અહીં દિવાળીમાં રમાય છે ગરબા!

મા પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે..

અત્યારે કોઇ ગરબાની વાત કરે તો નવાઇ લાગે ને? નવરાત્રિ તો ગઈ તો પછી અત્યારે ગરબાની વાત કેમ? હવે તો ફટાકડા અને મિઠાઈની વાતો હોય!

પણ ના, આ વાત કાંઇક એવી છે, જેમાં વાત દિવાળીની ય છે અને વાત ગરબાની ય છે. વાત ગુજરાતના એવા ગામોની છે, જ્યાં દિવાળીમાં નવરાત્રિ મહોત્સવ ઉજવાય છે!

નવાઈ લાગે એવી, પરંતુ આ બિલકુલ સાચી વાત છે. ગુજરાતના મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના આનંદપુરા અને રામનગર જેવા ગામોમાં દિવાળીના દિવસોમાં નવરાત્રિનો ઉત્સવ ઉજવાય છે. અહીં ગામલોકો દિવાળીની ઉજવણી તો કરે છે, પણ નવરાત્રિની જેમ ગરબા ગાઇને અહીં ઉત્સવની ઉજવણી થાય છે.

થોડીક નવાઇ લાગે એવી આ પરંપરા વિશે વાત કરતાં આનંદપુરા ગામના શૈલેષભાઈ પટેલ ચિત્રલેખા.કોમ ને કહે છે, “કાળી ચૌદસ પહેલાના નવ દિવસ એટલે કે આસો વદ છઠ્ઠથી લઈને ચૌદસ સુધી અમારા ગામમાં વાજતે ગાજતે ગરબા થાય છે. જેને અમે ગરબા નહીં માંડવી કહીએ છીએ. અમારા વડવાઓ સમયથી આ પરંપરા ચાલી આવે છે. ગામમાં કાળી ચૌદસ પછી જેમના ઘરે પ્રથમ પારણું બંધાય અને પુત્રજન્મ થાય એ ઘરેથી બીજા વર્ષે આવનારી કાળી ચૌદસના દિવસે ગામમાં ગરબો કરે છે. શેરડીના 101 સાંઠાની હાથથી  માંડવી બનાવવામાં આવે છે. એમાં દીવાઓ કરી નીચે માતાનો રથ રાખવામાં આવે છે.”

માંડવીને ગામથી દૂર આવેલા મહાકાળી માતાના મંદિરે લઈ જવામાં આવે છે. જેમાં મહિલાઓ માત્ર ગામની ભાગોળ સુધી જ આવે છે.

સમયની સાથે બધુંય બદલાયું પરંતુ આનંદપુરા ગામની આ પરંપરા આજે પણ યથાવત છે.

આવી જ કાંઇ અનોખી પરંપરા રામનગર ગામમાં પણ જોવા મળે છે.

રામનગરના અક અગ્રણી રાજુભાઈ પટેલ ચિત્રલેખા.કોમ ને કહે છે, “ધનતેરસથી લઈને ત્રીજ સુધી અમારા ગામમાં ગરબા ઉત્સવ ઉજવાય છે. એટલે કે નવરાત્રિની ઉજવણી થાય છે. અમારુ ગામ જયારથી બન્યું ત્યારથી એટલે કે સવા સો દોઢસો વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. નવી પેઢીએ પણ આ પરંપરાને બરોબર રીતે જાળવી રાખી છે.”

હાલમાં ગામમાં 100 ઘર છે. પરંતુ દિવાળીનું વેકેશન શરૂ થશે એટલે પરણીને સાસરે ગયેલી ગામની દીકરીઓ અને ગામના વતની પણ બહારગામ રહેતા લોકો બધાય માદરે વતન આવી જાય છે. આખા ગામમાં ગરબાની રમઝટ જામે છે. કાળી ચૌદસના દિવસે 800 થી 900 લોકો ગરબે ઘૂમે છે. જેમ જેમ દિવસ જાય એમ સંખ્યા વધે છે. ગામલોકો માટે તો દિવાળી એ જ નવરાત્રિ છે.

એવી જ રીતે મહાદેવપુરામાં પણ વિસત, મહાકાળી, જોગણી એમ જે માતાજીની માનતા રાખી હોય એમના નામના ફુલોના ગરબા કાળી ચૌદસે કાઢવામાં આવે છે. આ ફુલોના ગરબામાં આખું ગામ એક સાથે ધામધૂમથી ગરબા રમે છે.

પેઢીઓ દર પેઢીઓ બદલાતી ગઈ પરંતુ સૈકાથી  જૂની આ પરંપરા આજે પણ યથાવત છે. ગામ છોડીને નોકરી-ધંધા માટે બહારગામ વસતા લોકો પણ દિવાળીમાં પોતાના ગામે આવે છે.

સમગ્ર ગુજરાતમાં વિજાપુર તાલુકાના આ ત્રણેક ગામ જ એવા છે, જ્યાં દિવાળીએ નવરાત્રિનો માહોલ જામે છે. કોઈ મહિલા માથે ફુલ ગરબા લઈને તો કોઈ મહિલા માથે માતાની ગરબી લઈને ગરબે ઘૂમે છે.

દેશભરમાં જ્યારે દિવાળીની ઉજવણી ફટાકડાં ફોડીને કે મિઠાઇ ખાઇને થઈ રહી હોય ત્યારે એવા સમયે ગુજરાતના આ ગામોમાં ફટાકડાની જગ્યાએ ઢોલના તાલે સૌ ગરબે ઘૂમે છે. છે ને મજાની વાત?

(હેતલ રાવ)