પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર…
ખેડૂતોના રૂપિયા ત્રણ લાખ સુધીના દેવાં માફ…
દસ લાખ લોકોને રોજગારી અને બેરોજગારોને ત્રણ હજાર રૂપિયાનું અનામત ભથ્થું…
ગુજરાતમાં આવીને રાહુલ ગાંધીએ સાબરમતીની સાક્ષીએ કોંગ્રેસ પક્ષ વતી ગુજરાતની જનતાને જે ચૂંટણીવચનો આપ્યા એની આ ઝલક માત્ર છે. એ પહેલાં ‘દિલ્હી મોડેલ’ને ગુજરાતમાં લાવવાના વચન સાથે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ગુજરાતની મહિલાઓને, શિક્ષકોને, ખેડૂતોને, આદિવાસીઓને અને વેપારીઓને એક હજાર રૂપિયાની સમ્માન રાશિ, ખેડૂતોને દેવામાફી, વેપારીઓને છ મહિનામાં વેટનું રિફંડ, ગામ-શહેરોમાં મોહલ્લા ક્લિનિક એમ એક પછી એક ગેરેંટી કાર્ડ આપવાનું શરૂ કરી દીધું છે.
વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં આવી રહી છે એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તો ચૂંટણી વાયદાઓના પટારા ખોલવાના ચાલુ કરી દીધા છે. ભાજપ સત્તામાં છે એટલે હાલમાં એ છેલ્લી ઘડી સુધીના ઉદઘાટનો-લોકાર્પણો-શિલાન્યાસો પતાવવાની વેતરણમાં છે. એ પતે પછી ભાજપના પટારામાંથી પણ રંગબેરંગી સપનાંઓ નીકળશે એ નક્કી છે. એક સમયે ચૂંટણી પહેલાં રાજકીય પક્ષો ઇલેક્શન મેનિફેસ્ટો એટલે કે ચૂંટણી ઢંઢેરામાં મતદારોને વચનોની લ્હાણી કરતાં, પણ સોશિયલ મિડીયાના આ ફાસ્ટયુગમાં હવે ચૂંટણી ઢંઢેરાનું કોઇ મહત્વનું રહ્યું નથી. હવે તો નેતા વદે એ જ વચન.
આમ તો, ચૂંટણીમાં અપાતા વચનો પાળવા માટે હોતા નથી એ ખુદ નેતા અને મતદારો બધાય જાણે છે, પણ છતાંય મતદારો નેતાઓની આ ‘વચનજાળ’માં ફસાય છે એ પણ હકીકત છે. (આજકાલ દેશમાં રેવડી કલ્ચરની ચર્ચા ખૂબ ચાલી છે, પણ ચૂંટણી વચનો અને રેવડી કલ્ચર વચ્ચે અંતર છે. રેવડી કલ્ચર એટલે સરકારો નાગરિકોને બધું ફ્રી ઓફર કરે કે આપે એ. જ્યારે ચૂંટણી પહેલાં ફંગોળાતા વાયદાઓ એ મતદારોને હથેળીમાં બતાવાતું ચાંદ કલ્ચર છે.)
લોકશાહીમાં આદર્શ સ્થિતિ એ છે કે ચૂંટણી વખતે રાજકીય પક્ષો-ઉમેદવારો પોતપોતાનો એજન્ડા મતદારો સમક્ષ મૂકે, જેમાં રાષ્ટ્રીય-આંતરાષ્ટ્રીય મુદ્દાઓ પર પક્ષનું વલણ, નીતિ હોય. સ્થાનિક પ્રશ્નો કઇ રીતે હલ કરાશે એની બ્લ્યૂ-પ્રિન્ટ હોય.
વાસ્તવિકતા એ છે કે, વિચારધારા આધારિત નીતિઓ કે કાર્યક્રમોમાં નથી નેતાઓને રસ કે નથી મતદારોને એટલે જાહેરસભાઓમાં વચનો આપતી વખતે નેતાઓ હવામાં કિલ્લાઓ બાંધવાનું શરૂ કરી દે છે.
અને, એવું ય નથી કે બેફામ ચૂંટણીવચનો ફક્ત આપણા રાજકારણીઓ જ આપી જાણે છે. આ ‘ડીએનએ’ દુનિયાભરના રાજકીય પક્ષોમાં અને રાજકારણીઓમાં કોમન છે. અમુક અમુક વચનો તો પાછા એવા હોય કે આપણે સાંભળીએ તો આપણને ચક્કર આવી જાય, પણ એમનું રૂંવાડું ય ન ફરકે! એટલે આવો, આજે એવા કેટલાક અજીબોગરીબ ચૂંટણીવચનો મમળાવીએ. આ વાંચશો તો લાગશે કે આપણને મળતાં ફ્રી વીજળી, સસ્તાં ઘર, મફત રાશન કે બેંક લોનમાફીના વચનો તો આની સામે કાંઇ નથી!
|
વેલ, ચૂંટણીવચનો આપવામાં બધા રાજકારણીઓ શૂરાપૂરા હોવા છતાં અમેરિકન જર્નલ ઓફ પોલિટિકલ સાયન્સના વર્ષ 2017ના એક સ્ટડી પ્રમાણે, ઓસ્ટ્રિયા, બલ્ગેરિયા, કેનેડા, અમેરિકા, જર્મની, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન જેવા દેશમાં ચૂંટણીવચનો વત્તાઓછા અંશે પૂરા થાય પણ છે. આપણે ત્યાં રેવડી કલ્ચર અને આ હથેળીમાં ચાંદ બતાવવાના કલ્ચરની એટલી ભેળસેળ થઇ ગઇ છે કે સરકારો જૂની યોજનાઓનું નવા નામે ફરીથી લોકાર્પણ કરી નાખે તો પણ કોઇને ખબર પડતી નથી. આમ છતાં, કોઇએ આ પ્રકારનો સ્ટડી કરવો જોઇએ. (કોઇએ કર્યો હોય તો ધ્યાન દોરજો.)
અને છેલ્લે, બે અદભૂત ચૂંટણીવચનો. અમેરિકન ચૂંટણીમાં 2012માં ન્યૂટ જિનરિક નામના ઉમેદવારે અમેરિકન મતદારોને 2020 સુધીમાં ચંદ્ર પર અમેરિકન કોલોની બનાવવાનું વચન આપી દીધેલું. તો માર્ચ, 2021માં તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં સાઉથ મદુરાઇના એક અપક્ષ ઉમેદવારે મતદારોને એક આઇફોન, એક કાર, એક હેલિકોપ્ટર, એક રોબોટ, સ્વિમિંગ પુલ સાથેનું એક ઘર અને આ બધા ઉપરાંત ચાંદ પર એકસો દિવસનું વેકેશન લટકામાં આપવાનું વચન આપ્યું હતું!
હથેળીમાં ચાંદ દેખાડવાનું આને જ કહેતા હશે!!
(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે. વિચારો એમના અંગત છે.)