દસાવતારમાં ભગવાન વિષ્ણુના વિવિધ સ્વરૂપોની વાત કરવામાં આવી છે. ગીતાજી પ્રમાણે જયારે જયારે ધર્મનો વિનાશ થયો છે ત્યારે ત્યારે ઈશ્વરે અવતાર લીધો છે. આને કેટલાક લોકો જુદી રીતે લઈ રહ્યા છે. તેઓ પોતે જે કાઈ ખોટું કરે છે એના માટે કારણ આપે છે કે એ તો ઈશ્વરે પૃથ્વી પર આવવું પડે એટલે અમે આવું કરીએ છીએ. શું ઈશ્વર અવતાર ન લે ત્યાં સુધી ઈશ્વરનું અસ્તિત્વ જ નથી? ભારતીય વિચારધારા પ્રમાણે તો જગતના કણ કણમાં ઈશ્વર છે. માત્ર જીવિત જ નહિ પણ નિર્જીવમાં પણ ઈશ્વર છે. કેટલાક અલગ વિચારધારા વાળા લોકો એવું પણ માને છે કે માત્ર માનવીઓમાં જ જીવ છે. બાકી બધું એમના ઉપયોગ માટે ઈશ્વરે બનાવ્યું છે. વિષ્ણુનુંમનમોહક સ્વરૂપ એવા કૃષ્ણ નું જીવન વિજ્ઞાનથી ભરપુર હતું. એટલે જ ધર્મને વિજ્ઞાનની નજરથી જોવો જરૂરી છે. આજે થોડી એ વિષે પણ વાત કરીશું.
મિત્રો આ વિભાગ આપનો જ છે. આજની ભાગતી જીંદગીમાં લોકોને કેટલી બધી મુન્જ્વણ હોય છે? યોગ્ય સલાહ માટેની ચાહ પણ હોય છે. આપને મુન્જવતા સવાલો નીચે જણાવેલ ઈમેલ પર જરૂર પૂછો આપણે એના યોગ્ય જવાબો મળશે જ.
સવાલ: તમને વાંચવાની ખુબ મજા આવે છે. અમે તો ખાસ રાહ જોતા હોઈએ છીએ કે તમે નવું શું જણાવો છો. આપના વિશે જાજી ખબર નહતી. પણ ગુગલ પર સર્ચ કર્યું ત્યારે ખબર પડી કે તમારા કેટલા બધા વિડીઓ અને માહિતી ત્યાં છે. ચાલો આજે એક અલગ સવાલ તમને પૂછીએ. મંદિરમાં ચડાવેલ ફૂલ, બીલી, વિગેરે ન લેવાની પ્રથા છે. કેટલાક લોકો એમાંથી ગુલકંદ કે અગરબત્તી બનાવવાની વાત કરે છે. તો આવું કરાય કે નહિ?
જવાબ: વિશ્વના મોટા ભાગના ધર્મના નિયમો તેમણે સાચવી રાખવા પ્રયત્ન કર્યો છે. એનું કારણ એ છે કે એમને નિયમોમાં વિશ્વાસ છે. આપણે ત્યાં ધર્મ અને વિજ્ઞાનની વચ્ચે અટવાયેલી મનોદશા વાળા ઘણા બધા લોકો છે. ક્યારેક એમની નાસમજના લીધે તે ધર્મના નિયમો સામે સવાલો પણ કરે છે તો ક્યારેક એ નિયમોમાં ફેરફાર કરવાની વાતો પણ કરે છે. મારા મત પ્રમાણે સહુથી પહેલા મંદિરો નહતા. મંદિરો બન્યા પછી લોકો પોત પોતાના ગામના મંદિરોમાં પૂજા અર્ચના કરતા. પુજારીના નિર્વાહ માટે ફળ અને અનાજ લઇ જતા. અને મંદિરમાં અર્પણ કરતા. ઈશ્વરને ફૂલ ચડાવતા. આ બધુજ પુજારી પાસે જતું. પોતાની જરૂરિયાત ઉપરાંતનું બધું જ એ નમન અથવા પ્રસાદ સ્વરૂપે પાછુ આપતા. ધીમેધીમે વસ્તુઓ વધતી ગઈ અને પૈસાથી વ્યવહાર ચાલવા લાગ્યો. જે બગડી નથી જતા. ઈશ્વરને વળી પૈસાની ક્યાં જરૂર હોય છે?
