આપ કી નજરોં ને સમઝા…

નિર્દેશક મોહનકુમારની ધર્મેન્દ્ર- માલા સિંહાની ફિલ્મ ‘અનપઢ’ માં આમ તો લતા મંગેશકરના અવાજમાં કુલ છ ગીતો છે. એમાં સૌથી વધુ લોકપ્રિયતા ‘આપ કી નજરોં ને સમઝા’ ગીતને મળી. અસલમાં ગીતકાર રાજા મહેંદી અલી ખાને આ ગીત ‘અનપઢ'(૧૯૬૨) માટે નહીં પરંતુ જોય મુખર્જી- સાધનાની ફિલ્મ ‘એક મુસાફિર એક હસીના’ (૧૯૬૨) માટે લખ્યું હતું. સંગીતકાર ઓ.પી. નૈયરની ફિલ્મ માટે ગીતો લખતા રાજા મહેંદી અલી ખાને જ્યારે ‘આપ કી નજરોં ને સમઝા પ્યાર કે કાબિલ મુઝે, દિલ કી અય ધડકન ઠહર જા, મિલ ગયી મંઝિલ મુઝે’ લખીને આપ્યું ત્યારે એમણે મુખડું સાંભળીને જ ના પાડી દીધી.

નૈયરનું માનવું હતું કે આ ગીતમાં હીરોઇન પોતાને હીરોથી ઓછી સમજતી હતી અને એના દ્વારા તેને પસંદ કરવામાં આવી એને પોતાનું સૌભાગ્ય સમજી રહી હતી. અસલમાં ફિલ્મમાં જે સ્થિતિ હતી એમાં નિર્દેશક રાજ ખોસલા અને નૈયરને એક એવા ગીતની જરૂર હતી જેમાં હીરો-હીરોઇન બંને પોતાને એકસમાન માનતા હોય. કોઇ નાનું કે મોટું ના ગણાય.

રાજાએ એમના વિચારને સમજીને ‘આપ યૂં હી અગર હમસે મિલતે રહે, દેખિયે એક દિન પ્યાર હો જાયેગા’ લખી આપ્યું. તે પસંદ આવ્યું અને તેમણે કેદાર રાગમાં આશા ભોંસલે- મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં તેનું રેકોર્ડિંગ કર્યું. આ ફિલ્મના આશા-રફીના ‘મેં પ્યાર કા રાહી હૂં’ અને ‘બહુત શુક્રિયા, બડી મેહરબાની’ એટલા જ લોકપ્રિય થયા હતા. હવે જ્યારે મદન મોહનના સંગીતમાં ‘અનપઢ’ ના ગીતો તૈયાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે ગીતકાર રાજા મહેંદી અલી ખાને તેમની પાસેનું ‘આપ કી નજરોં ને સમઝા પ્યાર કે કાબિલ મુઝે…’ બતાવ્યું. આ ગીત નિર્દેશક મોહનકુમાર અને સંગીતકાર મદન મોહનને બહુ પસંદ આવ્યું. કેમકે એક જગ્યાએ ‘અનપઢ’ ની હીરોઇન માલાસિંહાનું પાત્ર એક સમર્પિત ભારતીય સ્ત્રીનું હોવાથી તેના પર બંધબેસતું હતું.

ફિલ્મમાં લગ્ન પછીથી ધર્મેન્દ્રને ખબર પડે છે કે તેની પત્ની માલા સિંહા અભણ છે. તે માલાને ધિક્કારે છે. એક દિવસ ઘરના નોકર પાસે માલા પોતાના પિયરમાં પત્ર લખાવે છે. એ જોઇને ધર્મેન્દ્ર માને છે કે એમના ઘરની ખરાબ વાતો નોકર પાસે લખાવે છે. તેમની બદનામી કરાવે છે. પણ જ્યારે તે પત્ર તેની પાસેથી છીનવીને ધર્મેન્દ્ર વાંચે છે ત્યારે ખબર પડે છે કે એમાં તેના પરિવારના વખાણ કર્યા હોય છે. ધર્મેન્દ્રને પોતાની ભૂલનું ભાન થતાં માફી માગે છે. પ્રાયશ્ચિતરૂપે માલાને અક્ષરજ્ઞાન આપે છે. ત્યારે ખુશ થઇને માલા સિંહા ‘આપ કી નજરોં ને સમઝા’ ગાય છે.

ગીતને મદન મોહને લતા મંગેશકરના અવાજમાં રેકોર્ડ કરતાં એક નવી ઉંચાઇ મળી હતી. એવરગ્રીન બનેલું આ ગીત લતા મંગેશકરના શ્રેષ્ઠ ગીતોમાં સમાવેશ પામ્યું. એમ કહેવાય છે કે સંગીતકાર નૌશાદ આ ગીત પર એટલા ઓવારી ગયા હતા કે તેમણે મદનમોહનને આ ગીતના બદલામાં પોતાના બધા ગીત આપી દેવાની વાત કરી હતી. બીજી એક રસપ્રદ વાતમાં એવું કહેવાય છે કે ફિલ્મોમાં ‘આપ’ શબ્દથી શરૂ થતા ગીતોની શરૂઆત રાજા મહેંદી અલી ખાને ‘આપ કી નજરોં ને સમઝા’ થી કરી હતી.

(રાકેશ ઠક્કર- વાપી)