જેવો ચંદ્ર તેવો જાતકનો અભ્યાસ.. દુર્લભ ઉપાય

ન્મકુંડળીમાં ઉદિત લગ્ન, ચંદ્ર અને સૂર્ય આ ત્રણેયની સ્થિતિ એ જન્મકુંડળીનો પાયો છે. ઉદિત લગ્નનો સ્વામી ગ્રહ અને ચંદ્ર બંને બળવાન હોય તો જન્મકુંડળીમાં શુભતા ઓર વધી જાય છે. વિશોત્તરી મહાદશા ચંદ્રની નક્ષત્રમાં સ્થિતિને લઈને જ ગણવામાં આવે છે. નબળો કે દૂષિત ચંદ્ર એ આત્મવિશ્વાસનો અભાવ, સંકુચિત મન અને સંકલ્પ શક્તિનો અભાવ સૂચવે છે.

માણસની બુદ્ધિ શક્તિ બુધ વડે જોવાય છે, બુધ જો મંગળ કે ચંદ્ર સાથે હોય અર્થાત તેના દુશ્મન ગ્રહો સાથે હોય તો અભ્યાસમાં વારંવાર વિઘ્નો આવે છે. ગુરુ બળવાન હોય તો માણસને ઉચ્ચ હોદ્દો અને નસીબનો સાથ મળે છે. ગુરુએ જ્ઞાનનો કારક છે. બુધને અભ્યાસ સાથે વધુ લેવાદેવા છે. પણ આજે આપણે જે રહસ્યની વાત કરવાના છીએ તે ચંદ્ર આધારિત છે, લાલકિતાબમાં ચંદ્રને અભ્યાસ સાથે જોડવામાં આવ્યો છે. જેવો ચંદ્ર તેવો જાતકનો અભ્યાસ. આપણે જાણીએ જ છીએ કે ચંદ્ર તેના દુશ્મન ગ્રહોની રાશિઓમાં નબળો હોય છે, વૃશ્ચિક રાશિમાં ચંદ્ર નીચનો થઇ ક્ષીણ કહેવાય છે.પહેલે ચંદ્ર જો શુભ રાશિઓમાં હોય તો જાતકને તેના અભ્યાસનો પૂરતો ન્યાય મળે છે. પહેલે ચંદ્ર જો શનિ કે બુધ વડે દ્રષ્ટ ન હોય તો જાતક ગમે તે અભ્યાસ કરે પણ તેને અભ્યાસનું પૂરતું વળતર મળે છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે સામાન્ય અભ્યાસ કરેલ વ્યક્તિ પણ સારા હોદ્દા પર સારી જગ્યાએ નોકરી કરતી હોય છે, આ પ્રકારના દાખલામાં ચંદ્રની સ્થિતિ જોશો તો તમને ચંદ્ર ચોક્કસ બળવાન મળશે. અહી ચંદ્રને બળ આપવા લાલ રંગની ચીજો પોતાની સાથે રાખવી.

બીજે ચંદ્ર માટે વિદ્વાનોએ ચંદ્રને લગતા વ્યવસાય શુભ ગણ્યાં છે પણ નેગેટિવ બાજુ જોઈએ તો આ ચંદ્ર જો નીચ રાશિનો હશે તો કુટુંબમાં વિખવાદ પણ આજ વ્યક્તિના લીધે થયેલ હશે. અભ્યાસ માટે અહી શુભ રાશિનો ચંદ્ર ખૂબ ઉમદા ફળ આપે છે. જાતકને અભ્યાસ બાદ તરત નોકરી મળે છે. બીજે ચંદ્રની સ્થિતિમાં નોકરીના લીધે પણ માણસ અમીર બની શકે, નોકરીમાં પણ ખૂબ પૈસા કમાનાર લોકોની જન્મકુંડળીમાં બીજે ચંદ્રની સ્થિતિ હોય છે. બીજે ચંદ્ર હોય તો, મંદિરમાં દૂધનું દાન અને ચોખાને ચાંદીની ડબ્બીમાં ઘરમાં મૂકી રાખવાથી શુભ પરિણામો મળશે.

ત્રીજા ભાવે ચંદ્ર બુધના ઘરનો કહેવાય છે, ત્રીજે રહેલો ચંદ્ર જાતકને અભ્યાસ તો આપે છે પણ તે અભ્યાસની બજારમાં કીમત કોઈ કરતું નથી. બીજા અર્થમાં જાતકનો અભ્યાસ સારો હશે પણ તેની કદર નહીં થાય. સૂર્ય કે ચંદ્રની ચીજોનું દાન કરવું તેમને લાભ આપે. ચોથે ચંદ્ર ખૂબ જ શુભ છે, ચોથા ભાવે રાત્રિનો સમય આવે છે, કાલપુરુષની કુંડળીમાં આ ભાવે કર્ક રાશિ સમાય છે. અહી ચંદ્ર જાતકને ઉચ્ચ અભ્યાસમાં સફળતા આપે છે, જે લોકો પીએચડી સુધી ભણે છે અથવા તો તેમની સફળતા પાછળ માતાનો ખૂબ ફાળો હોય છે તેવા લોકોની કુંડળીમાં ચોથા ભાવે ચંદ્રની સ્થિતિ જોવા મળશે. ચોથે ચંદ્રની સ્થિતિમાં અભ્યાસ દરમ્યાન દૈવીય સહાય મળે છે તો બીજા અર્થમાં વિદ્યાની પ્રાપ્તિ એક દૈવીય કૃપાની જેમ થાય છે, શરત છે ચંદ્ર ચોથે અશુભ રાશિ કે શનિથી અશુભ ના થવો જોઈએ. ચોથે ચંદ્રવાળા જાતકે દૂધનો વેપાર ન કરવો, અન્યથા ચંદ્રનું ફળ દૂષિત થશે.

