કેવી હશે મોદી સરકારની નવી ટર્મ?

તો, પરિણામો પછી નરેન્દ્ર મોદી 3.0 સરકાર રવિવારે સાંજે શપથ લેવા જઇ રહી છે. મતદારોએ ભાજપને એના અતિ આત્મવિશ્વાસ અને વાસ્તવિક મુદ્દાઓ સામે આંખ આડા કાન કરવાની સજા આપી હોય એમ મર્યાદિત સત્તા સોંપી છે. સામે કોંગ્રેસને અસરકારક વિપક્ષ બનવા માટે થોડીક વધારે બેઠક આપી છે. જનતાએ આ પરિણામોમાં ભાજપ-કોંગ્રેસથી માંડીને એનડીએ-ઇન્ડિયા ગઠબંધનના અન્ય તમામ પક્ષો માટે કાંઇકને કાંઇક આપ્યું છે એટલે બધા ખુશ છે.

‘યહાં જીતમેં ભી હાર હૈ ઔર હારમેં ભી જીત હૈ’ જેવા માહોલમાં નવી સરકાર બની રહી છે ત્યારે જય-પરાજયના કારણોની ચર્ચા બહુ થઇ. આજે વાત કરીએ નવી સરકારના પાંચ વર્ષની. આ પાંચ વર્ષમાં સર્જાનાર સંભવિત રાજકીય સમીકરણોની.

પાંચ મુદ્દામાં સમજીએ વાતનેઃ

એકઃ મિશ્ર સરકારનો યુગ

દેશમાં 10 વર્ષ પછી ફરી મિશ્ર સરકારનો યુગ શરૂ થયો છે. 2004 અને 2009 યુપીએ ગઠબંધનનો દાયકો હતો. કહેવા માટે કહી શકાય કે 2014 અને 2019 પણ એનડીએ ગઠબંધનની જ સરકાર હતી, પણ એમાં એનડીએના સાથી પક્ષોની હાજરી શોભાના ગાંઠીયાથી વિશેષ નહોતી. સત્તા ભાજપની જ હતી, પણ હવે ત્રીજી ટર્મમાં એનડીએના સાથી પક્ષોની સ્થિતિ મજબૂત છે એટલે આ સરકાર ખરા અર્થમાં મિશ્ર સરકાર હશે.

પરિણામોને ધ્યાનથી તપાસો તો ખ્યાલ આવશે કે, ભાજપ-કોંગ્રેસ સિવાય અન્ય મહત્વના તમામ પ્રાદેશિક પક્ષો, બન્ને ગઠબંધન અને અપક્ષ સહિત, 204 બેઠક ધરાવે છે, જેમાં મમતા, અખિલેશ, શિવસેના, એનસીપી, ડીએમકે, ટીડીપી, જેડીયુ, આરજેડી અને એલજેપી જેવા તમામ પક્ષોનો સમાવેશ થાય છે. ભાજપ-કોંગ્રેસની 339 બેઠક સામે આ સંખ્યા 204 ની છે. આ આંકડો નાનો નથી એટલે સરકારની અંદર અને બહાર એમની હાજરી હશે.

બેઃ મોદી-શાહની કસોટી

નો ડાઉટ, નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી દસ વર્ષના શાસનકાળમાં અનેક કસોટીમાંથી સફળ થઇને બહાર નીકળ્યા છે, પણ એ કસોટીઓ મુખ્યત્વે સરકારના નિર્ણયોની અને ચૂંટણીલક્ષી હતી. એબ્સોલ્યૂટ પાવર હતો એમની પાસે એટલે ધારેલું કરવામાં અને રાજકીય આફતોને અવસરમાં બદલવામાં એમને વાંધો આવતો નહોતો.

પણ હવે એ સ્થિતિ નહીં હોય. આ યુતિ સામે હવે અટલ-અડવાણીની જેમ મિશ્ર સરકાર ચલાવવાનો પડકાર છે. અટલ-અડવાણી અને સોનિયા-મનમોહનની જોડીની માફક એમણે પણ હવે સાથી પક્ષોની વધતી જતી ડિમાન્ડ, ધાક-ધમકીઓ અને રાજકીય યુક્તિ-પ્રયુક્તિઓમાંથી રસ્તો કાઢવાનો હશે. સાથી પક્ષોના અપાયેલા મંત્રાલયો ઉપર પણ એમના પક્ષના વડાઓનો કંટ્રોલ હશે. જોવાનું રસપ્રદ હશે કે, સાથી પક્ષો કિંમત વસૂલશે કે સમય જતાં મોદી-શાહ પોતાની કુનેહથી ભાજપની સત્તા પુનઃસ્થાપિત કરશે?

