વાત લતા મંગેશકરના નામની

‘ગુમનામ હૈ કોઇ’, ‘નામ ગુમ જાયેગા’ વગેરે અસંખ્ય ગીતોના ગાયિકા લતા મંગેશકર ૧૯૨૯ ની ૨૮ મી સપ્ટેમ્બરે જન્મ્યા ત્યારે પહેલાં એમનું નામ ‘લતા’ ન હતું. અને તે દીનાનાથ મંગેશકરના પ્રથમ પુત્રી નથી. દીનાનાથના પ્રથમ પત્નીની પહેલી પુત્રીનું નામ લતા હતું. એ નામ તેમના એક લોકપ્રિય નાટક ‘ભાવબંધન’ ના પાત્ર ‘લતિકા’ પરથી રાખવામાં આવ્યું હતું. અને નાટકમાં ‘લતિકા’ નું સ્ત્રી પાત્ર ખુદ દીનાનાથ ભજવતા હતા. જે બાળપણમાં ગુજરી ગઇ હતી. હિન્દુ રાશિ મુજબ લતાનો જન્મ કર્ક રાશિમાં થયો હતો. તેથી તેમનું નામ ‘ડ’ કે ‘હ’ પરથી કેમ નથી એવો સવાલ ઘણાને થાય છે. ખાસ કરીને એટલા માટે કે દીનાનાથજી પોતે જાણીતા જ્યોતિષી હતા.

એમના દ્વારા તૈયાર થયેલા જ્યોતિષ વિદ્યાના સિધ્ધાંત એક જમાનામાં મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં સંદર્ભ તરીકે ઉપયોગમાં લેવાતા હતા. એમના દ્વારા શિખવવામાં આવેલી જ્યોતિષ વિદ્યાથી અનેક જણને રોજીરોટી મળી હતી. એટલે વધારે નવાઇ લાગે કે જ્યોતિષના આટલા જ્ઞાતા પોતાની પુત્રીનું નામ કેમ રાશિ અનુસાર રાખી શક્યા ન હતા? ખરેખર તો એમણે જ્યોતિષ પ્રમાણે જ નામ રાખ્યું હતું. વાત એવી છે કે જ્યારે પત્નીને સારા દિવસો જતા હતા ત્યારે તેમને પુત્ર રત્નની અપેક્ષા હતી. અને તેમણે નામ પણ ‘હ્રદયનાથ’ વિચારી રાખ્યું હતું. જ્યારે પુત્રને બદલે પુત્રી અવતરી અને કર્ક રાશિ જ હોવાથી તેનું નામ ‘હ્રદયા’ રાખવામાં આવ્યું. પરંતુ પત્નીનો એવો આગ્રહ હતો કે પુત્ર થાય ત્યારે ‘હ્રદયનાથ’ રાખજો. તે ‘લતા’ નામ રાખવા માગે છે. એટલે તે ‘લતા મંગેશકર’ બની ગયા. દીનાનાથને પોતાના પરિવારના સંગીતપ્રેમ માટે ગૌરવ હતું અને તેમણે ડરને કારણે લતાને એક ગાયન સ્પર્ધામાં ભાગ લેતા રોકવાની કોશિષ કરી હતી.

લતા અગિયાર-બાર વર્ષની હતી ત્યારે નિર્માતા દલસુખ પંચોલીની ફિલ્મ ‘ખજાનચી'(૧૯૪૧) બહુ લોકપ્રિય થઇ હતી. ગુલામ હૈદરના સંગીતમાં ‘સાવન કે નઝારે હૈ’ સહિતના આઠેય ગીતોએ પણ ધૂમ મચાવી હતી. નિર્માતાએ ગીતોની લોકપ્રિયતા વધે એ માટે એક ગાયન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. દરેક શહેરમાં ગાયન સ્પર્ધાઓ યોજીને નવા ગાયકોને શોધવામાં આવી રહ્યા હતા. એમની ટીમ કોલ્હાપુર આવી અને લતાએ એ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઉત્સાહ બતાવ્યો ત્યારે સંગીતના ક્ષેત્રમાં જાણીતા રહેલા પિતા હ્રદયનાથે ના પાડી દીધી. તેમનો વિરોધ પુત્રીના ગાવા સામે ન હતો પરંતુ એવો ડર હતો કે કોઇ કારણથી પુત્રી જીતી ના શકી તો એમની બદનામી થશે.

બન્યું એવું કે ગાયન સ્પર્ધા હતી એ જ દિવસે દીનાનાથજીને બહારગામ જવાનું થયું. લતા તક જોઇને લપાતી છુપાતી ત્યાં ભાગ લેવા પહોંચી ગઇ. કદાચ લતાજીને એમનું નસીબ જ એ સ્પર્ધામાં ભાગ લેવા માટે ખેંચી ગયું હતું. કેમકે ત્યાં એમને સંગીતની દુનિયામાં આગળ લઇ જનાર સંગીતકાર ગુલામ હૈદર હતા. એ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને સ્ટેજ પર બોલાવીને નામ બોલવા માટે કહેવામાં આવતું હતું. જ્યારે લતાજીનો વારો આવ્યો ત્યારે એમણે જાહેર કરી દીધું કે તેમનું નામ ‘લતા હ્રદયનાથ મંગેશકર’ છે. ત્યારે એને એ વાતનો ખ્યાલ આવ્યો ન હતો કે તાળીઓ તેના ગાયન પર પડી હતી કે પિતાના નામ પર પડી હતી.

એ સ્પર્ધામાં લતા પ્રથમ આવી હતી. લતાજી ખુદ માને છે કે ‘લતા મંગેશકર’ નામમાં કંઇક છે. હરીશ ભિમાણીના પુસ્તકમાં તેમના નામ વિશેના આવા અનેક રહસ્ય પરથી પડદો ઉઠાવવામાં આવ્યો છે. જ્યારે લતાજીને એમ પૂછવામાં આવ્યું કે એ સમયમાં ફિલ્મો સાથે સંકળાયેલા લોકો પોતાના નામ ટૂંકા રાખતા હતા કે સરળતા માટે બદલતા હતા ત્યારે તેમણે હિન્દીભાષી નથી એવો ખ્યાલ ના આવે એ હેતુસર માત્ર ‘લતા’ જ નામ રાખવાને બદલે ‘લતા મંગેશકર’ નામ જ કેમ જારી રાખ્યું હતું? તેના જવાબમાં લતાજીએ કહ્યું હતું કે ‘મંગેશ’ અમારા કુળદેવતા હોવાથી હું એમનું નામ હટાવી શકું એમ ન હતી.

-રાકેશ ઠક્કર (વાપી)