પૃથ્વીરાજની પાત્ર માટેની પ્રતિબધ્ધતા  

પૃથ્વીરાજ કપૂર પોતાના પાત્ર માટે કેટલી મહેનત કરતા હતા અને નિર્દેશકનું માન જાળવતા હતા એ જાણવા માટે ‘મોગલે આઝમ’ (૧૯૬૦) ના બે-ચાર કિસ્સા જ કાફી ગણાય છે. નિર્દેશક કે. આસિફે ‘મોગલે આઝમ’ નું પહેલું દ્રશ્ય રાજા અકબર (પૃથ્વીરાજ કપૂર) અને મહારાણી જોધાબાઇ (દુર્ગા ખોટે) પર ફિલ્માવવાનું નક્કી કર્યું હતું. પૃથ્વીરાજ કપૂર જયારે અકબરના પોશાકમાં પહોંચ્યા ત્યારે એ અસલી અકબર જેવા જ લાગતા હતા. દરબારમાં એમના પ્રવેશનું દ્રશ્ય ફિલ્માવવામાં આવી રહ્યું હતું.

પૃથ્વીરાજ દરબારમાં પ્રવેશવા ચાલવા લાગ્યા ત્યારે કે. આસિફે એમને અટકાવ્યા. આ દ્રશ્યમાં સંવાદ ન હતો અને કોઇ ભૂલ થઇ ન હતી છતાં કેમ અટકાવ્યા એની પૃથ્વીરાજને નવાઇ લાગી. એમને કારણ પૂછ્યું. જવાબમાં કે. આસિફે કહ્યું કે અકબર છાતી પહોળી કરીને ચાલતા હતા. એમની ચાલમાં હોય એવો રૂઆબ આવવો જોઇએ. પૃથ્વીરાજે તરત જ કહ્યું કે દરબારમાં ચાલવાના જે દ્રશ્યો છે એને અઠવાડિયા પછી ફિલ્માવવાનું રાખશો. તેમણે અકબરની જેમ ચાલવાની તાલીમ માટે મુદત માગી હતી. વર્ષોથી નાટકોમાં કામ કરતા હોવાથી કોઇપણ દ્રશ્ય માટે અભ્યાસ કરવાની આદત હતી. તેમણે એ જ રાતથી અભ્યાસ શરૂ કરી દીધો. રાત્રે ૧૨ વાગે પોતાના ઘરથી છાતી પહોળી કરીને દાદર હિન્દમાતા સિનેમાઘર સુધી ચાલતા જતા અને પાછા ફરતા.

માર્ગમાં લોકોને નવાઇ લાગતી કે એક વૃધ્ધ રાત્રે કેમ ચાલવા નીકળે છે. અઠવાડિયા પછી તેમણે કે.આસિફને દરબારમાં ચાલવાનું દ્રશ્ય ફિલ્માવવા માટે કહ્યું. અને એમણે જ્યારે અભિનય કર્યો ત્યારે ખરેખર અકબર બની ગયા. એ પછી પૃથ્વીરાજ જ્યારે પણ તૈયાર થઇને સેટ પર આવતા એ પછી અરીસામાં પોતાને જોઇને શુટિંગ શરૂ કરતા હતા. એટલે કે.આસિફે પૂછ્યું કે દર વખતે મેકઅપ રૂમમાંથી તૈયાર થઇને આવતા હોવા છતાં ફરી અરીસામાં જોવાની કેમ જરૂર પડે છે? ત્યારે પૃથ્વીરાજે કહ્યું કે અરીસામાં જોયા પછી હું અકબર બની જઉં છું. ફિલ્મમાં અકબર તરીકે એમના સંવાદ નીચા સ્વરમાં હતા. દૈનિક જીવનમાં તે આ રીતે બોલતા ન હતા. પરંતુ નીચા સ્વરને કારણે ઘણી વખત એમનું ગળું બેસી જતું હતું છતાં એની પરવા કરતા ન હતા. એમની તબિયત ખરાબ હોવા છતાં અંતિમ દિવસોમાં પોતાના અવાજમાં ડબિંગ કરી આપ્યું હતું.

એક કિસ્સો શશી કપૂરના લગ્ન વખતનો છે. જ્યારે શશીએ પરિવારને જેમતેમ મનાવીને જેનિફર સાથે મુંબઇમાં સાદાઇથી લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે પૃથ્વીરાજ જયપુરમાં ‘મોગલે આઝમ’ નું શુટિંગ કરી રહ્યા હતા. શશી કપૂરે એમની હાજરી જરૂરી હોવાનું જણાવ્યું ત્યારે એમણે હાજર રહેવા પ્રયત્ન કરવાનું કહ્યું અને કે.આસિફ રજા આપે તો જ આવી શકાય એમ હોવાનું પણ કહ્યું. પૃથ્વીરાજે જ્યારે કે.આસિફ પાસે પુત્રના લગ્નમાં હાજર રહેવા પરવાનગી માગી ત્યારે એમ પણ કહ્યું કે જો શુટિંગ અટકી જતું હશે તો એ નહીં જાય. ત્યારે કે. આસિફે એમને પુત્રના લગ્નમાં જવા પરવાનગી આપી એટલું જ નહીં એમના માટે વિમાનની ટિકિટ પણ કઢાવી આપી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]