વાસ્તુ: શું તમારો બેડરૂમ અગ્નિકોણમાં તો નથી ને?

શું તમે કોઈના ચોકીદાર કે ન્યાયાધીશ તો નથી બની ગયા ને? ક્યારેક કોઈ કારણ વિના કેટલાક લોકો જાણે પોતે જ સર્વે સર્વાં હોય એવા વહેમમાં યા તો કોઈના જીવનમાં એટલી બધી દખલઅંદાજી કરતા જોવા મળે છે કે સામે વાળી વ્યક્તિ ત્રાસી જાય. કોણ આવ્યું, કોણ ગયું, કોને મળ્યા, ક્યાં ગયા…વિગેરે વિગેરે… વળી કોઈ એમને ભાવ ન આપે તો આખા ગામને માથે લે અને અવનવી વાર્તાઓ ફેલાવે. એમને એવું હોય કે બધા એમની વાત અથવા સલાહ માનવા જોઈએ. કોઈને મળે એટલે એમના વિશેની વાર્તા શરુ. પછી જો સામે વાળી વ્યક્તિ શરણે ન થાય તો વાર્તામાં નવા નવા મરી મસાલા ઉમેરાતા જાય. કેટલાક લોકો બીજાના વિશે ધારણા બાંધવામાં માહેર હોય છે.

કોઈ ખાલી બાથરૂમમાં ગાતું હોય તો પણ એની મસ્તીને સમજ્યા વિના એના સુર ચેક કરવા અવાજ રેકોર્ડ કરીને સંગીતકારને મોકલે અને જયારે સંગીતકાર એવું કહે કે આના સુર યોગ્ય નથી ત્યારે એનો ઢંઢેરો પીટે. બાથરૂમમાં સૂરમાં ગાવું એવો નિયમ છે ખરો? આવા પ્રકારની વ્યક્તિઓ પોતે તો કાયમ દુખી રહે પણ અન્યને દુ:ખી કરવાના બહાના શોધતી હોય. તો શું આવી નકારાત્મકતા જન્મજાત હોતી હશે, સંજોગો આધારિત હશે કે પછી ઉર્જાનો પ્રભાવ હશે?

મિત્રો આપને પણ કોઈ સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર સવાલ પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ:  હું તમારો ખુબ મોટો ચાહક છું. તમારા દરેક લેખ મેં વાંચ્યા છે. મને એટલા બધા ફાયદા થયા છે કે હવે તમે કહ્યું એટલે એવું કરવાની જ એવા મોડમાં મારું જીવન આવી ગયું છે. મને કંપનીએ એક ફ્લેટ આપ્યો છે. એમાં મારો બેડરૂમ અગ્નિમાં છે. શરૂઆતમાં એવું લાગ્યું કે તમારી વાત પ્રમાણે કશું નથી થતું. પણ છેલ્લા ત્રણ મહિનાથી મારે મારા પત્ની સાથે ખુબ તકલીફો છે. શું વાસ્તુ તુરંત અસર ન કરે? આ ઘર મારું નથી. તો હવે શું કરું?

જવાબ: કોઈ પણ ઉર્જાની અસર તુરંત થાય એવું ન પણ બને. એમાં પણ વાસ્તુમાં ઉર્જાની અસર રાતોરાત ન થાય. આપનો મારામાં વિશ્વાસ છે એ સારી વાત છે. પણ મેં ક્યારેય અંધશ્રદ્ધાને માન નથી આપ્યું. હા, અગ્નિમાં યુગલ રહેતું હોય તો એકબીજા સાથે ફાવે નહિ અને એક બીજા વિના ચાલે નહિ જેવા દ્વિધા વાળા સંબંધો ઉભા થાય. આસપાસ વાળા થાકી જાય. તમારા જીવનમાં એવું થઇ રહ્યું છે. તમારા ઘરમાં બીજો બેડરૂમ નૈરુત્યમાં પણ છે. એ નાનો છે પણ સુવા માટે તો ચાલે જ. બસ તો યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે રહો. બધુજ બરાબર થઇ જશે.

સવાલ: હું કોઈને ચાહું છું. એણે પોતે જ મને એના મિત્રો સાથે ઓળખાણ કરાવી. એક દિવસ અચાનક પસાર થતાં એના મિત્રો મળી ગયા. એને ખબર પડી તો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો. હવે મારી સાથે વાત પણ નથી કરતો. આવો શંકાશીલ સ્વભાવ એનો ક્યારેય ન હતો. હું એને ભૂલવા ઇચ્છુ છું પણ એ શક્ય નથી. શું કરું સમજાતું નથી. કોઈ ઈલાજ બતાવો. ક્યારેક તો બધુજ પૂરું કરી દેવાના પણ વિચારો આવે છે.

જવાબ: બહેનશ્રી. પ્રેમમાં વિશ્વાસ એ મૂળ ઘટક છે. તમારા પ્રેમીએ એમના મિત્રો સાથે ઓળખાણ કરાવી ત્યારે એ પોતે પણ સાથે હતા. બધાજ મિત્રો સારા ન પણ હોય. વળી એ પોતાના મિત્રોને સારી રીતે જાણતા હોય, તમે નહિ. તમને મળ્યા પછી શક્ય છે કે કોઈએ વાર્તા ચલાવી હોય. નવરા માણસોને આવું કરવામાં મજા આવતી હોય છે. આમ પણ એકલા મળવા કરતા એની હાજરીમાં મળો એ વધારે સુરક્ષિત છે. એમ કોઈના પ્રેમમાં જીવ થોડો આપી દેવાય છે? પ્રયત્ન કરો. એ માની જશે. ન મને તો સમય એનું કામ કરશે જ. હિંમત રાખો. મહામૃત્યુંન્જય મંત્રના જાપ કરો. પાણી વધારે પીવો.

આજનું સુચન: ઉત્તર તરફ માથું રાખીને સુવાથી લોહોનું દબાણ વધી શકે છે.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)