વાસ્તુ: નવા વર્ષે જીવનમાં ઉત્સાહ વધારવા કરો આ ઉપાય

નવું વરસ. નવી શરૂઆત. નવ જીવન. નવ ચેતના. બધુજ નવું હોય ત્યારે જીવવાનો આનંદ પણ નવો હોય છે. પણ નવી શરૂઆત કેવી રીતે કરવી? નવું ત્યારે લાગે જયારે જુનું બધું સાફ થઇ ગયું હોય. કેટલીક જૂની યાદો, કેટલાક જુના નિર્ણયો, કેટલોક જુનો ગુસ્સો, કેટલુક જુનું અભિમાન, જૂની ઘણી બધી બાબતો મનને તકલીફ આપી અને આનંદની ક્ષણો ઓછી કરે ત્યારે એવી જૂની વસ્તુઓની સફાઈ કરવાનું મન થાય જે પડી પડી નુકશાન કરે છે. તો શું મનને પણ સાફ ન કરી શકાય? જો જૂની કટાઈ ગયેલી યાદોને બહાર ઠાલવી દેવામાં આવે તો નવા સપના માટેની જગ્યા ઉભી થાય. જીવન એ માત્ર કલ્પના નથી એની સમજણ આવે અને હકીકતોને અપનાવવાનું મન થાય. તો નવા વરસમાં એવા સંકલ્પો કરીએ કે જે જીવનને નવપલ્લવિત કરે, નવ ચેતના આપે.

મિત્રો, આપને પણ કોઈ સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર આપના સવાલો પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે. આપણી સમસ્યાનું સમાધાન ચોક્કસ મળશે.

સવાલ: હું એક સામાન્ય ઘરની વ્યક્તિ છું. મારા સંપર્કમાં એક એવી વ્યક્તિ આવી જે મને પ્રેમ કરે છે. એ વ્યક્તિ પાસે રૂપ, ધન, વૈભવ, સત્તા એવું બધું જ છે. મને શંકા છે કે એ મને પ્રેમ કરવાનું નાટક કરી અને મારું કોઈ નુકશાન કરવા માંગે છે. આવી વ્યક્તિઓને ચાહવા વાળા લાખો લોકો હોય તો એ મને શા માટે ચાહે? એ વ્યક્તિ એટલીં હોંશિયાર છે કે એ જાણે હું જ એનું જીવન હોઉં એવું જતાવવા પ્રયત્ન કરે છે. મારે એનાથી બચવું જોઈએ. કદાચ એને મારા ખેતરમાં રસ હશે? એની પાસે જમીનો પણ ઘણી હશે. તો એ મારા ખેતર માટે પ્રેમનું નાટક કેમ કરતી હશે?

જવાબ: ભાઈ શ્રી. આ ભૌતિક્તાવાદી વિચારધારામાં તમે સામા પક્ષે છો. તમે કેટલા કમનસીબ છો કે કોઈ તમને સાચા હૃદયથી ચાહે છે અને તમને એવું લાગે છે કે એ તમારી જમીન માટે તમને પ્રેમ કરે છે. સાચો પ્રેમ નસીબદારને મળે. તમારામાં કંઈક એવું હશે જે એમને ગમ્યું છે. બની શકે એમને ચાહવા વાળા લાખો હોય પણ એમનું અંગત કોઈ ન હોય. બની શકે એમને જેવા મિત્રની શોધ હતી એ તમારા સુધી આવીને પૂરી થઇ ગઈ હોય. શું કોઈ તમને ચાહે છે એટલું પુરતું નથી? તમને એ વ્યક્તિ ગમતી હોય તો શંકા કરીને એને ખોઈ ન દયો. તમે તમારા માટે સામાન્ય હોય, એમના માટે નહિ. જો એ જતી રહેશે તો પછી એ ક્યારેય પાછી ન આવે એવું પણ બની શકે. તમે સૂર્યને જળ ચડાવો. વિચારોમાં શુદ્ધિ આવશે.

સવાલ: તહેવારો પુરા થઇ ગયા. નવા વરસમાં નવું કાઈ લાગતું નથી. જીવનમાં ઉત્સાહ વધે એના માટે કોઈ સૂચનો આપોને.

જવાબ: બહેનશ્રી. જે છે એને જ નવી નજરે જોઈએ ને તો એ પણ નવું લાગે. નવો અભિગમ બધું જ નવું કરી આપે છે. ક્યાંક સતત નવું પામવાની દોટમાં આપણે જે છે એનો આનંદ નથી લઇ રહ્યા એવું તો નથી ને? હા, નવચેતના બધાને ગમે. અને એને પામવાથી જીવન જીવવા લાયક બને છે. ભારતીય વાસ્તુમાં ચેતનાની વાત સુંદર રીતે કહેવામાં આવી છે. સવારમાં વહેલા ઉઠી પ્રાણાયામ કરો. સૂર્યને અર્ઘ આપો. ઈશાનમાં તુલસીનું વન બનાવો. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, પાણી થી અભિષેક કરી અને ચંદનનું તિલક લગાવો. મન શાંત થશે. નવી દિશાની સુજ ઉદ્ભવશે અને જીવન વધારે સુખમય બનશે.

સુચન: કારતક મહિનામાં સાચા બ્રાહ્મણને ગમતી વસ્તુ આપવાથી અને ગમતો વ્યવહાર કરવાથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)