પર્યાવરણની સુરક્ષા આયર્લેન્ડમાં બંધારણીય અધિકાર બન્યો

ર્યાવરણની વાત તો આજે સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. પર્યાવરણનો વિનાશ એ છેવટે પૃથ્વીનો વિનાશ છે. ઝાડ ઓછાં થવાં, પેટ્રોલ-ડીઝલનો સતત વપરાશ, પૃથ્વીના પેટાળમાં ખોદકામ, બાંધો, નદીનાં વહેણ બદલવા કોશિશ, સમુદ્રમાં ક્ષારકામ, ખનીજોનો વધી રહેલો વપરાશ, પરમાણુ પરીક્ષણો, વીજળીનો વધુ વપરાશ, કોલસાનો વધુ વપરાશ, મોબાઇલ ફોન અને કમ્પ્યટર જેવાં ઇલેક્ટ્રૉનિક સાધનોની વધુ ખપત…આ બધું આધુનિકતા કહેવાય છે પરંતુ તેનાથી ઋતુઓ અનિયમિત બની રહી છે. એ.સી. વગેરે અનેક બાબતોના કારણે ઑઝોનનું પડ તૂટી રહ્યું છે. તેના લીધે સૂર્યનાં દઝાડતા કિરણો આપણાં સુધી આવી રહ્યાં છે અને પરિણામે ગરમી વધી રહી છે. બરફ પીગળી રહ્યો છે. આ બધાના કારણે પૃથ્વી પર ગરમી વધી રહી છે. પૂર અને અતિવૃષ્ટિ તો ક્યારેક દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓ આવી રહી છે.આ બધા સામે જોકે દુનિયામાં જાગૃતિ પણ આવી રહી છે, પરંતુ જે વિકસિત દેશો છે તે પોતાની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. પેરિસમાં ક્લાઇમેટ ચૅન્જ પર કરારો થયા હતા તેમાંથી અમેરિકા હટવાની વાત કરે છે. જોકે આની સામે કેટલાક દેશો ગંભીરતાથી લડવાની વાત પણ કરે છે. ભારતમાં તો પર્યાવરણ એ જીવનશૈલી સાથે વણાયેલી વાત છે. તુલસી, પીપળા, વડ, બિલી વગેરે વૃક્ષોની પૂજા, નદીઓમાં માતાના દર્શન, આ બધાના કારણે આપોઆપ પર્યાવરણની જાળવણી થાય છે.

આયર્લેન્ડમાં પણ જાગૃતિ છે તેનું ઉદાહરણ એ છે કે પહેલી વાર આયર્લેન્ડના ન્યાયાલયે પર્યાવરણની સુરક્ષાને બંધારણીય અધિકાર તરીકે માન્યતા આપી છે. પર્યાવરણની સુરક્ષા માનવ ગરીમા અને નાગરિકોની વિશાળ પાયે સુખાકારી સાથે સાતત્યસભર હોવી જોઈએ. આ કાયદાકીય રીતે એક સીમાચિહ્ન છે. જનતાના હિતમાં તેને જોગવાઈ તરીકે તેની ભલામણ થઈ છે.

ગયા સપ્તાહે ઉચ્ચ ન્યાયાલયે પર્યાવરણ જૂથ ફ્રૅન્ડ્સ ઑફ આઇરિસ એન્વાયર્મેન્ટ (એફઆઈઇ) દ્વારા કરવામાં આવેલા એક કેસમાં આ નિર્ણય કર્યો હતો. ડબલિન વિમાનમથકે નવા રનવેને મંજૂરીની યોજનાને તેણે પડકારી હતી, પરંતુ તેની વિનંતીને રદ્દ કરી નાખવામાં આવી હતી તેમ છતાં ઉચ્ચ ન્યાયાલયે ઉપરોક્ત નિર્ણય આપ્યો હતો. જે લોકો પર્યાવરણને સતત નુકસાનનાં પરિણામોના લીધે ભોગવી રહ્યા છે તેમના માટે આ અધિકાર કાનૂની શસ્ત્ર આપશે. જે નાગરિકો તેમના આરોગ્યને ગંભીર ખતરારૂપ પ્રદૂષણમાં જીવી રહ્યા છે તેમને પણ આ અધિકારથી મોટું બળ મળ્યું છે. જે લોકો હવામાન પરિવર્તનની નકારાત્મક અસરો ભોગવી રહ્યા છે પરંતુ કાર્બન ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યાંકો અને કાનૂની બાધ્ય પગલાંઓનું પાલન થતું નથી તેમના માટે પણ આ અધિકાર ખૂબ જ આશા જગાડનારો છે.

એફઆઈઇએ દલીલ કરી હતી કે સૂચિત રનવેથી ગ્રીનહાઉસ ગેસનું વધુ ઉત્સર્જન થશે અને તેનાથી હવામાન પરિવર્તનની ઝડપ વધશે.

પોતાના ચુકાદામાં ન્યાયમૂર્તિ મેક્સ બેરેટે કહ્યું હતું, “માનવની ગરીમા અને નાગરિકોની વિશાળ પાયે સુખાકારી સાથે સાતત્યસભર હોય તેવા પર્યારણના અધિકારએ તમામ માનવ અધિકારોને પૂર્ણ કરવાની આવશ્યક શરત છે.” આ અતૂટ પ્રવર્તમાન અધિકાર છે જે સમગ્ર વિશ્વમાં લાગુ છે, પરંતુ આયર્લેન્ડમાં બંધારણની કલમ ૪૦.૩.૧. હેઠળ અધિકાર તરીકે અંગત રીતે આપેલો છે. આ એવો કંઈ અધિકાર નથી જેનો ક્યારેય અમલ ન થઈ શકે. સરકારે દલીલ કરી હતી કે  બંધારણમાં પર્યાવરણનો કોઈ અધિકાર અલગ રીતે અપાયેલો કે લખાયેલો નથી.

હવામાનમાં પરિવર્તન પર નાગરિકોની સભાને આપેલા આવેદનપત્રમાં એન્વાયરમેન્ટ પિલર જે પર્યાવરણ જૂથોનું ગઠબંધન છે તેણે પર્યાવરણની સુરક્ષાના બંધારણીય અધિકાર આપવા લોકમત લેવા માટે વિનંતી કરી છે. પરંતુ સરકારને તે સંસ્થાની ભલામણોમાં તે લેવામાં નહોતો આવ્યો. તેના બદલે આ અધિકાર બીજા માધ્યમ મારફતે આવ્યો છે. આ એક પ્રગતિકારક પગલું છે જે સરકાર અને રાજ્યને પર્યાવરણ તથા હવામાન પરિવર્તન માટે તેમની જવાબદારીઓ માટે જવાબદેહી ઠરાવવા માગે છે તેમને તેનાથી ખૂબ જ સહાયરૂપ સાબિત થશે.