નવા વર્ષમાં સંકલ્પ અને રાશિ મુજબ ભાગ્ય જગાડનાર ઉપાય

વા વર્ષે તમારી રાશિને અનુકૂળ જ્યોતિષીય ઉપાય કરીને તમે પોતાની સુખ સમૃદ્ધિમાં જ્યોતિષની મદદથી વધારો કરી શકશો. લોકો જ્યોતિષી પાસે આવીને એક પ્રશ્ન અચૂક કરતા હોય છે તે પ્રશ્ન છે જ્યોતિષીય ઉપાયનો.
શુભ કર્મોનો કોઈ બીજો ઉપાય કે રસ્તો નથી, સારા કર્મ, ધર્મ, વચન અને વિચાર તમારું ભાગ્ય જગાડે છે, અને આ ચારેય ચીજો જો બગડે તો ભાગ્ય રોળાઈ જતાં વાર નથી લાગતી.

જ્યોતિષમાં દ્વિતીય ભાવ વાણીનો ભાવ છે અને આ જ ભાવ સંપત્તિનો અને કુટુંબનો ભાવ પણ છે, માટે જ્યોતિષની દ્રષ્ટિએ વાણી અને સંપત્તિને સીધો સંબંધ છે, વાણી ઉત્ત્તમ રાખશો તો ધંધા રોજગારમાં બરકત થશે જ અને સાથોસાથ કુટુંબમાં પણ સમરસતા અને આનંદ રહેશે. લાભ ભાવએ સમાજ અને મિત્રોનો ભાવ પણ છે, માટે ઉત્તમ મિત્રો અને નાની મોટી વ્યક્તિઓને કરેલી મદદ તમારા જીવનમાં મોટા લાભ લાવે છે, આ નિયમ પણ જ્યોતિષમાં વણી લેવાયો છે. દસમો ભાવ એ કર્મનો ભાવ છે, દસમો ભાવ બળવાન હોય તો વ્યક્તિની નામના થાય છે, કાર્ય દ્વારા વ્યક્તિની પ્રશંસા થાય છે અને દસમો ભાવ એ વ્યક્તિના પગ સાથે સંબંધિત છે, માટે જો પગ દોડતાં રહેશે અને મહેનત કરતાં રહેશો તો દસમા ભાવનું ઉત્તમ ફળ પ્રાપ્ત થશે અને તમારા કાર્યોમાં સફળતા મળશે.

નવા વર્ષ દરમ્યાન તમે ઉત્તમ સંકલ્પ લઈને તમારા કાર્યમાં વધુ સફળ બની શકો છો, અનુભવ સિદ્ધ જ્યોતિષ આચાર્યો નિર્દેશિત નીચે કેટલાક ઉપાયો રાશિ અનુસાર આપવામાં આવ્યાં છે. નવા વર્ષે અનુકૂળતા મુજબ આ ઉપાય કરવાથી તમને શાંતિ અને સુખની પ્રાપ્તિ થઇ શકશે.

મેષ: ગાયને ગળી રોટલી મંગળવારે ખવડાવો, લીમડાનું વૃક્ષ વાવો, લાલ રંગનો રૂમાલ કે કપડું પોતાની પાસે રાખો, સંધ્યા સમયે ઘઉં ગોળની ચીજોનો પ્રસાદ કરવો.

વૃષભ: શુક્રવારે ઉપવાસ, દહીં, દૂધનું મંદિરમાં દાન, સરસવ, અડદનું શનિવારે દાન, ગાયની સેવા અથવા બની શકે તો ગૌ દાન.

મિથુન: પશુ પક્ષીને સહાય કરવી, જીવદયાના કાર્ય કરવા, ભીના મગ કબૂતરને ખવડાવો, ફટકડીથી દાંત સાફ કરવા।

કર્ક: માતા પાસેથી ચાંદી કે ચોખા લઈને પોતાની પાસે રાખવા, અંબાજી માતાની સેવા, ચપ્પલ વગર દેવ સ્થાનની મુલાકાત.

સિંહ: પ્રજ્ઞા ચક્ષુઓની સેવા કરવી, ભાણેજ, જમાઈને ખુશ રાખવા, રોજ સવારે ગળ્યું ખાઈને કાર્ય શરુ કરવું, તાંબાનો સિક્કો પહેરી શકાય.

કન્યા: નાની કન્યાઓ કુમારિકાઓનું પૂજન કરવું, અપશબ્દ અને અસત્ય વચનનો ત્યાગ લાભ આપે, કન્યા સંતાનને ઉપહાર વડે ખુશ કરવા.

તુલા: ગાયને લીલું ઘાસ ખવડાવવું, ગુપ્ત રીતે ગરીબોને દાન કરવું, મંદિરમાં રસોડાના સાધનનું દાન કરવું, મંદિરના રસોડામાં સહાય કરવી.

વૃશ્ચિક: હનુમાનજીને સેવા કરવી, સિંદૂર ચડાવવું, ઘરમાં લાલ રંગનો પ્રયોગ કરવો, તંદુરમાં બનાવેલ ચીજોનું દાન કરવું.

ધન: સામેથી આવતા ગરીબ વ્યક્તિને મદદ કરવી, પીળો રૂમાલ પાસે રાખવો, પીપળાની પ્રદક્ષિણા કરવી, ગુરુજનોની સેવા કરવી।

મકર: માટીના વાસણમાં મધ ભરીને ખેતરમાં દાટવું, કાળા અને વાદળી રંગના કપડાં બની શકે તો ત્યાગવા, કાગડા, ભેંસને ખોરાક આપવો.

કુંભ: મકાનની છતને સાફ રાખવી, છત પર વધુ સામાન ન હોય તો શુભ, કેસરનું તિલક કરવું, સોનું પહેરવું, જીવહત્યા રોકવી.

મીન: મંદિરમાં પૂજા કરવી કરાવવી, મંદિરમાં પૂજારીના આશીર્વાદ ફળે, પત્નીની સલાહથી કાર્ય ફળે, ગુરુવારે પીપળાનું પૂજન કરવું.

ઉપર મુજબ ઉપાય એકવાર અથવા એકથી વધુ વાર પણ કરી શકાય. બધા ઉપાય જ્યાં બીજો સમય નથી લખ્યો તે દિવસ દરમ્યાન કરવા. જ્યોતિષીય ઉપાયમાં ગ્રહો, રાશિઓ સાથે મનુષ્યના કર્મને વણી લેવાયા છે. શ્રદ્ધા અને શુભ આશય સાથે કરવામાં આવતા પૂજા કે ઉપાયોનું ફળ ઉત્તમ મળે જ છે.