ત્રણઃ વિપક્ષનો અવાજ સંભળાશે

ગયા વખતની 353 સામે આ વખતે 293 બેઠક શાસક પક્ષની છે, જ્યારે 238 વિપક્ષની છે. સત્તા સુધી ન પહોંચવા છતાં કોંગ્રેસ અને વિપક્ષ ખુશ એટલા માટે છે કે એમને મોદી-શાહની સત્તા પર અંકુશ આવ્યાનો આનંદ છે. વધારે સંખ્યા સાથે મજબૂત બનેલો વિપક્ષ હવે સંસદની અંદર અને બહાર પોતાના અવાજનું વોલ્યુમ વધારશે. સંસદની અંદર સરકાર મહત્વના બિલો કઇ રીતે પસાર કરાવે છે, સંસદમાં ચર્ચા કઇ રીતે થાય છે એ જોવાનું રસપ્રદ રહેશે.

ચારઃ વિપક્ષની એકતા અને તડજોડ  

અત્યારે ચર્ચા બધા ભાજપ નીતિશ-નાયડુને કઇ રીતે સાથે રાખી શકેશે એની કરે છે, પણ આ પડકાર ફક્ત ભાજપ સામે જ નથી. વિપક્ષમાં કોંગ્રેસ સામે પણ વિપક્ષની એકતાને ટકાવવાનો મોટો પડકાર છે. મોદીને પછાડવા હતા એટલે ગઠબંધને ચૂંટણીની વૈતરણી તો પાર કરી લીધી, પણ હવે આ એકતા પાંચ વર્ષ સુધી ટકે છે કે કેમ અને ટકે છે તો કઇ રીતે એ જોવાનું છે.

બન્ને પક્ષે તડજોડનું રાજકારણ રમાય એવી પૂરી શક્યતા છે. આ સમીકરણોનો સૌથી મોટો આધાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પર રહેશે. વિપક્ષની પહેલી જ કસોટી મહારાષ્ટ્ર, હરિયાણા અને પછી દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ પર છે કે, એમાં એ કેટલી એકતા બતાવી શકે છે. સત્તાની લાલચમાં ઇન્ડિયા ગઠબંધનના કેટલાક પક્ષો એનડીએનો હાથ પકડી શકે છે. આ સંજોગોમાં સૌથી મહત્વની ભૂમિકા સ્પીકરની હશે એટલે સ્પીકર પદ કોની પાસે જાય છે એ પણ મહત્વનું હશે.

પાંચઃ મહત્વના નિર્ણયો

યુનિફોર્મ સિવિલ કોડ, વન નેશન-વન ઇલેક્શન જેવા અતિ મહત્વના મુદ્દાઓ પર ભાજપ શું કરે છે એ જોવાનું છે. CAA ના અમલીકરણનો મુદ્દો પણ ચગશે. ભાજપ આ બધા મુદ્દે અગાઉની જેમ મક્કમતાથી આગળ વધશે કે કોમન મિનીમમ પ્રોગ્રામ હેઠળ હમણાં એ મુદ્દા બાજૂએ મૂકશે એ પણ જોવાનું રહેશે.

અલબત્ત, સરકારની સ્થિરતા સામે તાત્કાલિક કોઇ પડકાર નથી, પણ સમય જતાં સાથી પક્ષોને અપાયેલા મંત્રાલયોના નિર્ણયો, PMO ની આ મંત્રાલયો પર કેટલી પકડ હશે, મહત્વના રાજકીય નિર્ણયો કઇ રીતે લેવાશે, સાથી પક્ષો સાથે સંકલન કઇ રીતે સધાશે એ બધા ઘટનાક્રમો રસપ્રદ બનશે.

ટૂંકમાં, આગામી સમયમાં દેશનું રાજકારણ એક પાર્ટી કે એક વ્યક્તિ કેન્દ્રિત નહીં હોય. પ્રાદેશિક પક્ષોના આધારે એના પ્રવાહો વળાંક લેશે. આ તરફ કે સામેની તરફ, પણ એનું સ્ટિયરિંગ અખિલેશ-મમતા-નીતિશ-નાયડુ-શરદ પવાર-ઉધ્ધવ-ડીએમકે જેવા જૂથો પાસે હશે.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)