કોંગ્રેસ ચૂંટણી જીતશે તો ગુજરાતમાં કિસાનોની લોન માફ કરશેઃ રાહુલનું વચન

અમરેલી – ગુજરાતમાં વિધાનસભાની ડિસેમ્બરની ચૂંટણી માટેની રસાકસી રોજેરોજ જોરદાર રીતે જામી રહી છે. કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ એવું વચન ઉચ્ચારીને રાજ્યના ખેડૂતોને કોંગ્રેસની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે કે જો એમની પાર્ટી ચૂંટણીમાં જીત મેળવીને સરકાર રચશે તો કિસાનોની લોન માફ કરશે.

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ‘રબર સ્ટેમ્પ’ તરીકે ગણાવીને રાહુલે એવો આક્ષેપ કર્યો છે કે ભાજપના પ્રમુખ અમિત શાહ ‘રીમોટ કન્ટ્રોલ’ વડે ગુજરાતમાં સરકાર ચલાવી રહ્યા છે.

રાહુલ ગુજરાતમાં બે દિવસના પ્રવાસે આવ્યા છે અને આજે એમનો બીજો દિવસ છે. આજે એમણે પાટીદારોની બહુમતીવાળા અમરેલી જિલ્લામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.

એક ચૂંટણી સભામાં રાહુલે કહ્યું હતું કે, મોદીજીએ કિસાનો વિશે ૨૨ વર્ષ સુધી વાતો જ કરી છે, પણ કિસાનોને કંઈ મળ્યું નથી. તમારી જમીન લઈ લીધી છે, તમારાં જળસ્ત્રોતને ઉદ્યોગપતિઓ તરફ વાળી દીધા છે અને તમને નુકસાન થયેલા પાકનો વીમો પણ મળ્યો નથી. અમે તમને વચન આપીએ છીએ કે ગુજરાતમાં અમે સરકાર રચીશું એના ૧૦ દિવસની અંદર તમારી લોન માફ કરવા માટેની નીતિ ઘડીશું.

રાહુલ ગાંધીએ કહ્યું કે આ પહેલી જ વાર એવું બન્યું છે કે ગુજરાતમાં સમાજના તમામ વર્ગોમાં વિરોધ થઈ રહ્યો છે, પછી એ પાટીદારો હોય, દલિતો હોય, આંગણવાડીના કામદારો હોય કે ખેડૂતો હોય. માત્ર પાંચ ટકા લોકો જ વિરોધ કરતા નથી. તેઓ ચાર્ટર્ડ વિમાનોમાં ઉડે છે અને મોદીજીના મિત્રો છે. એમાંના કેટલાક જણ નેનો કાર બનાવવા માટે રૂ. 33 હજાર કરોડ (લોન) મેળવે છે.

(રાહુલ ગાંધીએ આજે અમરેલીથી ભાવનગરના પ્રવાસ દરમિયાન લાઠી, ગોપીનાથજી મંદિર, બોટાદ, વલ્લભીપુરની મુલાકાત લીધી હતી).