તમે કયારેય આકાશમાં પતંગને ચગતી જોઈ છે? અને વિમાન ને પક્ષીને ઉડતા પણ જોયા હશે. ચગવું અને ઉડવું એ બંનેમાં ખુબ ફેર છે. ઉડવા માટે તાકાત જોઈએ, આવડત જોઈએ અને સમજણ જોઈએ. બધારણ પણ એટલું જ કામ કરે. અને એક વાર હવામાં ઉડ્યા પછી પણ કાર્યરત રહેવું પડે. ઉડવું એ મજાનો વિષય છે. પણ પક્ષી માટે એ જરૂરિયાત છે. કોઈકની જરૂરિયાત એ અન્ય માટે મજાનો વિષય હોઈ શકે. અને ચગવા માટે શું જોઈએ? એક એવી વ્યક્તિનો સહારો જે ચગાવવા સક્ષમ હોય. એ થોડી ઢીલ મુકે પછી ખેંચે અને એ એ નચાવે એમ નાચવાનું. ચગવા માટે ઠુમકા પણ મારવા પડે. અને જો પેલો માણસ ઈચ્છે તો પાછા જમીન પર કે પછી કોઈક ઝાડમાં કાયમ માટે ફાટેલી હાલતમાં પડ્યા રહેવાનું. તોએ ઘણાને ચગાવવામાં મજા આવે. પણ જીવનની સાચી ઉડાન ભરવી હોય તો સકારાત્મક ઉર્જા તો જોઈએ ને? જે મળે છે વાસ્તુ નિયમો થકી.
વાચક મિત્રો, આ વિભાગ આપનો પોતાનો જ છે. વિના સંકોચ આપ આપની સમસ્યા નીચે જણાવેલ ઈમેઈલ પર જણાવી શકશો. આપને જરૂર એનું સમાધાન મળશે.
સવાલ: મને તો લાગે છે કે વાસ્તુ શાસ્ત્ર એ બહુ ડરામણો વિષય છે. એ નામની ફિલ્મ આવી હતી ખબર છે? કેવી હોરર હતી? વાસ્તુ શાસ્ત્ર જો આટલું ભયાનક છે તો લોકો એમાં વિશ્વાસ કેમ કરતા હશે? તમે તો આર્કિટેકટ છો, તો વાસ્તુમાં વિશ્વાસ કેમ કરો છો?
જવાબ: તમારા નામની હોરર ફિલ્મ બને તો તમે પણ ડરામણા કહેવાઓ? ફિલ્મનું નામ તો કોઈ પણ હોય. શાસ્ત્રો એની જગ્યાએ પોતાનું જ્ઞાન આપવા સક્ષમ છે. તમે શાસ્ત્રને ખરાબ ગણાવવા બધા જ આધાર ખોટા લીધા છે. એને સમજો અને પછી તમે તમારું મંતવ્ય આપો. હું આર્કિટેક્ટ છું એટલે જ વાસ્તુના નિયમોને સારી રીતે સમજી શકું છું. આર્કિટેક્ચરનું સંસ્કૃત ભાષાન્તર થાય વાસ્તુ કલા. હવે સમજાય છે? ભારતીય વાસ્તુને સમજવા આપણા ગ્રંથો અને મારી લાયકાત બંને મને મદદરૂપ થાય છે. હું આ વિષયને વિજ્ઞાન અને ટેકનોલોજીની દ્રષ્ટીથી જોઈ શકું છું. અને તેથી જ લોકોને મારામાં વિશ્વાસ છે. શાસ્ત્ર અને શસ્ત્રમાં ફર્ક હોય છે. મને સારામાં સારા પરિણામો મળ્યા છે. આપ પણ યોગ્ય અભ્યાસ કરો. આપને આ વિષયમાં શ્રદ્ધા ઉદ્ભવશે. હું સંશોધન કરું છું. આપ પણ કરી શકો છો, માત્ર ફિલ્મો જોઇને કે એમના નામ સાંભળીને કોઈ પણ વિષય માટે નિર્ણય ન લો. દુર્યોધનનો અર્થ ખુબ સારો છે. પણ એનું વ્યક્તિત્વ યોગ્ય ન હતું. માત્ર કલ્પના જીવનને સમૃદ્ધ ન પણ બનાવી શકે. એના માટે સાચો અભ્યાસ ખુબ જરૂરી છે.
સવાલ: હું પરિણીત છું. મને મારી પત્ની સાથે મનમેળ નથી. એવું પણ નથી કે અમે લડીએ છીએ. પણ એ ખુબ મહત્વકાંક્ષી છે. એની બધી જ નિષ્ફળતાનો ટોપલો મારા માથે ઓઢાડીને સુઈ જાય છે. હવે અમારી વચ્ચે સંવેદના જેવું કાઈ બચ્યું નથી. મેં મારું જીવન સ્વીકારી લીધું છે. મને થોડા સમય પહેલા એક માણસ મળી ગયો. સાવ એકલો બેઠો હતો. મારી ગાડીમાં પેટ્રોલ ખલાશ થઇ ગયું, એની મદદ લેવી પડી. એનું જીવન પણ એકદમ મારા જેવું જ છે. છુટા પડ્યા પછી મેં એની સાથે ફોન પર વાત કરી તો ખુબ સારું લાગ્યું કે કોઈ તો સમદુખિયું છે. સંજોગો વસાત અમે એક કાર્યક્રમમાં ભેગા થઇ ગયા. ખાસ વાત ન થઇ પણ તો પણ સારું લાગ્યું. આવું કેમ થતું હશે? અમારી વચ્ચે કાંઈજ નથી. તો પણ એવું લાગે છે કે એને ફોન કરું, વાત કરું. આ બરાબર કહેવાય?
જવાબ: તમને કોઈ મિત્રની જરૂર હતી એ તમને મળી ગયો. અથવાતો તમે રૂંધાતા હતા અને તમારા જેવા એક માણસને જોઇને તમને એનામાં તમારું પ્રતિબિંબ દેખાયું. આ એક સાવ સહજ ઘટના છે એમાં વધારે વિચારવાની જરૂર નથી. વાત કરવી એમાં કોઈ જ ગુન્હો નથી. માત્ર એમાં સામેવાળી વ્યક્તિ વાત કરવા ઈચ્છુક હોવી જોઈએ. વધારે ન વિચારો, વાત કરો. બંનેને સારું લાગે એમ પણ બને. પ્રાણાયામ કરો અને પાણી વધારે પીવો. વધારે વિચારવાનું બંધ થઇ જશે. ક્યારેક મન હળવું થાય તો તમારા લગ્ન જીવનનો તનાવ પણ ઘટે એવું બને.
આજનું સુચન: ગાયત્રી મંત્ર રાત્રે ન કરાય.
(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)