બારડોલી: આઝાદી પહેલાં વર્ષ 1928માં થયેલા બારડોલી સત્યાગ્રહ એ સવિનય કાનૂન ભંગની ચળવળનો એક ભાગ હતો. જેની સફળતાને પગલે વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્તરે એક નેતા તરીકે ઉભરી આવ્યાં અને દેશના સરદાર તરીકે ઓળખાયા. આદિવાસી સમાજના પ્રભુત્વવાળી આ બેઠક છે છતાં અહીં જનરલ અને બક્ષીપંચ મતદારો પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. 2008ના સીમાંકન બાદ બેઠક અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી બે ટર્મથી બારડોલી બેઠક ભાજપ પાસે છે. વર્ષો સુધી આ બેઠક કોંગ્રેસના વર્ચસ્વવાળી રહી છે. સુરત અને તાપી જિલ્લામાં વહેંચાયેલી બેઠક છે. અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક છે. ગુજરાત લોકસભા ચૂંટણી 2024માં સૌથી ઓછાં ઉમેદવાર આ બેઠક પરથી ત્રણ નોંધાયા છે. જેમાં કોંગ્રેસ અને ભાજપ સિવાય બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રેખા ચૌધરીનો સમાવેશ થાય છે.ઉમેદવાર
ભાજપ – પ્રભુ વસાવા
પ્રભુ વસાવાએ રાજકીય કારકિર્દી કોંગ્રેસ સાથે શરૂ કરી હતી. માંડવી વિધાનસભામાં કોંગ્રેસ તરફથી બે ટર્મ ચૂંટાયા હતાં. 2014ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતાં. આદિવાસી અનામત બેઠક પર પ્રભુ વસાવાએ 2014 અને 2019માં તુષાર ચૌધરીને માત આપી હતી. સહકારી આગેવાન સાથે સંગઠન ક્ષેત્રે પણ સારી કામગીરી કરી છે.
કોંગ્રેસ – સિદ્ધાર્થ ચૌધરી
સિદ્ધાર્થ ચૌધરી પૂર્વ સાંસદ અને ધારાસભ્ય અમરસિંહ ઝેડ. ચૌધરીના પુત્ર છે. સ્થાનિક સ્તરે એકંદરે સ્વીકૃત ચહેરો અને નિર્વિવાદીત છબી ધરાવે છે. વ્યારાના પીઢ કોંગ્રેસીઓ સાથે નિકટતા છે. સહકારી ક્ષેત્રે સક્રિય છે. તાપી જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય રહી ચૂક્યા છે. સુમુલ ડેરીના ડિરેક્ટર તરીકે હાલ કાર્યરત છે. તેમના પિતા અમરસિંહ ઝેડ. ચૌધરીએ વ્યારા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી તત્કાલીન મુખ્યમંત્રી અમરસિંહ બી. ચૌધરીને હરાવ્યા હતા. 2021થી તાપી જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા તરીકે કાર્ય કરી રહ્યા છે. B.E. મિકેનિકલ અને M.B.A.નો અભ્યાસ કર્યો છે.
PROFILE
- બારડોલી લોકસભા મતવિસ્તારમાં સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં બારડોલી, માંગરોળ(ST), વ્યારા(ST), માંડવી(ST), નિઝર(ST), મહુવા(ST) અને કામરેજનો સમાવેશ થાય છે.
- 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપના પ્રભુ વસાવા આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 2,15,447 વોટની લીડથી જીત્યા હતા.
મતદારોની સંખ્યા
કુલ મતદાતા – 20,30,830
પુરુષ મતદાતા – 10,32,104
મહિલા મતદાતા – 9,98,705
વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક | ઉમેદવાર | પક્ષ | વોટ | લીડ |
બારડોલી | ઈશ્વર પરમાર | ભાજપ | 1,18,527 | 89,948 |
માંગરોળ(ST) | ગણપત વસાવા | ભાજપ | 93,669 | 51,423 |
વ્યારા(ST) | મોહન કોંકણી | ભાજપ | 69,633 | 22,120 |
માંડવી(ST) | કુંવરજી હળપતિ | ભાજપ | 74,502 | 18,109 |
નિઝર(ST) | જયરામ ગામીત | ભાજપ | 97,461 | 23,160 |
મહુવા(ST) | મોહન ધોડિયા | ભાજપ | 81,383 | 31,508 |
કામરેજ | પ્રફુલ્લ પાનસેરિયા | ભાજપ | 1,85,585 | 74,697 |
બારડોલી બેઠકની વિશેષતા
- આ બેઠક પહેલાં માંડવી બેઠક તરીકે ઓળખાતી હતી.
- માંડવી બેઠક પરથી કોંગ્રેસના છીતુભાઈ ગામીત સાત વખત જીત્યા છે
- 2008માં નવા સીમાંકન બાદ બારડોલી બેઠક અમલમાં આવી
- 2009માં કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીની જીત થઈ હતી.
- આ બેઠક છેલ્લી બે ટર્મથી ભાજપના ફાળે છે.