વરસાદની આગાહી વચ્ચે નવરાત્રી ભીંજાયા વિના ચાલી રહી છે એ સારા સમાચાર છે. પણ મન ભીંજાયા છે કે નહિ એ જાણવું જરૂરી છે. જો મન ભક્તિથી તરબોળ ન હોય તો નવરાત્રીની મજા શું? બચના ઓ હસીનો જેવા ગીતો પર પગરખા પહેરીને કમરના ઠુમકા મારવામાં કયા પ્રકારની ભક્તિ હોતી હશે? શું આધુનિક થવાની વિચારધારા જરૂરી છે? શું આપણી સંસ્કૃતિને આવા વિચારો સાચવી શકશે? દરેક તહેવાર કે ઉજવણી એના મૂળ સ્વરૂપે નહિ થાય તો પછી વિદેશી તહેવારો કે ઉજવણી અને આપણી પરમ્પરા વચ્ચે કોઈ ભેદ જ નહિ રહે. આવનારી પેઢી એવું જ માની લેશે કે નવરાત્રી માત્ર ડાન્સ ફેસ્ટીવલ છે. માં દુર્ગાની આરાધના અને શક્તિ સ્વરૂપની સાધના ક્યાંક વિસરાઈ તો નથી રહીને? માત્ર એકાદ દિવસ મંદિરમાં જઈ આવવાથી નવરાત્રીનું મહત્વ સચવાઈ રહેશે ખરું?
ભારતીય તહેવારો ભારતીય પરંપરાથી ઉજવાય એ ધ્યાન આપણે જ રાખવું પડશે. બાકી આવનારી પેઢીને આપણે સાચી માહિતી નહિ આપી શકીએ. જેમ આપણી ઘણીબધી સારી બાબતો વિષે આજે અજ્ઞાન પ્રવર્તે છે એવું નવી પેઢી માટે પણ રહેશે. જેમકે આર્યભટ્ટ પહેલા રામાયણ અને મહાભારતનો સમય આવી ગયો. રાવણના માથા, કૌરવોની સંખ્યા, શ્રીકૃષ્ણની સેના કે પછી વિષ્ણુ ભગવાનના અવતાર આ બધામાં શૂન્ય હતા? એટલેકે આપણે ત્યાં યુગોથી ગણિત તો છે જ. માત્ર તર્કને માની લેવા કરતા આપણા ભારતીય પણાને સમજવું પડશે.
સવાલ: મેં ક્યાંક એવું વાંચ્યું છે કે ભગવાનને ચડાવેલી વસ્તુઓ ફરીથી ન વપરાય. સુકાયેલા ફૂલ કે પાન, દિવેટ એ બધું યોગ્ય રીતે વિસર્જિત કરવું જોઈએ. હું મારા ઘરે ફૂલોને હવનમાં બાળી દેતી હતી. આ વાંચ્યા બાદ મનમાં સવાલ થાય છે કે મને થતા માનસિક તણાવનું કારણ આ તો નહિ હોય ને?
જવાબ: ભગવાનને આર્પણ કરેલી વસ્તુને નમન અથવા પ્રસાદ સ્વરૂપે ચોક્કસ લઇ શકાય. પણ એનો ધંધાકીય ઉપયોગ અથવા કોઈ નકારાત્મક બાબત સાથે ન જ જોડાય. નમન એ ઉર્જા સ્વરૂપ છે. તેથી એને બળી નાખવાની વાત ન કરતા એનું પાણીમાં વિસર્જન કરવાની વાત છે. આ બધું નાશવંત છે. તે જમીનમાં ભળી જાય છે. વહેતું પાણી તેમાં નાખેલી દરેક વસ્તુને અંતે તો કિનારા પર લાવે છે. ભીનું થયેલું નમન કિનારાની જમીનને ફળદ્રુપ બનાવી શકે છે. તેથી તેને વહેતા પાણીમાં નાખવાની વાત છે. લોકો પ્લાસ્ટીકની કોથળી સહીત જે વિસર્જન કરે છે તે યોગ્ય નથી. એ કોઈ સામાન્ય કચરો નથી કે એને નદીમાં પ્લાસ્ટિક સાથે નાખી દેવાય. વિસર્જનમાં ભાવ છે. અને નદીની સ્વચ્છતા એ આપણું કર્તવ્ય છે. નદીને આપણે પૂજનીય ગણીએ છીએ. તેથીજ આપણી પર્મ્પરાને યોગ્ય રીતે સમજી અને નિર્ણય લેવા જરૂરી છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)