વાસ્તુ: વાયવ્યમાં દ્વાર સંતાનની ચિંતા કરાવે

લોખંડ પારસમણીને સ્પર્શે તો શું થાય? સામાન્ય જવાબ એવો જ મળે કે એ સુવર્ણ બની જાય. પણ શું ક્યારેય એવું બને છે કે લોખંડ પારસમણી જ બની જાય? એવું નથી બનતું. આ લોખંડમાં ક્ષમતાનો અભાવ છે એટલે થાય છે કે પછી પારસમણી એવું કરવામાં નિષ્ફળ રહે છે? મોટાભાગે આપણે જેમને પારસમણી માનીએ છીએ એવા લોકો પોતાનું કામ માત્ર સુવર્ણ બનાવવાનું છે એવું માનીને સંતોષ માની લે છે. એક પારસમણી પોતાના જેવા અનેક પારસમણી બનાવવા સક્ષમ થઇ જાય તો? એ વિચાર જ કેટલો અદ્ભુત છે? પણ પછી પારસમણીના અસ્તિત્વનું શું? શું એટલે જ એ માત્ર પોતાનું હુનર બતાવીને અટકી જાય છે? લોખંડને તો પરિવર્તિત જ થવાનું છે. શું માત્ર સુવર્ણમાં પરિવર્તિત થઇ અને એણે રાજી થવું જોઈએ? જો એનામાં અન્યને સકારાત્મકતા આપવાની ક્ષમતા નથી તો પછી લોખંડ અને સુવર્ણમાં ફર્ક શું? અંતે તો બંને ધાતુ જ છે ને?

અન્યના જીવનમાં સકારાત્મકતા લાવવાની ઈચ્છા ગુરુભાવથી આવે. હા, પેલા ટોળા ભેગા કરીને વાહવાહ ભેગી કરવા વાળા ગુરુ નહિ. સાચા ગુરુ. સકારાત્મક ગુરુ. મોર્ડન ગુરુના નામે દારૂ પિતા કે વૈભવી જીવન જીવતા ગુરુ નહિ, પણ અન્ય માટે જીવતા ગુરુ. આવો ભાવ આવે છે ઈશાનની સકારાત્મકતા થી.

મિત્રો, આપને પણ કોઈ સમસ્યા હોય કે સવાલ હોય તો આપ પણ નીચે દર્શાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: મારા બહેનના એક ગુરુ છે. મોટી મોટી સભાઓ કરે અને એ આવું કહે છે કે મારા માટે બધા સમાન છે. એટલે દરેક ભક્તે ફરજીયાત પાંચ હજાર રૂપિયા દાનમાં આપવાના. બાર મહિનાના 60,000 થઇ જાય. વળી એમના ચરણસ્પર્શ માટે બોલી લાગે. એટલે અમારા જેવાનું તો કામ જ નહિ. એમને માત્ર મોટા સ્ક્રીન પર જોવાના આટલા બધા રૂપિયા થોડા હોય. મારી બહેન સમજતી નથી. એટલે અમારે પણ ઘસારો વેઠવો પડે છે. કોઈ મહોત્સવ હોય એટલે નોકરીમાં રજા મુકીને મદદ કરવા જવાનું. જો ના જઈએ તો મોક્ષ નહિ મળે એવી ધમકી મળે. શું આવા ગુરુ હોય? આમાંથી છુટવા શું કરવું કોઈએ?

જવાબ: આપની વેદના હું સમજી શકું છું. મોક્ષ ન આપનાર વ્યક્તિ પોતાને મોક્ષ મળશે જ એવી ગેરન્ટી આપી શકશે ખરા? મૃત્યુ પછી વ્યક્તિનું શું થશે એ કોઈને ખબર નથી. તમે સત્કર્મોમાં વિશ્વાસ રાખો છો એ સારું છે. આવા ગુરુ ન હોય. જે પોતાના સ્વાર્થ માટે સંપ્રદાય ઉભો કરે. જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. ઈશ્વરમાં શ્રદ્ધા રાખો. ગુરુ વિના જ્ઞાન ન મળે એ વાત ખોટી છે. આપણા ઇતિહાસમાં ધ્રુવ જેવા અનેક સંતો છે જેમણે સ્વ થકી ઈશ્વરની પ્રાપ્તિ કરી હતી. આપણી અંદર જે આત્મા છે એ પરમાત્માનો અંશ છે. જો આત્મા અને પરમાત્માને એકતાર કરવા છે તો એમાં અન્યની ક્યાં જરૂર છે? અને એ પણ ન મળવાના પૈસા આપીને? તમારા બહેનના ઘરમાં વાયવ્ય, નૈરુત્ય, અગ્નિ અને ઉત્તરનો દોષ છે. આ જ કારણથી એ ભૌતિકતાથી અંજાઈને પોતે તો દોડી રહ્યા છે પણ અન્યને પણ દોડાવે છે. એમને ગાયત્રી પૂજા અને શિવપૂજા કરવાનું કહો. કોઈ સાચા બ્રાહ્મણને મનગમતી ભેટ આપો. કુવારીકાને અભ્યાસમાં સહાય કરો. ચોક્કસ સકારાત્મકતા આવશે.

સવાલ: મારો દીકરો એની પત્નીને સમય જ નથી આપતો. એમને બાળકો નથી. કોઈ ઉપાય આપશો.

જવાબ: જયારે ઉત્તર અને ઉત્તર-દક્ષિણના અક્ષથી બનતો ટી નકારાત્મક હોય ત્યારે આવું થવાની સંભાવના ઉભી થાય. આપનો દીકરો વધારે પડતો મહત્વકાંક્ષી થઈ ગયો હોય એવું બને. વળી આપના ઘરનું દ્વાર વાયવ્યમાં છે. જે સંતાનની ચિંતા કરાવે. આ ઉપરાંત આપના જીવનમાં અનુકુલન પણ નહિ હોય. ભૌતિકતાની દોટ ક્યારેક એવા મુકામ પર પહોંચાડે છે જે યોગ્ય નથી હોતા. આપની પુત્રવધુને શ્રાવણ મહિના દરમિયાન શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ગાયનું ઘી, ચોખા અને ચંદનથી અભિષેક કરવા કહો. જો એ લોકો માંસાહાર કે વ્યસન કરતા હોય તો એ બંધ કરાવો. તમારા કુટુંબમાં કોઈએ સાચા બ્રાહ્મણનું અપમાન કર્યું છે. એની માફી માંગી અને સન્માન આપો. એમના બાળકોને ગમતી ભેટ આપો. આપણી સંસ્કૃતિ કર્મની છે. કોઈ સાચી વ્યક્તિને દુઃખ આપ્યા બાદ માત્ર પૈસા ખર્ચીને સુખી ક્યારેય નથી થવાતું.

સુચન: શ્રાવણ મહિના દરમિયાન યોગ્ય રીતે શિવ અભિષેક કરવાથી સકારાત્મકતા પ્રાપ્ત થાય છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)