બંધબેસતી પાઘડી પહેરી થતી ચિંતાનું આ છે કારણ…

“હાય હાય. કેટલા લોકો મરી ગયાં? આવું તો કઈ ચાલતું હશે? બધે બસ આવું જ ચાલે છે. સારું છે આપણાં છોકરા મોટાં થઇ ગયાં બાકી આજે આપણે પણ રોતાં હોત.” “ જોયું? જુવાનજોધ છોકરી કચડાઈ ગઈ. આ ડમ્પર તો ગામમાં ફરવા જ ન જોઈએ. કેવી ખરાબ રીતે ચલાવે છે?” જયારે દક્ષિણનો અક્ષ નકારાત્મક હોય ત્યારે માણસને કોઈ પણ બાબતમાં પોતાની જાતને જોડીને ચિંતા કરવાનું ગમે. કોઈને કેન્સર હોય તો પોતાને તો નહીં હોય ને? એવો વિચાર આવે. જરાક પેટમાં દુખેને કિડનીની તકલીફ તો નહિ હોય ને? એવો પણ વિચાર આવે. એમાં પણ જો નૈરુત્યના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક હોય તો ચિંતા કરવી તે વ્યક્તિનો ગુણધર્મ બની જાય. બસ વિષય મળે અને ચિંતા કરવાની શરુ.

 

હરિયાણાના એક બહેન જાણે સમાચાર પત્ર હોય તેમ ઘરેઘરે જઈને ચિંતાઓનો પ્રસાર કરતા. “ચુંટણી આવે છે. ધ્યાન રાખજો. પેલા દેશમાં ચુંટણી થઇ ત્યારે કેવું થયું હતું? મારે શું? મારેતો કહેવાની ફરજ હતી.” જેવી વાતો થી પોતેતો દુખી થયાજ પણ વાયરસની માફક તેમની ચિંતાઓને ફેલાવી દે. તેમના આવા સ્વભાવથી ઘરના બધા દુખી થાય પણ એમને રોકી ન શકાય. કોઈ ટોકે તો કહે “ મારે શું?” પણ તોયે પાછા નવી ચિંતાઓનો ખજાનો લઈને આવીજ જાય. પશ્ચિમ માં પશ્ચિમ મુખી પૂજા હોય ત્યારે પણ વ્યક્તિનું શુશુપ્ત મગજ સતત કાર્યશીલ રહે અને તેમને વિચારો બંધ ન થાય. રાત્રીના સમયે આ મગજ શાંત રહે તે જરૂરી છે. એ વાત સાચી કે મગજને થાક નથી લાગતો પણ નકારાત્મક વિચારો શરીર અને મનની ઉર્જા ઓછી તો કરે જ છે.

કેટલાક લોકોને કારણ વિનાની ચર્ચાઓ કરવી ગમે. “ જોજો ધોની વિના નહિ ચાલે. એના રીટાયર થવા પાછળ કોઈ મોટું રહસ્ય હશે! મનેતો ગાવસ્કર વખતે પણ એવુજ લાગતું હતું.” “ બાજુ વાળનું ઘર દરરોજ બપોરે બંધ રહે છે. જરૂર કૈક હશે.” “ પેલા ભાઈ દેખાતા નથી. ઘર છોડીને જતાતો નહીં રહ્યા હોય ને?” તેમને કોઈપણ વિષયમાં વાત કરવા જોઈએ. તે વાતના પ્રત્યાઘાત વિષે તેમને પડી ન હોય. ઘણી વાર સામાન્ય લગતી આ પ્રકારની ચર્ચા માણસને મોટી તકલીફમાં મૂકી દે છે.જયારે નૈરુત્યથી વાયવ્યની વચે મોટા દોષ હોય ત્યારે કોર્ટ કચેરી થવાની સંભાવના વધે છે. જો વાયવ્યમાં મોટો દોષ હોય તો હારી પણ જવાય તેવું બને. તેથી આ પ્રકારના ઘરમાં રહેતી વ્યક્તિઓએ વાણી વ્યવહારમાં ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે. નૈરુત્યમાં પ્લોટ અથવા મકાન માં અમુક પ્રકારનો ત્રાંસ હોય ત્યારે કોર્ટ કચેરી કે લડવા ઝગડવાનું થાય. જો આવા ઘરમાં રહેતી વ્યક્તિ કરના વિનાની વાતો કરવા ટેવાયેલી હોય તો તેની નકારાત્મક અસરો વિચારી શકાય તેવી છે. વરસો પહેલા એક ગુનાહમાં પોતે ગુનેહગારને જોયો છે તેવી માત્ર મજાક કરનાર વ્યક્તિને પણ ખરાબ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

“ જે કોઈની સાથે ન થાય તે આની સાથે થાય.” આવું ઘણા લોકો માટે સાંભળવા મળતું હોય છે. તેના વિવિધ કારણોમાં એક કારણ બોલકો સ્વભાવ પણ ગણાય. કારણકે તે પોતાની બધીજ વાતો બધાને કહેતા હોય છે. એટલુજ નહિ. બીજાની જે પણ વાત ખબર હોય તે પણ બધાને કહેતા હોય છે. જેના પરિણામ સ્વરૂપ તેમના દુશ્મનો તેમને ખબર પણ ન હોય તે રીતે ઉભા થઇ જતા હોય છે. સૌરાષ્ટ્રમાં એક ભાઈ ખુબજ જ્ઞાની. પણ જો તેમની સાથે વધારે વાર બેસો તો જાણે ન્યૂસ ચેનલ હોય તેમ બધાની બધીજ વાતો કરવા લાગે. તેમને તેમના જ્ઞાનથી પ્રભાવિત લોકો મળવા આવતા તેના બદલે હવે ટાઇમ પાસ કરવા આવવા વાળા વધવા લાગ્યા. તેમના ઘરમાં વાયવ્યનો અક્ષ અને બ્રહ્મનો દોષ હતો.

ઇશાન હકારાત્મક હોવાથી જ્ઞાન વધારે હતું. પણ અન્ય જગ્યાની નકારાત્મકતા તેમને તેમના જ્ઞાનના પ્રમાણમાં સન્માન અપાવી શકતી ન હતી. ક્યારેક આવી વ્યક્તિઓને મારી સાથેજ કેમ આવું થાય છે તેવો વિચાર પણ આવે, જયારે બ્રહ્મ નકારાત્મક હોય ત્યારે વ્યક્તિને પોતાની ભૂલો પાછળ ના કારણો શોધવામાં તકલીફ પડતી હોય છે. માત્ર બોલવું તે જરૂરી નથી. ક્યારે અને શું બોલવું તે પણ જરૂરી છે. જો આ એક વાત માણસની સમજમાં આવી જાય તો તેની ઘણી બધી સમસ્યાઓ નું નિરાકરણ આવી જાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]