થ્રી…ટુ…વન…
જેવી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિમોટની એક કી દબાવી કે આંખના પલકારામાં સામે ગોઠવાયેલા મોટા સ્ક્રીન પર ખૂલ્યો માહિતી અને મનોરંજનનો ખજાનો- ન્યૂઝ, વ્યૂઝ, અવનવી ઇમેજીસ, વિડીયોઝ અને પોડકાસ્ટ્સ… ગાગરમાં સાગર એ કહેવત જાણે ખરા અર્થમાં સાકાર થતી હોય એમ અહીં ‘ચિત્રલેખા.કોમ’ ની વેબસાઇટમાં રસપ્રદ વાંચન અને દ્રશ્ય-શ્રાવ્ય સામગ્રીનો સમુદ્ર ઘૂઘવતો હતો…
જી, વાત છે લાખ્ખો વાચકોના માનીતા અને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ માટે ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની ઓળખ બની રહેલા ‘ચિત્રલેખા’ સાપ્તાહિકની વેબસાઇટની નવી નક્કોર તૈયાર થયેલી ડિઝાઇનના લોન્ચ અવસરની.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, ચિત્રલેખા ગ્રુપના ચેરમેન મૌલિક કોટક અને ચિત્રલેખા ટીમના વરિષ્ઠ સભ્યોના ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હમણાં આ ડિઝાઇનનું લોકાર્પણ કર્યું. એ પછી આ અવસરે ખાસ તૈયાર કરાયેલી એક ટૂંકી ઓપનિંગ વિડીયો પણ મુખ્યમંત્રીએ મોબાઇલ ફોનમાં પ્લે કરી.
બદલાતા સમયમાં પ્રિન્ટની સાથે સાથે હવે ડિજિટલની દુનિયામાં પણ અગ્રસર બની રહેલા ચિત્રલેખાના આ અભિગમને મુખ્યમંત્રીએ વખાણ્યો એટલું જ નહીં, પણ ચિત્રલેખા ટીમના સભ્યો સાથે વેબસાઇટ-સોશિયલ મિડીયા પ્લેટફોર્મ્સ પર કેવા પ્રકારનું કન્ટેટ મૂકવામાં આવે છે એની માહિતી મેળવીને ચર્ચા કરી. વેબસાઇટની એક સંપૂર્ણ વર્ચ્યુઅલ ટૂર પણ કરી.
ચિત્રલેખા હાલ એની સ્થાપનાના 75 મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇએ આ ગૌરવશાળી સફર માટે ચિત્રલેખા ટીમને અભિનંદન આપવાની સાથે સાથે પત્રકારત્વમાં આવી રહેલા બદલાવ અંગે પોતાનો દ્રષ્ટિકોણ વ્યક્ત કરીને ચિત્રલેખાને એના વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત પત્રકારત્વ માટે બિરદાવ્યું. ડિજિટલ માધ્યમમાં પણ ચિત્રલેખા ઉત્તરોત્તર એટલી જ પ્રગતિ કરતું રહે એ માટે શુભેચ્છાઓ પાઠવી.
પ્રારંભમાં ચિત્રલેખા ગ્રુપના ચેરમેન મૌલિક કોટકે મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છ અને મેમેન્ટોથી સ્વાગત કરીને ચિત્રલેખાના 75 મા વર્ષની ઉજવણી અંગે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા.
એ પણ નોંધી લો કે, ચિત્રલેખા.કોમ પર સ્થાનિક અને દેશ-વિદેશની મહત્વની ન્યૂઝ અપડેટ્સ ઉપરાંત વાચકોને ગમી જાય એવા વિવિધ વિષયો પરના લખાણો નિયમિત રીતે અપડેટ થાય છે, જેમાં દર સોમવારે ‘પ્રેરણાદાયી સ્ટોરી’, મંગળવારે મહિલાઓ માટે ‘ઓ-વુમનિયા’, શુક્રવારે વર્તમાન મુદ્દા પર સમાજના વિવિધ વર્ગના લોકોના અવાજને મંચ આપતો વિભાગ ‘ઓપિનિયન’, અઠવાડિક રેસિપી, શનિવારે કોઇ એક ક્ષેત્રના અગ્રગણ્ય વ્યક્તિની મુલાકાત કરવાતો વિભાગ ‘છોટી સી મુલાકાત’ અને રવિવારે અવનવા વિષયો પર આંકડાકીય માહિતી સાથેનો વિશેષ લેખ આપતા વિભાગ ‘સન્ડે સ્પેશ્યલ’નો સમાવેશ થાય છે. સાથે સાથે દર બુધવારે નયનરમ્ય તસવીરની સાથે એની રોમાંચક કથા વર્ણવતી ‘ફોટોસ્ટોરી’ તો ખરી જ. ચિત્રલેખા ડિજિટલ ટીમના પત્રકારો દ્વારા તૈયાર થતા આ વિભાગો ડિજિટલ પત્રકારત્વમાં અનોખી છાપ ઉપસાવે છે.