હવે રહી વાત ફૂલોની. નમન તરીકે પાછા ગયેલા ફૂલોને ઉર્જાના સ્ત્રોત તરીકે લઈને એ સુકાય ત્યારે તેને યોગ્ય જગ્યાએ પધરાવી દેવામાં આવતા. મંદિરોમાં આડસો ઉભી થતા નમન લઇ જવાનો રીવાજ ઘટતો ગયો. ક્યારેક આળસ તો ક્યારેક અણસમજ પણ આમાં કામ કરતા હશે. ઈશ્વરને ચડાવેલા ફૂલ હવે માત્ર પર્યાવરણનો ભાગ ગણાવા લાગ્યા. એમાં ઉર્જા છે તે વાત વિસરાતી ગઈ. તે માટે ગુલકંદ કે ધૂપ બત્તી બનાવવાનું રો મટીરીયલ બની ગયા. જો ગુલકંદ જ બનાવવું છે તો એને મંદિરની બહાર જ લઇ લેવા જોઈએ. ઈશ્વરને સમર્પિત વસ્તુઓનો વેપાર થોડો જ હોય? વળી વવિધ દ્રવ્યો સાથે ચડેલા ફૂલો ખાવા લાયક હોય ખરા? ભગવાનને ચડાવેલા ફૂલોને બાળવાનો નિષેધ છે. જેના વિશે ફરી ક્યારેક વાત કરીશું. જો પ્રયાવરણની ચિંતા જ કરવી હોય તો કાગળ વાપરવાનું બધ કરી દેવું જોઈએ. મોબાઈલ ફોન, ટીવી, કોમ્પ્યુટર, વિગેરે પણ રેડીએશનના કારક છે. એનો વપરાશ બંધ કરી એનો વિરોધ કરવો જોઈએ. આવી ઘણી બધી બાબતો નજરે ચડશે. પછી પેલા ફૂલો માત્ર નમન સ્વરૂપે જ દેખાશે.
સવાલ: કયા દેવ સહુથી મોટા? વિષ્ણુ કે મહાદેવ?
જવાબ: ઈશ્વરે બધાજ માણસોને એક સરખા બનાવ્યા પણ એ પૃથ્વી પર આવીને નાના મોટા બની ગયા. બાકી રહ્યું હતું તો હવે દેવ માટે પણ આવું વિચારવા લાગ્યા. ઈશ્વર એ પરમ તત્વ છે. બ્રહ્મા, વિષ્ણુ , શિવજી એ આદ્ય દેવ છે. કોઈ પણ ઈશ્વરને પૂજો અંતે તો તમે વૈશ્વિક ચેતનાને જાગૃત જ કરો છો. આવા વિચાર ન કરવાની સલાહ છે. માત્ર શ્રદ્ધાથી ઈશ્વરને માનો. એમને નાના મોટા દેખાડવા વાળા આપણે છીએ કોણ? આપણે શું હવે ઈશ્વરનું પણ રેન્કિંગ કરીશું? જે વ્યક્તિ અન્યની શ્રદ્ધાને માન નથી આપતી એને ધર્મ વિશેની પૂરી સમજણ નથી હોતી. તેથી જ સહુથી પ્રથમ તો માનવ ધર્મને અપનાવો. ઈશ્વર તમને તમારી અંદર જ મળી જશે.
સુચન: શ્રદ્ધા જરૂરી છે અંધશ્રદ્ધા નહિ.
(તમારા સવાલો મોકલી આપો…vastunirmaan@gmail.com)