ઉમેદવારોના નામોની જાહેરાતને લઇને સર્જાતી ઉત્સુકતા, કોણ કપાયા-કોણ સચવાયાની ચર્ચા, કપાયેલા ઉમેદવારોની નારાજગી અને પક્ષમાંથી સામુહિક રાજીનામાં, પક્ષના કાર્યાલય પર નારાજ નેતાજીના સમર્થનમાં કાર્યકરોનાં ધાડાં, અમુક બેઠક પર કોણ ઉમેદવાર હશે એને લઇને છેક છેલ્લી ઘડી સુધીની કશ્મકશ, દિલ્હી-અમદાવાદ વચ્ચે નેતાઓની આવનજાવન અને જાતજાતનાં નિવેદનો…
આમ તો, દરેક ચૂંટણીમાં આ પ્રકારનો જ રાજકીય માહોલ સર્જાતો હોય છે અને આ વખતે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ હાલ આ જ માહોલ દેખાઇ રહ્યો છે.
1 ડિસેમ્બરના રોજ યોજાનાર પહેલા તબક્કાના મતદાન માટેના ઉમેદવારી પત્રો તો ભરાઇ પણ ચૂક્યા છે અને 5 ડિસેમ્બરે યોજાનાર બીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારોનું ચિત્ર પણ લગભગ લગભગ સ્પષ્ટ થઇ ચૂક્યું છે.
ભાજપ, કોંગ્રેસ અને આપ એ ત્રણેય પક્ષના કેમ્પેઇન વિશે તો આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. આમ પણ આ વખતે ઉમેદવારી ફોર્મ ફરવા અને મતદાનના દિવસ વચ્ચે સમયગાળો ખૂબ ઓછો છે એટલે ઉમેદવારો માટેય રાત થોડી ને વેશ ઝાઝા એવી સ્થિતિ છે એટલે આ બધાની વચ્ચે ગુજરાતની આ વખતની ચૂંટણીનું અત્યાર સુધીમાં જે ચિત્ર ઉપસે છે એ સમજીએ.
એકઃ સૌ પ્રથમ વાત ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની યાદીની. કોંગ્રેસની સરખામણીએ ભાજપે આ વખતે ઉમેદવારોની પસંદગીમાં ખૂબ જ મથામણ પછી અત્યંત ગણતરીપૂર્વકનું જોખમ લીધું છે. વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જેવા જૂના જોગીઓને ચૂંટણીના રાજકારણમાંથી બહાર મૂકી દીધા. વડોદરામાં મધુ શ્રીવાસ્તવ જેવાને કાપી નખાયા તો બીજા ઘણાને રામરામ કહી દેવાયું. અમદાવાદમાં પ્રદીપસિંહ જાડેજાને અમિત શાહની નિકટતાના કારણે ટિકીટ મળશે એવું મનાતું હતું, પણ એમની સાથે એમના સાથીદાર અને ભૂપેન્દ પટેલની સરકારમાં મંત્રી પ્રદીપ પરમારને ય ટિકીટ અપાઇ નથી. રાજકોટની એ બેઠક કે જ્યાંથી બે-બે મુખ્યમંત્રી (નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી) લડીને જીત્યા છે ત્યાં વિજય રૂપાણી અને વજુભાઇ વાળાના આગ્રહને વશ થયા વિના સંઘ પરિવારની પસંદ એવા દર્શિતાબહેનને ટીકિટ આપીને હાઇકમાન્ડે (મોદી એમ વાંચો) સ્પષ્ટ સિગ્નલ પણ આપ્યા કે પક્ષ કોઇના વ્યક્તિગત દબાણમાં નહીં આવે.
