ધર્મને વ્યખ્યાન્વિત કરવો લગભગ અશક્ય છે. મારી દ્રષ્ટીએ ધર્મને સામાન્ય રીતે સમજીએ તો જેવો વ્યવહાર કોઈ આપણી સાથે કરે અને આપણને ન ગમે એવો વ્યવહાર આપણે અન્ય સાથે ન કરીએ એ સાચો ધર્મ. બાકી બધું જ વિસ્તરણ છે. માનવ જાતિને સારી રીતે જીવવા માટેના નિયમોની રચના માંથી ધર્મના નિયમો બન્યા હોઈ શકે. વિવધ સંપ્રદાયો, વિચારધારા, વાડાઓ ને ક્યારેક આપણે ધર્મ સમજી બેસીએ એવું પણ બનતું હોય છે. ધર્મ આત્માનું જ્ઞાન કરાવે પણ વિચારધારા યુદ્ધ પણ કરાવી શકે. અનુકુલન અને અનુકુળતા વચ્ચેનો ભેદ ન સમજાય ત્યારે પોતે જ ધર્મના રખેવાળ છે એવી ગેરસમજ સાથે કેટલાક કૃત્યો થાય જે ધર્મના મૂળભૂત સિદ્ધાંતોથી ઘણા દુર હોય એવું બને. દરેક વિચારધારા જે ધર્મના નામે ઓળખાય છે એમાં કુદરતને સન્માન આપવાની વાત છે. શું આપણે એ કરીએ છીએ ખરા?
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.
સવાલ: મારી ઉમર 92 વરસની છે. મેં દીવા અને ફાનસમાં પણ દિવાળીઓ જોઈ છે. માતાજીની આરાધના એ સમયે થતી અને પવિત્રતા પણ સચવાતી. અમારી સોસાયટીમાં મોડી રાત સુધી ડીજે પર ગરબા વાગે છે. સાલસા ગરબા અને કપલ ગરબા જોઇને દુખ થાય છે. ભીગે હોઠ તેરે જેવા શબ્દો પર કયા માતાજીને રાજી રાખવા માટે ગરબા થાય છે એ સમજાતું નથી. શું માત્ર ગરબા નામ રાખી દેવાથી એ ગરબાનો ભાવ લાવી શકે? રાત્રે મહેફીલો પણ જામે. આ ઉમરે માથાકૂટ કરીએ એ કોઈને ન ગમે. મેં સામાન્ય રજૂઆત કરી કે બાર વાગ્યા પછી માઈક બંધ કરો તો શાંતિથી ઊંઘી શકાય. સાહેબ, ચેર પર્સને જે જવાબ આપ્યો એ સાંભળીને મને સાચે જ આઘાત લાગ્યો. એમણે મને કહ્યું કે હવે તમારે કેટલા વરસ કાઢવાના છે કે ઊંઘવાની આટલી બધી ચિંતા કરો છો. ધર્મના માર્ગમાં આવવું હોય તો ધર્મ બદલી નાખો. જીવન અને મૃત્યુ કોઈના હાથમાં નથી. વળી આ ઉમરે ધર્મ બદલીને કરું શું? દુખી થવાનો અર્થ નથી. પણ એક સવાલ ઉભો થયો છે. બધા કહે છે કે વિદેશી લોકોએ આપણી વિચારધારા બદલી નાખી છે. પણ બદલાયા તો આપણે જ ને? આપણે ધાર્યું હોત તો ન બદલાયા હોત. કહે છે કે જેને કોઈ ન પહોંચે એને પેટ પહોંચે. નવી પેઢી કેવી હશે એ વિચારે રુંવાડા ઉભા થઇ જાય છે. આવા લોકો પોતાના બાળકો માટે કયો સંદેશો છોડીને જશે. શું આવી પેઢી માટે ભારત દેશ આઝાદ થયો? આવી માનસિકતા તો અંગ્રેજોની હાજરીમાં પણ ન હતી. માત્ર ભૌતિકતાની ઘેલી પ્રજા ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવા સક્ષમ છે ખરી?
જવાબ: આપની ચિંતા વ્યાજબી છે. અંધારું શબ્દ ગાયબ થઇ ગયો છે. સુવા માટે શાંતિ ઉપરાંત અંધારું પણ જરૂરી છે. ઝળહળાટ, ઘોંઘાટ, દેખાડો આ બધા શબ્દો ભારતીય પરિપેક્ષમાં નકારાત્મક ગણાતા હતા. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. ભારતના લોકોને પ્રલોભનો મળતા રહ્યા અને એ લોકો બદલાતા રહ્યા. ભૂખ લાગે તો ઝેર તો ન જ ખવાય એ વાત કોઈ સમજતું જ નથી. આપણા તહેવારો પાછળના કારણો સમજ્યા વિના એમાંથી પૈસા કમાઈ લેવાની ઈચ્છાઓ વધી ગઈ છે. કુદરત એનું કાર્ય કરે જ છે. પણ માણસ એ સમજવા તૈયાર નથી. તમારી સોસાયટીની કમનસીબી છે કે તમારી ચેર પરસન વડીલોને માન નથી આપતી. તમે જે લાઈફ સ્ટાઈલની વાત કરી એ મુજબ એને વિશ્વાસ હશે કે કદાચ એ તમારી ઉમરની ક્યારેય થશે જ નહિ. પરસ્પરનું સન્માન એ આપણા ધર્મનો પાયો હતો. એ વિસરાઈ ગયું છે. આપ ખુબ લાંબુ અને સ્વસ્થ જીવન જીવો એવી ઈશ્વરને પ્રાર્થના. મનને મક્કમ કરો. આવા વધારે લોકો પણ મળશે. મન શાંત હશે તો બહાર ગમે તેટલા અવાજો હશે ઊંઘ આવી જ જશે. મહામૃત્યુંન્જય મંત્ર જાપ કરો. સુતા પહેલા ઓમ નમ: શિવાય મંત્ર જાપ કરો. ચોક્કસ સારું લાગશે.
સુચન: સ્વાર્થ સાથે થયેલી, અથવાતો અન્યને દુખી કરીને થયેલી પૂજા ફળતી નથી.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)