મુમ્બૈયા વડા પાઉં ન્યુયોર્કમાં પીસીને દ્વારે?

દેશી ગર્લ પીસી, ઉર્ફે પ્રિયંકા ચોપરા જ્યારે પણ ભારત આવે ત્યારે અહીંના સ્ટ્રીટ ફુડ ખાવાનું ચૂકતી નથી. અને હવે તે તેના ભાવતાં આ જ ભારતીય વ્યંજન તથા ભારતીય સ્ટ્રીટ ફુડને ન્યુયોર્કમાં પોતાની રેસ્ટોરન્ટ સોનામાં લઈ આવી છે. આ ભારતીય ખાણું ખાવા ત્યાંની હોલિવૂડ સેલિબ્રિટીઝ્માં જબરો ઉત્સાહ જોવા મળે છે.

પ્રિયંકા ચોપરા જોનાસ, એક બહુમુખી પ્રતિભા ધરાવનાર વ્યક્તિ છે. તે એક કુશળ અભિનેત્રી તેમજ સફળ ફિલ્મ નિર્માત્રી તો છે. ઉપરાંત પરોપકારી વ્યક્તિ પણ છે. અસહાય મહિલાઓ તથા બાળકો માટે મદદની પહેલમાં તે હંમેશ આગળ હોય છે. હવે તેણે હોસ્પિટાલિટી ક્ષેત્રે પણ પગ જમાવ્યો છે. ન્યુયોર્કમાં તેણે તેની પ્રથમ રેસ્ટોરન્ટ સોના ખોલી. જ્યાં વડા પાઉં, પાણી પુરી, સમોસાથી માંડીને કોર્ન ભેલ. ચાટ, ઢોસા, કુલચા તેમજ દરેક દેશી ભારતીય વાનગી જે નામ લો, તે અહીં મળી રહેશે! આ રેસ્ટોરન્ટ માર્ચ, 2021માં શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં તો તે તેની સજાવટ તેમજ ચટાકેદાર વાનગીઓ દ્વારા લોકોમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે. અનેક સેલિબ્રિટી જેવી કે, મીન્ડી કલિંગ, જાણીતા જર્નલિસ્ટ ટોમ નિકોલસ પણ ભારતીય વાનગીને માણતા જોવા મળ્યાં છે.

પરંતુ, સહુથી વધુ પ્રખ્યાત અહીંની વાનગી જે લોકોના દિલ જીતી રહી છે, તે છે અહીંના વડા પાઉં! આ વડા પાઉંની સહુથી વધુ પ્રશંસા કરનાર પ્રથમ સેલિબ્રિટી લોલા જેમ્સ કેલી છે. તે ખૂબ જ પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા અને નામાંકિત થિયેટર કલાકાર છે. લોલાએ અહીંના વડા પાઉં સાથે લીલાં મરચાં સુદ્ધાં ખાધાં! (લીલાં મરચાં વિનાના વડા પાઉં અધૂરા જ લાગે છે!) લોલાએ મકાઈ ભેલ અને ચાટ પણ ખાધાં. ત્યારબાદ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વડા પાઉંનો ફોટોગ્રાફ શેર કરીને વખાણ કરતાં તેમણે લખ્યું, ‘આ કોઈ આશ્ચર્ય નથી, સોના ખરેખર અસાધારણ છે. પ્રિયંકા ચોપરા કંઈ ચૂકી નથી.’

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા જોનાસ હાલ લંડનમાં છે અને તેની એમેઝોન પ્રાઈમ શ્રેણી ‘સિટાડેલ’નું શૂટિંગ કરી રહી છે. આ ઉપરાંત, તે મિન્ડી કલિંગ સાથે ભારતીય લગ્ન કોમેડીમાં પણ જોવા મળશે.