અમદાવાદ: 1લી જુલાઈ, 2024ના રોજ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આપેલા નિવેદન મામલે 2જી જુલાઈના રોજ ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય (રાજીવ ગાંધી ભવન) સામે અમદાવાદ શહેર ભાજપના કાર્યકરો દ્વારા કરાયેલા દેખાવમાં બન્ને પક્ષના કાર્યકરોએ સામ-સામે પથ્થરમારો કર્યો હતો. આ મામલે ભાજપ અને કોંગ્રેસે સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે કોંગ્રેસના પાંચ કાર્યકરોની ધરપકડ કરી હતી.
આ પાંચ આરોપીઓએ અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે આજે પાંચેય આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, જાહેરમાં પથ્થરમારો કરવો એ અપરાધ છે. જાહેરમાં કાયદો હાથમાં લેવો યોગ્ય નથી. પાંચેય આરોપીઓ એવા સંજય બ્રહ્મભટ્ટ, મનીષ ઠાકોર, મુકેશ દંતાણી અને વિમલ કંસારાને જામીન મળ્યા નથી, તેમણે જેલમાં રહેવું પડશે. આ મામલાની ફરિયાદ નવા કાયદા મુજબ કરવામાં આવી છે.
તો સામે પક્ષે સરકારી વકીલે આરોપીઓને જામીન આપવા વિરુદ્ધ દલીલ કરી હતી કે આરોપીઓએ અસમાજિક પ્રવૃત્તિ કરી છે. તેમને જામીન ના આપીને સમાજમાં દાખલો બેસાડવો જોઈએ. કોર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળીને આજે ચુકાદો આપતાં અરજદારોના જામીન નકારી કાઢ્યા છે. આ આરોપીઓ ઉપર રાયોટિંગ, ગેરકાયદેસર મંડળી રચવી ,સરકારી કર્મચારીને હાનિ પહોંચાડવી, લોકોના જીવ જોખમમાં મૂકવા જેવા ગુના દાખલ કરવામાં આવ્યા છે. હવે આરોપીઓ જમીન માટે હાઈકોર્ટ જઈ શકે છે.