અમિત શાહના દીકરા જય શાહ કે આનંદીબહેન પટેલના દીકરી અનાર પટેલને ટિકીટ અપાશે એવી ચર્ચા ઘણા સમયથી ચાલતી હતી, પણ પક્ષે અગાઉથી જ સ્પષ્ટ કરી દીધેલું કે નેતાઓના સગાવ્હાલાં કે પરિવારમાં કોઇને ટિકીટ નહીં અપાય. કોંગ્રેસમાંથી આવેલા ભગાભાઇ બારડ, પબુભા માણેક, જયેશ રાદડિયા કે જવાહર ચાવડા જેવાને ભાજપે ટિકીટ આપી એની પાછળનું કારણ આ ઉમેદવારોની વ્યક્તિગત રાજકીય તાકાત અને પોતાના વિસ્તારમાં એમનું પ્રભુત્વ છે. કોંગ્રેસમાંથી આવેલા હાર્દિક પટેલને વીરમગામથી ટિકીટ આપી છે, પણ આ બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસની છે એટલે સંદેશ સ્પષ્ટ છેઃ હાર્દિકમાં પોતાના દમ પર લડવાની કે જીતવાની કેટલી તાકાત છે એ મપાઇ જશે. એવી જ રીતે, 2017ના આંદોલનના અન્ય એક હીરો અલ્પેશ ઠાકોરને ગાંધીનગર (દક્ષિણ) બેઠક પરથી ટિકીટ મળી છે. આ બન્ને સામે પક્ષમાં જ વિરોધ છે અને આમ છતાં જો એ સામા પૂરે તરી બતાવે છે તો પક્ષમાં એમને સ્વીકૃતિ મળતાં વાર નહીં લાગે.
ભાજપની આ યાદીમાં ઊડીને આંખે વળગે એવી કોઇ વાત હોય તો એ છે નવા ચહેરાઓની પસંદગી. નરેન્દ્ર મોદીએ નવા ચહેરાઓને પસંજ કરીને પક્ષમાં એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, છેલ્લા વીસ-પચીસ વર્ષથી ભાજપ સત્તામાં છે અને જે આગેવાનો ભાજપના ચહેરા બની રહ્યા છે એમણે હવે વિરામ લેવાનો છે. આ યાદીમાં પસંદ થયેલા નવા ચહેરાઓ હવે આગામી પંદર-વીસ વર્ષ માટે ભાજપનો ચહેરો બનવાના છે! સામે કોંગ્રેસ માટે એ વિપક્ષમાં હોવાથી અને પક્ષની હાલત કમજોર હોવાથી એ નવા ચહેરાઓ લાવીને રાજકીય પ્રયોગો કરી શકે એવી હાલત જ નહોતી. પક્ષે 2017માં જીતેલા હોય એ બધા ધારાસભ્યોને રિપીટ કર્યા છે, પણ જૂના જોગીઓને ચૂંટણી જંગમાં ઉતારવાની રણનીતિ અમલમાં મૂકી શકાઇ નથી. અર્જુન મોઢવાડિયા અને અમરસિંહ ચૌધરીના પુત્ર ડો. તુષાર ચૌધરી જેવા અપવાદ સિવાય કોઇ પીઢ નેતાઓ મેદાનમાં નથી. રાષ્ટ્રીયસ્તરે ચર્ચા હતી કે, સંસદસભ્ય હોય એ બધા પીઢ નેતાઓને મેદાનમાં ઉતારવા, પણ રાષ્ટ્રીય નેતૃત્વ એમાં ફાવ્યું નથી. એકમાત્ર ડો. અમી યાજ્ઞિકને ઘાટલોડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે મૂકી દેવાયા છે.
