ધનતેરસ: સ્થિર લક્ષ્મી સારી કે વૈભવ લક્ષ્મી?

મને શું ફાયદો થશે એવું વિચારવા વાળો સમાજ હવે મોઢા પર એવું પૂછી પણ શકે છે. અને મદદગાર પણ વ્યાજની અપેક્ષા રાખવા લાગ્યો છે ત્યારે ધનની ચિંતા અને એને લગતા તણાવ સાથે જીવતો અને તોએ એમાંથી બહાર આવવા હવાતિયા મારતો સમાજ દેખાય. દરેક વ્યવહારના કેન્દ્રમાં ધન આવવા લાગે ત્યારે ધન વિશેની સાચી સમજણ હોવી જરૂરી લાગે. પહેલાના જમાનામાં પહેલા મન પછી તન અને છેલ્લે ધનની અપેક્ષા હવે માણસ ધનની પાછળની દોટમાં તન અને મનને બીમાર બનાવી અંતે એ જ ધન દવાઓમાં ખર્ચી નાખી પોતે સફળ છે એવા ભ્રમમાં રાચે છે. લક્ષ્મી ચલિત હોય એ જરૂરી છે પણ ચંચળ હોય તો એના પ્રત્યાઘાતો યોગ્ય ન રહે.

લક્ષ્મીજીના અનેક સ્વરૂપમાંથી જે શ્રેષ્ઠ છે એ છે શુભ લક્ષ્મી, સ્થિર લક્ષ્મી. વ્યક્તિ પાંચ કરોડ કમાઈ અને સાડાપાંચ કરોડ વાપરી નાખે તો અંતે એની પાસે દેવું રહી જાય. અને એક લાખ કમાઈ અને પચાસ હજાર વાપરે તો એની પાસે પચાસ હજાર બચે. એ પચાસ હજાર રૂપિયાની બચત કરે છે. આમ બીજા કેસમાં શુભ લક્ષ્મી સ્થિર લક્ષ્મી દેખાય છે. સંયમિત વ્યવહાર સફળતા અપાવે છે. રાતોરાત પૈસાદાર થવા જતા ક્યારેક રોગોનું ઘર પણ બની જવાય. પણ જો ધીમે- ધીમે વિચારીને આવક અને બચતનું પ્લાનિંગ કરવામાં આવે તો કમાયેલી લક્ષ્મીને આનંદપૂર્વક વાપરી શકાય છે. લક્ષ્મીના આગમન અને ગમન બંને ઉત્સવ સમાન હોવા જોઈએ.

ધનતેરસે વરસના બધા જ હિસાબ પુરા કરી નાંખવાનો રીવાજ છે. આખા વરસના બધાજ હિસાબ વરસ પૂરું થતા પહેલા પુરા થઇ જાય તો તહેવાર પહેલા કોઈ ચિંતા ન રહે. વળી પુષ્ય નક્ષત્ર આવે એટલે રોકાણ સ્વરૂપે સોનાની ખરીદી થઇ જાય. ધાર્મિક માન્યતા સાથે સામાજિક વ્યવસ્થા અને આર્થિક વ્યવસ્થા પણ ગોઠવાઈ જાય. છે ને અદ્ભુત? વળી બધા જ હિસાબ પુરા થઇ ગયા હોવાથી કોઈ ચોપડા ભરી રાખવાની જરૂર ન પડતી. નવા વરસમાં બધાજ હિસાબો નવેસરથી લખતા. જુનું કાંઈજ બાકી ન હોય અને જે કમાયા એનું પ્લાનિંગ થયા બાદ રજાઓ હોય એટલે નવા વરસે શું કરવું, કેવી રીતે કરવું એનો વિચાર કરવાનો સ્કોપ પણ રહે. આમ ઉત્સવ સાચા અર્થમાં ઉત્સવ બની રહે.

લક્ષ્મી પૂજાને શુક્રવાર સાથે જોડવામાં આવે છે. વૈભવ લક્ષ્મી વૈભવી જીવન અને તણાવ બંને આપે. શુભ લક્ષ્મી ગુરુવાર સાથે જોડાયેલી છે. મનની શાંતિ સાથે લક્ષ્મી પ્રાપ્ત કરવી હોય તો ગુરુવારે પૂજા કરી શકાય. ધનતેરસ એટલે કે દિવાળીના તહેવારનો બીજો દિવસ. આ દિવસે પીળા દ્રવ્યો સાથે શ્રી શુક્તમના પાઠ સાથે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે તો માતાજી યોગ્ય શક્તિ પ્રદાન કરે છે. બીજી નવેમ્બરે આ તહેવાર છે. પૂજા માટે પીળા દ્રવ્યો ઉપરાંત શેરડી પણ લઇ શકાય. એની પાછળ પણ એક વાત જોડાયેલી છે. એક વાર લક્ષ્મીજી એક ખેતરમાં કહ્યા વિના ગયા અને શેરડી ખાઈ લીધી. આ વાતની વિષ્ણુ ભગવાનને ખબર પડી એટલે તેઓ નારાજ થયા. અને સજા કરી. પણ જો કોઈ શેરડીનો પ્રસાદ ધરાવે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તો ચાલો શુભ લક્ષ્મીની કામના કરીએ.

(મયંક રાવલ- વાસ્તુ સાયન્ટીસ્ટ)