ભારતીય વાસ્તુને સમજવા પુરતો અભ્યાસ ખુબ જરૂરી છે. કેટલાક લોકો માટે વાસ્તુ પૂજન એ જ વાસ્તુ શાસ્ત્ર છે તો કેટલાક લોકો માને છે કે દરવાજો સાચી જગ્યાએ હોય એટલે બધું સારું થઇ જાય. કેટલાક માટે પૂર્વ અને પશ્ચિમ બંને એક જ દિશા છે તો કેટલાક માત્ર દક્ષિણ દિશાને નકારાત્મક માની ડર્યા કરે છે. જેમ કોઈ માણસને જાણતા ન હોઈએ તો એના વિશે અભિપ્રાય આપવો એ મુર્ખામી છે એવું જ કોઈ વિષયને જાણતા ન હોઈએ તો એના માટે જાણકારી હોવાનો ભ્રમ પણ ન જ રાખી શકાય. કેટલાક લોકો તો કોરોના આવ્યા પછી બધું જ ઓનલાઈન શીખી શકાય એવા ભ્રમમાં પણ હોય છે. એમાં જ તો ડોકટરો કયા સાચા અને કયા ખોટા એ જાણવું અઘરું બની જાય છે. જેટલા લોકો જાણકાર હોવાનો દાવો કરે છે એ બધાજ સાચે જ જાણકાર છે ખરા?
મિત્રો આ વિભાગ આપનો જ છે. આપના સવાલો આપ અહી જરૂર પૂછી શકો છો. નીચે જણાવેલા ઈમેઈલ પર આપના પ્રશ્નો મોકલી આપો. આ વિભાગમાં આપના પ્રશ્નોનું સમાધાન જરૂર મળશે.
સવાલ: મારે નવું ઘર લેવું છે તો એના માટે કયું દ્વાર સારું ગણાય? કઈ દિશામાં દ્વાર ન હોવું જોઈએ?
જવાબ: ભરતીય સંસ્કૃતિ સર્જનાત્મક બાબતો સાથે જોડાયેલી છે. કોઈને ડરાવવાનું કામ એના નિયમોમાં નથી. વળી એમાં વિજ્ઞાન, ગણિત, મનોવિજ્ઞાન, સમાજવિજ્ઞાન, પર્યાવરણ, વાતાવરણ જેવી ઘણીબધી બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આપણી આસપાસની દરેક વસ્તુની ઉર્જા આપણને અસર કરે છે. તેથી માત્ર દ્વારને ધ્યાનમાં રાખીને ઘર લેવું એ ખુબ અધુરી બાબત છે. જો વાસ્તુના મૂળભૂત નિયમો અને ગણિતને સમજીએ તો ચારેય મુખ્ય દિશા એટલે કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દરેક દિશામાં એક દ્વાર તો સારું છે જ. તેથી કોઈ પણ દિશાથી ગભરાવાની જરૂર નથી. માત્ર એ દ્વારનું યોગ્ય સ્થાન સમજવું જરૂરી છે.
સવાલ: હું નાના ગામડામાં ઉછરેલી છું. નાનપણમાં અમને પછાત સમજીને મોટા શહેરવાળા ગણતા નહોતા. વિવિધ લાભ મળતા હવે અમે સુખી છીએ. અમે સારી જગ્યાએ ઘર પણ બનાવ્યું. કોઈ મારી દીવાલને અડીને ઉભા રહે તો પણ મને મારા જુના દિવસો યાદ આવી જાય છે. મારો ગુસ્સો આસમાને પહોંચી જાય છે. મારા સસરા એક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા હતા. એનો લાભ લઈને હું એમને ડરાવવા પણ પ્રયત્ન કરું છુ. પણ કેટલાક લોકો મારી વાત ન માને તો મને એમના પર ગુસ્સો આવે છે. મારા પતિને કહીને એમને મારી નાખવાના વિચાર આવે છે. ક્યારેક મારી જાત પર પણ ગુસ્સો આવે છે. શું હું માનસિક રોગી છુ? હમણાં એક ટેમ્પો વાળો આવું કહી ગયો. વાત એવી છે કે એ ઘર પાસે ઉભો હતો. મને એવું લાગ્યું કે એ મને ઉપાડી જવા આવ્યો છે. મેં એને ધમકાવ્યો. અંતે બધો ગુસ્સો મારા બાળક પર નીકળે છે. શું કરવું જોઈએ?
જવાબ: સહુથી પહેલા તો તમે મહાન છો એ માન્યતામાંથી બહાર આવી જાઓ. બીજું તમને જે લોકોએ તકલીફ અઆપી એ લોકોના ગામમાં તમે હવે રહેતા નથી. કોઈ કારણસર ભારતના ઇતિહાસમાં બ્રાહ્મણોને ખરાબ ચિતરવાના કિસ્સા દેખાય છે. બની શકે એકાદ બે બ્રાહ્મણ એવા હોય. એટલે શું બધા ને ખરાબ માનવાના? કંસ ક્ષત્રીય હતો. તો શું બધા ક્ષત્રિયો પોતાના ભાણેજને માટે આવી લાગણી ધરાવે? સરદાર પટેલ જેવા પ્રભાવી પટેલ કેટલા? નથુરામ ને આદર્શ ન ગણી શકાય. ઇતિહાસમાં હોય એ માણસો આપણને ન મળે. જે મળે છે એ જુદા જ હોય. વળી તમારી ધમકી બધા જ સહન કરે એ પણ શક્ય નથી. સામાજિક સંસ્થાવાળા આતંકવાદી ન હોય. એટલે એમના નામનો ઉપયોગ કોઈને ડરાવવા માટે ન કરાય. તમારું બાળપણ ખરાબ ગયું છે. એની અસર ક્યારેક રહી જાય એવું બને. પણ એનો દોષ અન્ય જગ્યાએ રહેતા લોકોને ન જ અપાય. તમારા પતિ ગુંડા મવાલી તો નથીજ ને? અને હોય તો પણ કેટલાને મારી નાખશે? એમને શાંતિથી જીવવા દો.બાળક પર ગુસ્સો ન કઢાય. એ મોટો થયા પછી તમને આવી રીતે બોલાવશે તો તમને ગમશે? દિવાલોનો મોહ છોડી માણસોને સમજો. તમારા ભયનું કારણ ઉત્તરનો નકારાત્મક અક્ષ છે. તમારા ઘરનું મુખ્ય દ્વાર અગ્નિના નકારાત્મક ભાગમાં છે. તેથી તમે તમારો કકકો સાચો કરાવવા મથો છો. પ્રાણાયામ કરો. વધારે પાણી પીવો. રઘવાટ ઓછો કરી જીવતા શીખો.
સુચન: ગુરુવારે મુખ્ય દ્વાર પર ઉંબરો પુજ્વો જોઈએ.
(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)