે ભાજપની મજબૂત વોટબેંક ગણાતા પાટીદારોને પણ સંદેશ આપ્યો છે. વળી, આ બન્ને નેતાઓ સૌરાષ્ટ્રના છે. છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપે દક્ષિણ અને મધ્ય ગુજરાતની સરખાણીએ સૌરાષ્ટ્રમાં વધારે મહેનત કરવી પડેલી એ વાતને એમણે ખાસ ધ્યાને લીધી છે. મોદી સારી રીતે જાણે છે કે, એમની પ્રત્યક્ષ ગેજરહાજરીમાં ગુજરાતમાં સ્થાનિક મંત્રીઓ સામેનો અસંતોષ ભડકે
તો આમ આદમી પાર્ટી એનો લાભ લઇને પગપેસારો કરી શકે છે. આવો અસંતોષ પેટાવવામાં સૌરાષ્ટ્ર બોલકું છે એટલે સૌરાષ્ટ્રનું મહત્વ જાળવી લેવાયું છે. પાટીદારોની સાથે મોદીએ પોતે મુખ્યમંત્રી હતા ત્યારે ઓબીસી મતબેંકને મજબૂત બનાવેલી. એ મતબેંકને અકબંધ રાખવા દેવુસિંહ ચૌહાણ અને કોળી સમાજના ડો. મહેન્દ્ર મુંજપરાને સમાવાયા છે. સુરતના સંસદસભ્ય દર્શના જરદોશ પાસે મજબૂત જાતિગત સમીકરણો નથી, પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતને અને મહિલા ચહેરાને ધ્યાનમાં લેવાતાં
એમનાં નસીબ ખુલ્યાં છે. આદિવાસીમાંથી કોઇને મંત્રી બનાવાયા નથી, પણ સિનિયર આદિવાસી નેતા મંગુભાઇ પટેલને મધ્યપ્રદેશમાં રાજ્યપાલ બનાવીને સમતુલા જાળવવાનો પ્રયત્ન કરાયો છે. (વજુભાઇ વાળા કર્ણાટકના રાજ્યપાલની ટર્મ પૂરી કરીને ગુજરાત પરત ફરી રહ્યા છે એ વાતને અમુક રાજકીય વિશ્લેષકો વજુભાઇના ગુજરાતમાં રાજકીય પુનરાગમન તરીકે જૂએ છે, પણ એમની ઉંમર અને વર્તમાન રાજકીય સમીકરણો જોતાં એ શક્યતા દેખાતી નથી. હા, આગામી ચૂંટણી પછી ગુજરાતના વધુ
એક પીઢ નેતાને કોઇ રાજ્યના રાજભવનનો રસ્તો દેખાડી શકાય છે.)

(Image: PTI)

ગુજરાતમાં પોતાની પ્રત્યક્ષ ગેરહાજરીથી શું-શું થઇ શકે એનો નરેન્દ્ર મોદીને પાક્કો અંદાજ છે અને એટલે જ એમણે મંત્રીમંડળના આ વિસ્તરણમાં ગુજરાતના આગામી રાજકીય સમીકરણો બરાબર સેટ કરી દીધાં છે. હાલના તબક્કે, ગુજરાતમાંથી કેન્દ્રમાં અમિત શાહ અને એસ. જયશંકર સહિત સાત મંત્રીઓ છે. મોદીજી પોતે ટેકનિકલી ગુજરાતમાંથી નથી ચૂંટાયા, પણ એમને એવા કોઇ ટેગની જરૂર ય નથી.
અને હા, મંત્રીમંડળની આ કવાયત પછી અમુક ઉત્સાહી રાજકીય વિશ્લેષકો મંત્રીમંડળમાં મહિલા મંત્રીઓની સંખ્યાથી મહિલા સશક્તિકરણ પર ભાર, 24 જેલા પ્રોફેશનલ્સનો મંત્રીપદે સમાવેશ કરાતા મંત્રીઓની શૈક્ષણિક લાયકાત અને મંત્રીમંડળની સરેરાશ ઉંમર 61 થી ઘટીને 58 થઇ એટલે યુવા શક્તિ પર જોર એવી વાતોનો વધારે પડતો આશાવાદ પ્રગટ કરવામાં લાગી પડયા છે. યુવા અને ભણેલા ગણેલા મંત્રીઓ યુપીએ સરકારમાં ય હતા, પણ એમણે શું નક્કર કામગિરી કરી એની કોઇને ખબર નથી. મોદી-બ્રિગેડના નવા સભ્યોને આવકાર અપાય, પણ એમની કામગિરી બાબતે? આપણે ત્યાં કહેવાય છે કે, લાડીકોડીના નીવડયે વખાણ!!

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]