બેઃ બીજો મહત્વનો મુદ્દો નજર સામે આવે છે એ છે ઉમેદવારોની પસંદગી સામે પક્ષમાં ફેલાયેલો અસંતોષ. સૌરાષ્ટ્રમાં બોટાદ બેઠક માટે પ્રવક્તા મનહર પટેલ લાંબા સમયથી પ્રયત્નશીલ હતા અને ચૂંટણી અગાઉ એમણે વિસ્તારના ગામડાઓમાં ફરીને પ્રચાર ય શરૂ કરી દીધેલો, પણ પક્ષે નામ જાહેર કર્યું રમેશ મેરનું. પત્યું, મનહર પટેલના સમર્થકોએ બળવાનો પલીતો ચાંપ્યો. છેવટે, મોડી સાંજે પક્ષે રમેશ મેરને હટાવીને મનહર પટેલને ટિકીટ આપવી પડી! કોંગ્રેસમાં જો કે આ પ્રકારના અસંતોષની કે છેલ્લી ઘડીએ નારાજ દાવેદારના બળવાના કારણે ઉમેદવાર બદલવાની નવાઇ નથી, પણ આ વખતે શિસ્તબધ્ધ મનાતા ભાજપમાં ય નારાજગી અને રોષની સ્થિતિ વધારે જોવા મળી છે. મધુ શ્રીવાસ્તવને
સમજાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે અને એ અપક્ષ લડે તો ભાજપની ય બાજી બગાડી શકે છે. વીરમગામમાં હાર્દિક પટેલને ટિકીટ આપવા સામે ભાજપમાં જ ભડકો છે તો અલ્પેશ ઠાકોરને ગાંધીનગર (દક્ષિણ)માંથી ટિકીટ આપવાની વાત બહાર આવતાં જ અહીં અલ્પેશના વિરોધમાં બેનર લાગવાના ચાલુ થઇ ચૂક્યા હતા. વઢવાણમાં જિજ્ઞા પંડ્યાની જાહેરાત પછી ઉમેદવાર બદલવા પડ્યા છે! પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પ્રયત્નો છતાં ય નારાજ નેતાઓ-સમર્થકો ન માનતા છેવટે અમિત શાહે મામલો હાથ પર લેવો પડ્યો એના પરથી જ ખ્યાલ આવે છે કે ભાજપમાં આ વખતે આંતરિક પરિસ્થિતિ ધારીએ એટલી સારી નથી જ.
અલબત્ત, ચૂંટણી વખતે દરેક પક્ષમાં કપાયેલા કે ટિકીટ ન મળે ત્યારે નેતાઓ પોતાનું રાજકીય વજન બતાવવા આવું કરતા હોય છે અને થોડીઘણી સમજાવટના અંતે બધું થાળે પડી જતું હોય છે, પણ આમ છતાં નારાજ નેતાઓ નિષ્ક્રિય થઇ જાય કે પક્ષવિરોધી કામ કરે ત્યારે જે તે બેઠકના હાર-જીતના સમીકરણો બદલાતા વાર નથી લાગતી. આ વખતે પણ, બન્ને પક્ષમાં ફેલાયેલો અસંતોષ કેટલે સુધી હાર-જીતમાં ભાગ ભજવે છે એ જોવાનું રહે છે.
ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે, પણ પક્ષ આ સ્કેલ પર પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યો છે એટલે કોણ કપાયા, કોણ નવા ચહેરા આવ્યા એની કોઇ ચર્ચા ન થાય એ સ્વાભાવિક છે. વળી, પક્ષની યાદીમાં અમુક ઉમેદવારોના બાદ કરતાં મોટાભાગના ચહેરા જાહેરજીવનમાં નવા-સવા અને અજાણ્યા છે એટલે નારાજગી-અસંતોષની પણ બહુ ચર્ચા નથી. નાનીમોટી ઘટના હોય તો પણ એનાથી બહુ ફરક પડતો નથી.
ત્રણઃ ત્રીજી સૌથી વધુ અગત્યની ચર્ચા એ છે કે, સૌરાષ્ટ્રમાં આ વખતે શું થશે? યાદ રહે, 2017ની ચૂંટણીમાં ભાજપને 99 બેઠક સુધી લાવી દઇને કોંગ્રેસનો આંકડો 77 સુધી લઇ જવામાં સૌરાષ્ટ્ર વિસ્તારે મહત્વનો ભાગ ભજવેલો. ભાજપને સૌથી વધુ નુકસાન અહીં જ થયેલું એટલે આ વખતે સૌરાષ્ટ્રમાં શું થશે એના પર બધાની વિશેષ નજર છે.
