શું તમને પણ કોઈના જીવનમાં સતત ડોકિયા કરવાની બિમારી છે?

તમે કોઈની બારીમાં ક્યાં સુધી ડોકિયા કરી શકો? કોઈના જીવનમાં શું થાય છે એ જોવામાં વ્યક્તિ પોતાના જીવનના ઘણા સુખ ખોઈ બેસે છે. કોઈ જરાક જોરથી બોલે અને કુતરાની માફક કાન સરવા થઇ જાય કે હવે કાંઈક ધમાલ થશે. અને એ ન થાય એટલે મનમાં વેદના થાય કે મજા ન આવી. કોઈના ઘરમાં કોઈ નવી વ્યક્તિ દેખાય અને કોણ આવ્યું એ જાણવાની તાલાવેલી જાગે. કોઈ ધીમેથી વાત કરે તો છેક દીવાલ પાસે કાન રાખીને સાંભળવાની ઈચ્છા જાગે. આ બધું જ સામાન્ય માણસ ન કરે. હા, નવું જાણવાની, શીખવાની ઈચ્છા થાય એ સારું ગણાય પણ કોઈના જીવનમાં સતત ડોકિયા કરી અને પોતાની જાતને વ્યસ્ત રાખવી એ બીમારી જ ગણાય. આવી બીમારી ક્યાંથી આવે જાણો છો? આજે એક વાચકનો સવાલ આવો જ છે. એના જવાબમાં તમને તમારો જવાબ પણ મળી જશે.

મિત્રો, આ વિભાગ આપના પોતાનો જ છે. આપ આપની સમસ્યા નીચે જણાવેલ ઈમેઈલ પર જણાવી શકશો. આપને તેનું સમાધાન ચોક્કસ મળશે.

સવાલ: મારા પાડોશી સાવ નક્કામાં છે. એ સતત મને રંજાડવા પ્રયત્ન કરે છે. એમના ઘરની બારીઓ બંધ રાખે છે. એટલે આપણને એમના ઘરમાં શું ચાલે છે એની જાણ ન થાય. ફોનમાં એટલી ધીમેથી વાત કરે કે છે દીવાલ પાસે જઈએ તો પણ ન સંભળાય. આતો રીંગ વાગે એટલે ખબર પડે કે ફોન આવ્યો. એવું તો શું ખાનગી હોય કે આટલું ધીમે બોલવું પડે? વળી ધીરુ એટલે સારું હોય એવું કોણે કહ્યું? એક બે વખત તો એમને ત્યાં કોણ આવ્યું છે એ જાણવા હું એમના ઘરે પહોંચી ગઈ પણ એમને ન ગમ્યું. એક વાર એમના ઘરે કોઈ આવ્યું હોય એવું લાગ્યું તો મેં મારી વસ્તુ એમની અગાશી પર પડી ગઈ છે એટલે લેવા જવું છે એવું બહાનું કાઢ્યું. તો લુચ્ચા લોકોએ મોઢા પર કહી દીધું કે તમારી અગાશી પરથી અમારી અગાશી પર કશું આવે એની શક્યતા જ નથી. આટલું બધું શાનું છુપાવવાનું? મોઢે સારા રહે પણ કોઈ વાતની ખબર ન પડવા દે. એમની વાતો સાંભળવા મારે દરવાજા ખુલ્લા રાખવા પડે અને મછ્છર કરડે એનું કાઈ નહિ. અને પાછા એવું માને છે કે હું બરાબર નથી. બીજા લોકો સાથે સારા છે, બસ મારી સાથે જ આવું કરે છે. કોઈ સુચન આપો જેનાથી એ લોકો સુધરી જાય.

જવાબ: તમે ખરેખર અદ્ભુત છો. તમારો અમુલ્ય સમય તમે અન્યના જીવનમાં ડોકિયા કરવામાં કાઢી નાખો છો. શું એ લોકો તમને કહે છે કે આવું કરો? મચ્છર કરડાવો, દુખી થાવ? એમના વિશે જાણીને તમને શું ફાયદો થવાનો છે? તમારે કોઈ કામ શોધી લેવાની જરૂર છે જે તમને વ્યસ્ત રાખી શકે. આમને આમતો તમે વધારે બીમાર થતા જશો. તમારા ઘરમાં ચારેય મુખ્ય અક્ષ નકારાત્મક છે જેના કારણે તમારો સ્વભાવ આવો થઇ ગયો છે. ઉત્તરમાં મોટો દોષ હોવાથી તમારું સામાજિક મહત્વ ઉભું કરવા તમે સતત ઝઝૂમ્યા કરો છો. શિવલિંગ પર દહીંમાં કાળા તલથી અભિષેક કરો. સવારે વહેલા ઉઠી પ્રાણાયામ કરો. સ્વભાવ સકારાત્મક થશે.

સવાલ: મારે એક મિત્ર છે. કદાચ એનાથી થોડું વધારે. પણ અમારી વચ્ચે શારીરિક સંબંધો નથી. એક બીજા સાથે ફાવે છે. એક વડીલ એક વખત જોઈ ગયા. એમણે મારી પાસે અજુગતી માંગણી કરી. મેં ના પાડી તો છેડતી કરવા પ્રયત્ન કર્યો. મેં સમય સાચવી લીધો. પણ પછી એ પાછળ પડી ગયા. મને કહે કે આમેય તારે લફરું તો છે જ. તો એક વધારે. મેં જાહેરમાં ઉઘડો લીધો. હવે એ બધાને મારા વિશે ગમે તેવી વાતો કરે છે. મારો મિત્ર મને મળવા આવ્યો તો એની સાથે મારી અફવા ઉડાડી. આવા માણસથી બચવા કોઈ ઉર્જા મદદ કરી શકે?

જવાબ: તમે જે કાંઈ કર્યું એ બરાબર કર્યું. વાસનાયુક્ત માણસને પોતાની ઈચ્છા સિવાય કાઈ દેખાતું નથી. સમાજ જે સંબંધને લફરું કહે છે એ જ વ્યક્તિ સાથે લગ્ન થાય તો સ્વીકારી લે છે. નામ વિનાનો પણ સંબંધ હોઈ શકે. વળી તમને કોઈ એક વ્યક્તિ ગમે છે એટલે એ હક બધાને આપવાનો એવો કોઈ નિયમ છે ખરો? પેલો માણસ તમારા પર દબાણ લાવવા પ્રયત્ન કરે છે. એકલા બહાર ન નીકળો. સાચી વાત ઘરના કોઈ વડીલને કહી દો. એનાથી પેલાની હિંમત ઓછી થશે. યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરો. સૂર્યને અર્ઘ આપો. સકારાત્મક ઉર્જા ચોક્કસ મળશે.

સુચન: ઈશાનનો અમુક દોષ હૃદયને લગતી બીમારી આપી શકે છે.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)