સ્પિરિચ્યુઅલ ક્ષેત્રના જાણીતા આધ્યાત્મિક ગુરૂઓ આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવિશંકર, બીએપીએસ સંપ્રદાયના સાધુ જ્ઞાનવત્સલદાસ, બ્રહ્માકુમારીઝના સિસ્ટર શિવાની, ઇશા ફાઉન્ડેશનના સદગુરુ જગ્ગી વાસુદેવના લખાણો ઉપરાંત ફિલ્મ જગતની ચટપટી વાતો પીરસતી બે મનોરંજક કોલમ્સ બોલીવુડ કી બાતેં અને મોજમસ્તી અનલિમિટેડ, જાણીતા અર્થશાસ્ત્રી અને લેખક જયનારાયણ વ્યાસની કલમે કહેવત કથા, ગુજરાતના નિવૃત્ત ચીફ સેક્રેટરી પ્રવીણ કે. લહેરીની કલમે કબીરના દોહાની સરળ સમજૂતી, વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર શ્રીનાથ શાહની કલમે કેમેરા પાછળની વાત કરતી કોલમ બિહાઇન્ડ ધ લેન્સ, જાણીતા ફાઇનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલાની કલમે યોગિક સંપદા, મયંક રાવલની કલમે વાસ્તુની વિધિવત વાતો, યુવા લેખિકા નિધિ દિવાસળીવાળાની કલમે મહાભારતની કથાઓને આધુનિક પરિપ્રેક્ષ્યમાં સમજાવતી કથાશ્રેણી દેવહૂમા જેવા વિભાગોનો રસથાળ સતત અપડેટ થાય છે. તો, ‘ઇતિહાસમાં આજે’ ઉપરાંત નિતનવી વાતોનો ખજાનો ‘અજબ બ્રહ્માંડની અજાયબ વાતો’, ક્વોટ્સ, ગુલકંદ જેવા ઇમેજબેઝ્ડ વિભાગો તો હવે સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યા છે.
હા, ચિત્રલેખાના ડિજિટલ એડિટરની કલમે દેશ-વિદેશની જિયોપોલિટીકલ ઘટનાઓ કે ક્યારેક જિંદગીના રંગોને કેલિડોસ્કોપિક દ્રષ્ટિથી નિહાળતી કોલમ્સ ‘પોલિસ્કોપ’ અને ‘પેલેટ’ તો ખરી જ!
નહીં, નહીં. ફક્ત આટલું જ નહીં, ચિત્રલેખાના સોશિયલ મિડીયા પ્લેટફોર્મ્સ પર દર શનિવારે સાંજે આવતા અઠવાડિયામાં ઘટનારી મહત્વની ઘટનાઓની વાત કરતું ન્યૂઝ બુલેટીન ‘ન્યૂઝ બિફોર ન્યૂઝ’, અવનવી વાતોને એક મિનીટમાં રજૂ કરતી રિલ્સ, યુવા તબીબ ડો. નિધિ દવે અને ડાયેટીશ્યન હીરવા ભોજાણી દ્વારા આરોગ્ય અંગે ઉપયોગી વાતો પીરસતી વિડીયોઝ, મુંબઇસ્થિત આર્થિક ક્ષેત્રના જાણીતા નામો ખ્યાતિ મશરૂ વસાણી અને પ્રિયંકા આચાર્ય દ્વારા રોકાણ, બચત અને ઇન્શ્યોરન્સના અટપટા નિયમોને સરળ અને રસાળ શૈલીમાં સમજાવી યોગ્ય માર્ગદર્શન આપતી રિલ્સ પણ ઝડપથી દર્શકોને આકર્ષી રહી છે. હા, સાંપ્રત ઘટનાઓ પર ફક્ત 99 શબ્દમાં ટીપ્પણી કરતા પોડકાસ્ટ ‘નટશેલ ઇન 99’ પણ ઝડપથી લોકપ્રિય બની રહ્યા છે.
તો, વધારે રાહ જોવાની જરૂર નથી. હમણાં જ તમારો સ્માર્ટફોન ઉઠાવો અને ચિત્રલેખા સાથે જોડાઇ જાવ ફોલો/સબસ્ક્રાઇબના આ બટન્સ પર ક્લિક કરીને:
(હેતલ રાવ)