સત્તા કુદરતી અને અકુદરતી શબ્દો પણ માનવ સર્જિત છે. આપણે ત્યાં છઠ્ઠીના લેખની વાત છે. વિધાતા જે લેખ લખે એ બદલાય નહિ. થોડા સમય પહેલા જ વિશ્વના ધનાઢ્ય લોકો દરિયાના પેટાળમાં ધરબાઈ ગયા. એ સાબિત કરે છે કે ધન, સંપત્તિ, સત્તા કે ઓળખાણ એ કશું જ કુદરતના નિયમ સામે ચાલતા નથી. દેવસ્થાનમાં પૈસા મુકવાથી પુજારી રિજે. શું ઈશ્વર ક્યારેય પૈસા માંગે છે? આપણે કોઈને મદદ કરીએ છીએ એ વ્યક્તિને અને એના માટેની મદદની વસ્તુની વ્યવસ્થા પણ કુદરત જ કરે છે. માણસ બંને જગ્યાએ નિમિત જ બને છે. ક્યારેક એનો હાથ ઉપર હોય છે તો ક્યારેક નીચે. આપણે જેને અકુદરતી કહીએ છીએ એનું નિર્માણ પણ કુરતી દ્રવ્યોથી જ થાય છે ને? તેથી જ કુદરત જ સર્વ શક્તિમાન છે. માણસ સતત કુદરતને નાથવા પ્રયત્ન કરે છે. પણ શું એ એમાં સફળ થઇ શક્યો છે ખરો?
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: મારા એક ઓળખીતા ખુબ જ ધનવાન છે. મેં મારી નજર સામે એમને લોકોનું ખરાબ કરતા જોયા છે. એ દેવસ્થાનોમાં લાખો રૂપિયા આપે છે. અને સામે એમને બાંહેધરી મળે છે કે એમના બધા પાપ ધોવાઈ જશે. શું આવું શક્ય છે ખરું?
જવાબ: સત્તા અને સંપત્તિ હોય તો બધું જ મળે છે એવી માન્યતા જયારે પ્રસરી રહી હોય ત્યારે લોકોના મનમાં આવા વિચારો આવે. કોઈને સદમાર્ગે પૈસા કમાવાની વાત કરીએ એના કરતા ખોટા રસ્તે પૈસા કમાઈ અને પાપ ધોઈ નાખવાના રસ્તા વધારે ગમે છે. કરુણતા એ છે કે કહેવાતા ધર્માધિકારીઓ જ આવી વાતો કરે છે. ધર્મ માનવ લક્ષી નિયમો દર્શાવે છે. નહિ કે અન્યનું ખરાબ કર્યા બાદ પોતાના કર્મોને ધોવાની વાત કરે છે. વળી કર્મ એ કાઈ કાપડ થોડા છે કે એ ધોવાઈ જાય? ભોગ લગાવવાથી કે ચાદર ચડાવવાથી મનને સારું લાગે. આપણે ધરાવેલો ભોગ ઈશ્વર ખાય છે ખરા? એ તો પુજારી ખાય છે. શું કોઈ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે ઈશ્વર પૈસા માંગે છે. જેણે આખી સૃષ્ટી બનાવી છે એને વળી અન્ય પાસેથી લેવાની ક્યાં જરૂર છે? આ બધી મનને મનાવવાની વાતો છે. જે લોકો ઈશ્વરને સમજતા નથી એ જ ઈશ્વરને ખરીદવાની વાતો કરી શકે. કર્મનો સિદ્ધાંત એની જગ્યાએ કામ કરે જ છે. આપ યુવાન છો. વિશ્વનું ભવિષ્ય યુવાનોના હાથમાં જ છે. ધર્મ એ કર્મ સાથે જોડાયેલ છે એ સમજવું જરૂરી છે. વળી સત્તા અને સંપતિ બંને મૃત્યુથી બચાવી નહિ શકે. એ સમજણ જયારે આવે છે ત્યારે જ જીવવાના નિયમો સમજાય છે. આપ શિવપૂજા અને ગાયત્રી પૂજા કરો. આંતરિક શક્તિનો વિકાસ જરૂર થશે.
