વાસ્તુ: આર્થિક સંકડામણ માંથી બહાર આવવાનો કોઈ માર્ગ ખરો?

તમને શું ગમે? આવો સવાલ પુછાય એટલે મનમાં ગમતી વાતોની વણઝાર ઉગે. ક્યાંક ઓરતા પણ જાગે. અને પછી ખબર પડે કે એ તો સાવ અમસ્તું જ પૂછવામાં આવેલું વાક્ય હતું, તો કેવું લાગે? આશાઓ અને અપેક્ષાઓ જીવનને ચાલતું રાખે છે. જો થોડી સરખી માયા ન હોય તો મોટા ભાગના લોકો જીવવાની મજા લઇ જ ન શકે. હા, હોય છે કેટલાક નિર્મોહી માણસો જેમને માયા અને પ્રીત જેવા શબ્દોથી કોઈ સંબધ નથી એવું કહે છે પણ તો એ એમને ઈશ્વર થી પ્રીત થઇ હોય એવું ક્યાંક જણાય પણ ખરું. જ્યાં સુધી લાગણીઓ ઘુઘવતી રહે ત્યાં સુધી જીવન ધબકતું રહે છે. જીવવા માટે સકારાત્મક ઉર્જા પણ એટલી જ જરૂરી છે. જે મળે છે વાસ્તુ નિયમો થકી.

વાચક મિત્રો, આ વિભાગ આપનો પોતાનો જ છે. વિના સંકોચ આપ આપની સમસ્યા નીચે જણાવેલ ઈમેઈલ પર જણાવી શકશો. આપને જરૂર એનું સમાધાન મળશે.

સવાલ: જીવન સરસ ચાલતું હોય અને અચાનક બધું ખોરવાઈ જાય તો જાણે પુરપાટ દોડતી ગાડીમાં પંચર પડ્યું હોય એવું લાગે. મારી સાથે પણ એવું થયું છે. આર્થિક બાબતોથી ઘેરાઈ ગયો છું. ક્યાય મન નથી લાગતું. કોઈની સાથે વાત કરવામાં પણ એવું લાગે કે કોઈને ખબર પડી જશે તો? આર્થિક સંકડામણ માંથી બહાર આવવાનો કોઈ માર્ગ ખરો?

જવાબ: જીવનમાં કેટલાક નિર્ણયો એવા લેવાય જાય કે પછી એનો પસ્તાવો મન ભરીને કરવાનો થાય. પણ આર્થિક બાબતના નિર્ણયો લેવામાં માત્ર મોહ કે સ્વાર્થ કરતા પણ જે તે સમયની જરૂરિયાતો પણ કામ કરે છે. કોઈ અચાનક બિમાર પડે તો એનો ખર્ચ બજેટમાં નથી એવું ન જ કહેવાય. કે પછી કોઈનો વ્યવહાર કરવાનો થાય તો એ આપણા પોતાના પ્લાનીંગમાં ન પણ હોય. પણ ગાડી થોડી ધીમે ચલાવીએ તો પંચર પડે ત્યારે અકસ્માત થવાની શક્યતા ઘટી જાય. આર્થિક બાબતોમાં ઉતાવળિયા અને પ્રલોભનથી પ્રેરિત નિર્ણય ન લેવાય. જયારે પશ્ચિમ દિશાના એક કરતા વધારે દોષ હોય તો આર્થિક બાબતો બગડી શકે. આ ઉપરાંત પાણીની જગ્યા, પ્રમાણ અને આકાર એ પણ ખુબ મોટો ભાગ ભજવે છે. આમ તો આર્થિક નુકશાન થવા પાછળના સાચા કારણ જાણવા સમગ્ર મકાન કે જગ્યાનો અભ્યાસ જરૂરી છે. પણ કેટલીક સામાન્ય બાબત જાણવું છું જેનાથી રાહત રહે. ૧) ઘરમાં દરરોજ સવાર સાંજ ઘીનો દીવો કરી અને ગુગલનો ધૂપ ફેરવો, ૨) તિજોરીની ઉપર કોઈ પણ પ્રકારનું વજન ન રાખો અને આંતરિક વ્યવસ્થા યોગ્ય નિયમ પ્રમાણે કરો. ૩) શિવલિંગ પર યોગ્ય રીતે અભિષેક કરો જેમાં દહીંમાં કાળા તલનો અભિષેક ઉમેરો. આવું કરવાથી ચોક્કસ લાભ થશે જ.

સવાલ: મારા લગ્નને ત્રીસ વરસ થયા છે. મારા પતિ અને મારો કોઈ સુમેળ નથી. અમે દર બે ત્રણ દિવસે કે વધુમાં વધુ અઠવાડીએ તો એક વાર લડી જ લઈએ. પછી કાઈ નથી થયું એવું માનીને પાછા ગોઠવાઈ જઈએ. બે ત્રણ દિવસથી હવે એમને એવું લાગે છે કે અમારે છુટા થઇ જવું જોઈએ. લોકો શું કહેશે? અમારા બાળકોના લગ્ન થાય ત્યારે એ વચ્ચે આવે ને? શું એમનું કોઈ અફેર હશે? આમ તો એ સીધા છે. પણ સીરીયલ્સમાં કેવું બતાવે છે? અમારી સામે વાળા પણ ઘણી વાર કહે છે કે વરને આટલી બધી છુટ ન અપાય. તમારું શું માનવું છે?

જવાબ: કોઈ પણ સંબંધનો આધાર એ વિશ્વાસ છે. તમે તો સીરીયલ્સ અને પાડોશીને ગુરુ બનાવ્યા છે. તમે પોતે માનો છો કે તમે એક બીજા માટે નથી બન્યા. તો પછી મમત શાની? જો નથી જ ફાવતું તો લોકોની ચિંતાએ સાથે ન રહેવાય. અને જેમને બોલવું જ છે એતો એવું પણ કહેશે કે દરરોજ લડતા હતા. આવા ઘરમાં સંબંધ થોડો કરાય? જો આપના પતિ પણ ઈચ્છતા હોય તો અલગ થઇ જવું જોઈએ. સતત કંકાશ થાય એ પણ બાળકોની માનસિકતા માટે યોગ્ય નથી. વાંક કોનો છે એ શોધવા કરતા તમે એક બીજા માટે નથી સર્જાયા એની સમજણ વધારે અગત્યની છે. સવારે વહેલા ઉઠી ગાયત્રી મંત્ર કરો. સાચો રસ્તો જરૂર દેખાશે.

આજનું સુચન: ગાયત્રી મંત્ર હરતા ફરતા ન કરાય.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)