વાસ્તુ: શું શરદપૂનમે ચંદ્રને જળ ચડાવવું જોઈએ?

શરદ પૂનમ એટલે એક એવી ખાસ રાત્રી જે સહુને ગમે. શીતળ ચાંદની જાણે પોતાના રસમાં પૃથ્વીને તરબોળ કરવા મથતી હોય અને અગાસી પર ઉભેલા જીવો એ શીતળતામાં ન્હાઈ એક ચુંબકીય શક્તિનું આહ્વાન કરતા હોય એવું લાગે. ચંદ્રોદયના સમયથી મધ્ય રાત્રી સુધી માનવો દુધાપૌવા સાથે ચાંદનીનો પણ આસ્વાદ લેતા હોય અને કોઈક સોયના નાના કાણામાં દોરો પોરવતી વખતે ચંદ્રના પ્રકાશથી આંખોને તાજગી આપતા હોય ત્યારે કોઈ પ્રણયની પણ શરૂઆત દેખાય તો નવાઈ ન લાગે. કારણ કે એ ચંદ્રના પ્રકાશનું આકર્ષણ જ તો એવું છે. મિત્રો ચંદ્રનો પ્રકાશ પણ માનવોની સકારાત્મક ઉર્જા વધારવામાં મદદરૂપ થાય છે. તેથી જ શરદપૂનમે ચંદ્રને પણ જળ ચડાવવું જોઈએ.

આ વિભાગ આપનો જ છે. આપણે પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે દર્શાવેલ ઈમેલ પર ચોક્કસ મોકલી શકો છો. એનો જવાબ આપણે ચોક્કસ મળશે.

સવાલ: આ દુનિયા કેટલી ખરાબ છે નહિ? સૂર્યની ગરમી વધી રહી છે. વાતાવરણમાં પ્રદુષણ વધી રહ્યું છે. લોકો સ્વાર્થી થઇ રહ્યા છે. સંબંધો મર્યાદા ચુકી રહ્યા છે. વફાદારી ઘટી રહી છે. ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. રહેવાનું લગભગ અશક્ય થઇ ગયું છે. ક્યાં જવું? શું કરવું? શું એવું કાંઈ ન થાય કે જેના કારણે સમગ્ર પૃથ્વીની ઉર્જા સકારાત્મક બની જાય? વાસ્તુમાં એવો કોઈ ઈલાજ નથી?

જવાબ: આપણી આસપાસ જે કાઈ થઇ રહ્યું છે એના માટે જવાબદાર કોણ છે? આપણે બધા જ. કોઈ અત્યાચાર કરતુ દેખાય તો આપણે “ મારે શું “ વિચારીને નીકળી જઈએ છીએ. કોઈ વૃક્ષ કાપે તો આપણે વિરોધ નથી કરતા. એક નવું વૃક્ષ વાવીને જૂનાને કાપી શકાય એ માન્યતા અધુરી છે. કારણકે જે વાવ્યું છે તેને ઉછરવામાં સમય લાગશે. વળી એ ઉગશે જ એની કોઈ ગેરન્ટી નથી. પ્લાસ્ટિક પ્રદુષણ છે. આપણે એનો વપરાશ બંધ કર્યો? ભ્રષ્ટાચાર કરવા એકથી વધારે માણસ જોઈએ. એ બીજો માણસ કોણ હોય છે? ફરિયાદો કરીને દુખી થવા કરતા એનું સોલ્યુશન વિચારો. જો આખી દુનિયા આવી છે તો તમે ક્યાં જશો? બીજો કોઈ ગ્રહ હજુ સુધીતો મળ્યો નથી. તમે નક્કી કરો કે હું બધું સાચું જ કરીશ. અને તમારા મતને વળગી રહો. તમારા જેવા લોકોને તમારી સાથે જોડતા જાવ. હા, આમાં કોઈ રાજકારણ ન કરાય. પારદર્શક વિચારો ખુબ જરૂરી છે. સમય લાગશે, તકલીફ પણ પડશે. પણ સમાજમાં પરિવર્તન આવશે. હવે વાત કરીએ વાસ્તુની. આખા વિશ્વનું વાસ્તુ બદલવા પણ આખા વિશ્વનો સાથ તો જોઈએ ને? ચાલો તમે બધા દેશની મંજુરી લઇ આવો. જયારે બ્રહ્મથી પૂર્વ તરફનો ત્રિકોણ નકારાત્મક હોય ત્યારે બધું જ નકારાત્મક લાગે. છોડીને જવાની ઈચ્છા જાગે પણ હિંમત ન થાય. સમસ્યાઓની ચર્ચાઓ થાય પણ સમાધાન ન દેખાય. તમે તમારા ઈશાનમાં તુલસીનું વન બનાવો. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા , પાણીથી અભિષેક કરી બીલીપત્ર ચડાવો. સૂર્યને જળ ચડાવો. આંતરિક ઉર્જામાં ચોક્કસ વધારો થશે.

સવાલ: હું એક વ્યક્તિને ગળાડૂબ પ્રેમ કરું છું. એને પણ પ્રેમ છે. એ પરિણીત છે. એણે મને વચન આપેલું કે અમે સાથે રહીશું. પણ એ અચાનક એકલો વિદેશ ભાગી ગયો છે. શું એ મને છેતરતો હતો? શું એ પાછો નહિ આવે? શું એ એની પત્નીને પણ છોડી ગયો હશે? એ પાછો આવે એના માટે શું કરવું જોઈએ?

જવાલ: પ્રેમ ક્યારેય પણ કોઈની પણ સાથે થઇ શકે એ વાત સાચી છે. પણ એમાં અપેક્ષાઓ થોડી જ હોય? તમે સાચો પ્રેમ કરતા હો તો આટલી અસુરક્ષાની લાગણી ન હોત. એ જ્યાં પણ હોય એના માટે તમે સુખની કામના કરતા હોત. એ વિદેશ શું કામ ગયો છે એ જાણ્યા વિના તમે છેતરાયાની લાગણી ધરાવો છો. પહેલી વાત, પ્રેમમાં કોઈ શરતો નથી હોતી. એ તમારી જાગીર નથી કે એ એની પત્ની સાથે રહે તો તમને તકલીફ પડે. આમ પણ તમે મળ્યા ત્યારે એ પરિણીત જ હતો. અવકાશ તત્વ વિચલિત હોય ત્યારે આવું થઇ શકે. મહામૃત્યુંન્જયના મંત્ર જાપ કરો. ચોક્કસ સારું લાગશે.

સૂચન: શરદપૂનમે ચંદ્રોદયથી મધ્ય રાત્રી સુધી સાકરને ચંદ્ર્પ્રકાશમાં રાખીને એનો પ્રસાદ લેવાથી ઉર્જામાં વધારો થાય છે.