સવાલ: હું એક મોટી અને જાણીતી સોસાયટીમાં રહું છું. અમારી સોસાયટીમાં એક બ્રાહ્મણ રહે છે. એ એવું માને છે કે એ જગતનો ઉદ્ધાર કરવા સક્ષમ છે. ક્યારેક અમે પણ અનુભવ્યું છે કે એનામાં કોઈ એવી શક્તિ છે જેના કારણે કોઈ એનું ખરાબ કરે તો જે તે વ્યક્તિને તકલીફ પડે છે. એ થોડા સમય માટે બહાર ગયા હતા ત્યારે અમે ખુબ હેરાન થયા હતા. એ લાંબા સમય સુધી પૂજા કરે છે. વળી ક્યારેક એવી પોસ્ટ મુકે છે જે વાંચીને પોતાની જાત માટે નફરત થઇ જાય. એ એવું માને છે કે નીતિથી જીવવું જોઈએ. જો રાજકારણ ન કરીએ તો જીવાય કેવી રીતે? વળી સોસાયટીના પ્રશ્નો દર્શાવીને ડરાવે છે. જે થવાનું હશે ત્યારે થશે જ. એના માટે ચેતવણીઓ આપવાની ક્યાં જરૂર છે? એક દિવસ બધાએ મરવાનું છે એ બધાને ખબર છે. તો પછી ચેતવણી આપીને ઉશ્કેરવાની ક્યાં જરૂર છે? મને તો લાગે છે કે એને આવતા ઇલેકશનમાં ઉભા રહીને સોસાયટી પચાવી પાડવી છે. આ માણસ કોઈની સાથે વાત પણ નથી કરતો. પણ અમને એનો બહુ ડર લાગે છે. શું કરી શકાય? મને વાસ્તુ વિષે જાણવામાં રસ છે. પણ હું શ્રેષ્ઠ છું. એટલે કોઈ ઉપાયની મને જરૂર લાગતી નથી. પેલા ભાઈ માટે કોઈ સુચન હોય તો જણાવશો.
જવાબ: તમે સાચે જ બહુ નકારાત્મક વિચારો ધરાવો છો. જો કે સત્ય બધા નથી સમજી શકતા. સહુથી પહેલા તો વધારે પડતું વિચારવાનું બંધ કરો. કોઈ શું વિચારે છે એ પણ તમારે વિચારવાનું? સાચા માણસને રંજાડવામાં આવે તો કુદરત એના પરિણામો દેખાડે છે. જે માણસ કોઈને મળતો પણ નથી એ ચૂંટણીમાં ભાગ લેશે? એને તમારા લોકોની ભલાઈમાં રસ છે અને તમે એને દુશ્મન માની બેઠા છો. હકીકતોને સ્વીકારતા શીખો. કાલ્પનિક ભય માંથી બહાર આવો. ભયભીત માનસના લીધે જ માનવ જાતિએ મોટાભાગના નકારાત્મક નિર્ણયો લીધા છે. તમને પોતાની જાત માટે શરમ આવે એવું કામ કરો છો જ શું કામ? વળી રાજકારણ વિના ન જીવાય? જીવવા માટે રાજકારણ જરૂરી છે એવું ક્યાં લખ્યું છે? આપ જીવનને સમજી જ નથી શક્યા. જીવનમાંથી રાજકારણ કાઢીને એકાદ દિવસ જીવી જુઓ. પરિવાર અને લાગણીઓ વિશેની સાચી સમજણ આવી જશે. જો મૃત્યુ નિશ્ચિત છે એવી સમજણ છે તો શું આપ તત્કાલ મૃત્યુ ઈચ્છશો? કોઈ ન ઈચ્છે. કોઈ સારા ભાવથી ચેતવણી આપે તો એને દુશ્મન ન માની શકાય. તમે નસીબદાર છો કે કોઈ તમને ચેતવે છે. સાચે જ તમારી દયા આવે છે. તમારા ઘરનું મુખ્ય દ્વાર નૈરુત્ય દક્ષિણમાં છે. અને અગ્નિમાં દેવસ્થાન છે. ઉત્તરમાં ટોઇલેટ છે અને દક્ષિણમાં રસોઈઘર છે. આ બધીજ બાબતોના લીધે આપ આવા વિચારો ધરાવો છો. આપણે કોઈ સૂચનની જરૂર નથી. એ સારી વાત છે. આ બધું કાર્મિક હોય છે. પેલા ભાઈ માટે એક જ સુચન છે કે સુપાત્રને દાન આપવું જોઈએ. સિંહણનું દૂધ સુવર્ણના પાત્રમાં જ ટકી શકે. ગમે તેને સાચી સલાહ આપીને સમય અને ઉર્જાનો બગાડ ન કરાય.
આજનું સુચન: સપ્ત્પરણી અને કોનોકાર્પસના વૃક્ષ શ્વસનતંત્ર માટે હાનીકારક છે. તેથી એ ન વાવવા જોઈએ. જો કોઈ કારણથી એ વાવી દેવામાં આવ્યા હોય તો વડ, પીપળો, લીમડો જેવા વૃક્ષો વાવીને આ વૃક્ષો કાઢી નાંખવા જોઈએ. માણસ હોય કે વૃક્ષ બંને નકારાત્મક હોય તો એનાથી દુર થઇ જવું જોઈએ.
(આપના સવાલો મોકલી આપો Emai: vastunirmaan@gmail.com)