1 ડિસેમ્બરે 19 જિલ્લાની જે 89 બેઠક પર મતદાન થશે એમાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકનો સમાવેશ થાય છે. ગઇ ચૂંટણીમાં ભાજપને દક્ષિણ ગુજરાતમાં તો બહુ વાંધો નહોતો આવ્યો, પણ સૌરાષ્ટ્રમાં એને ફક્ત 23 બેઠક મળેલી, જ્યારે કોંગ્રેસને 30 બેઠક મળેલી. ગીર સોમનાથ અને અમરેલી જેવા જિલ્લાઓમાં તો ભાજપ લગભગ ધોવાઇ ગયેલું. એ નુકસાન સરભર કરવા ભાજપે તાલાલામાં કોંગ્રેસમાંથી આવેલા ભગાભાઇ બારડ, વીસાવદરમાં હર્ષદ રીબડીયા જેવાને ટીકિટ
આપી છે તો જામનગરમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્નિ રીવાબાને મેદાનમાં ઉતારીને એમની લોકપ્રિયતાનો લાભ લેવાની રણનીતિ આપનાવી છે. રીવાબાની સામે એમના જ નણંદ કોંગ્રેસનો પ્રચાર કરશે એટલે આ બેઠક સૌરાષ્ટ્રની સૌથી વધુ રસપ્રદ બેઠક બની રહેશે. તો જામખંભાળિયામાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીપદના ઉમેદવાર ઇસુદાન ગઢવીના કારણે મુકાબલો રસપ્રદ બનશે કેમ કે એમણે અહીં કોંગ્રેસના મજબૂત ચહેરા વિક્રમ માડમને હરાવવા આહીર મતો મેળવવા પડશે. અમરેલીમાં કોંગ્રેસના પરેશ ધાનાણી સામે નવા ચહેરા તરીકે ભાજપે કૌશિક વેકરિયાને મૂકવાથી જંગ જામ્યો છે તો રાજુલામાં કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર સામે ભાજપે ફરીથી હીરા સોલંકી પર જ મદાર રાખવો પડ્યો છે.
એની સામે દક્ષિણ ગુજરાતમાં સુરતની કતારગામ, ઓલપાડ, વરાછા જેવી બેઠકો અને ભરુચમાં ઝઘડિયા બેઠક પર બધાની નજર વિશેષ રહેશે કેમ કે, કતારગામ, ઓલપાડ અને વરાછા પર આમ આદમી પાર્ટીના અનુક્રમે ગોપાલ ઇટાલિયા, ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરીયા લડી રહ્યા છે. અલ્પેશ અને ધાર્મિક એ બન્ને પાટીદાર અનામત આંદોલનના ચહેરા છે તો સુરતમાં મહાનગરપાલિકામાં આપને 27 બેઠક અપાવવામાં પાટીદાર અનામત આંદોલનના કાર્યકરોએ મહત્વનો ભાગ ભજવેલો
એટલે આ વખતે એ લોકો કેટલું કાઠું કાઢી શકે એ જોવાનું છે. એ પણ નોંધવું જોઇએ કે, ગઇ ચૂંટણીમાં પાટીદાર આંદોલન છતાં ભાજપને સુરતમાં ભવ્ય સફળતા મળેલી એટલે આ આંદોલનકારીઓ પોતાનો પ્રભાવ કેટલીહદે બતાવી શકે છે એ જોવાનું રસપ્રદ બની રહેશે.
પહેલા તબક્કાના મતદાનને લાગેવળગે છે ત્યાં સુધી બે પ્રશ્નો સામે આવે છેઃ એક તો, સૌરાષ્ટ્રમાં થયેલું નુકસાન ભાજપ સરભર કરી શકશે કે કોંગ્રેસ એનો 2017નો દેખાવ જાળવી રાખશે? અને બે, ગઇ ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતમાંથી ભાજપને 25 અને કોંગ્રેસને 8 બેઠક મળેલી. આ વખતે આમ આદમી પાર્ટીની હાજરીના કારણે બન્ને પક્ષના દેખાવમાં શું ફરક પડી શકે છે?
વેલ, હજુ ઉમેદવારોની પસંદગી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે એટલે ચૂંટણી સભાઓનો મારો શરૂ થયો નથી. નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી સહિત મોટાનેતાઓની જોહારસભાઓય શરૂ થઇ નથી એટલે એકબીજા સામે આક્ષેપો-પ્રતિઆક્ષેપો થાય અને જે માહોલ જામે એવો માહોલ હજુ જામ્યો નથી, પણ જામશે, એ ય જામશે. પ્રચારમાં કોણ શું બોલશે, ક્યા નવા મુદ્દાઓ આવશે, કોણ મોદીને શું કહે છે અને ભાજપ એનો શું જવાબ આપે છે એ બધું સંભવતઃ આગામી દિવસોમાં જોવા મળશે ત્યારે જ ચૂંટણી આવી એવું લાગશે!
(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)