પાંચમે અને છઠે ભાવે ચંદ્ર અભ્યાસમાં મધ્યમ ફળદાયી કહેવાય છે. પાંચમું સ્થાન લાગણી, પ્રેમ અને વિદ્યાનું છે પણ ચંદ્ર સ્વભાવે ઠંડો ગ્રહ સૂર્યના ઘરમાં આવીને મેળ પામતો નથી માટે આ ચંદ્રનું ફળ મધ્યમ ફળદાયી છે, શુભ રાશિમાં બેશક આ ચંદ્ર ઉત્તમ ફળ પણ આપી શકે. છઠે ચંદ્ર બુધ અને કેતુના ઘરનો હોઈ ફળ આપવા સમર્થ નથી. જાતકને અભ્યાસ દરમિયાન ઘણી મહેનત પડે છે, પોતાને ગમતી લાઈન કે કારકિર્દી તેની માટે સપનું બની રહે છે. જે લોકો પોતાના અભ્યાસ બાબતે હંમેશા વ્યથિત રહેતાં હોય છે તેમની કુંડળીમાં છઠે ચંદ્ર હોઈ શકે. તેઓને કારકિર્દીના મહત્વના તબક્કે કોઈને કોઈ તકલીફ આવી પડે છે, તે શારીરિક કે સામાજિક પણ હોઈ શકે. સપ્તમ ભાવે ચંદ્ર ન શુભ ન અશુભ છે. સપ્તમ ચંદ્ર કારકિર્દી વિષયક અભ્યાસનું સૂચન કરે છે. પાંચમે ચંદ્રની સ્થિતિમાં ચોખા નદીમાં વહેતાં કરવાથી અને છઠા ચંદ્રની સ્થિતિમાં હોસ્પિટલમાં જલપાનની વ્યવસ્થા કરવાથી દોષમાં રાહત મળી શકે.

આઠમાં ભાવે કાલપુરુષની કુંડળીમાં વૃશ્ચિક રાશિ આવે છે, વૃશ્ચિક રાશિમાં ચંદ્ર નીચસ્થ બને છે. ચંદ્ર આઠમે હોય તો તેનું ફળ ખૂબ જ તકલીફદાયી હોય છે. માતા ઉપર કષ્ટ અને અભ્યાસમાં પણ રુકાવટ તેના ફળ છે. અહી ચંદ્ર જો શત્રુ રાશિમાં એટલે શનિ અને બુધની રાશિમાં હોય તો જાતકનો અભ્યાસ પૂર્ણ થવામાં પણ શંકા થાય છે. આઠમે ચંદ્ર હોય તો સોનામાં મોતીનો નંગ પહેરવાથી દોષમાં શાંતિ થઇ શકે. નવમે ચંદ્ર શુભ રાશિમાં વ્યક્તિને ખૂબ પ્રસિદ્ધિ અપાવે છે, આવી વ્યક્તિઓ પોતાની આવડતને લીધે અને અભ્યાસને લીધે ખૂબ નામ કમાય છે, રાજદ્વાર સુધી તેમની ઓળખાણ હોય છે. નવમે ચંદ્રની સ્થિતિમાં કોઈ ઉપાય કરવાની જરૂર નથી, તે સ્વયં શુભ છે. દસમે ચંદ્ર શનિના ઘરનો થયો એટલે અહી ચંદ્ર જો અશુભ રાશિમાં આવી જાય તો તેનું ફળ બે ગણું ખરાબ થઇ જાય છે. દસમે ચંદ્ર હોતાં જાતકનો અભ્યાસ ખૂબ નબળો અને મુશ્કેલીથી પૂર્ણ થતો હોય છે. દસમે ચંદ્ર હોય તેના ઉપાય માટે ચોખાને દૂધથી ધોઈને સોમવારે વહેતાં પાણીમાં પ્રવાહિત કરવા જોઈએ.

લાભ ભાવે અને બારમાં ભાવે ચંદ્રને મધ્યમ ગણ્યો છે, લાભ ભાવે શનિનું ઘર હોઈ અહી ચંદ્ર પીડિત રહે છે. લાભ ભાવે ચંદ્ર હોય તો તેના ઉપાય માટે અને ધનલાભ માટે ચાંદીમાં ચંદ્રનો મોતી છેલ્લી આંગળીએ ધારણ કરવો જોઈએ. બારમાં ભાવે ચંદ્ર માનસિક વ્યથાઓ અને બેકાબૂ મન આપે છે, જાતકને ઊંઘ આવે છે પણ ડર અને ખોટા વિચારોથી ત્રસ્ત રહેવું પડે છે. બારમે ચંદ્રવાળા જાતકોને જો જીવનની શરુઆતે દિશા ના મળે તો અભ્યાસકાળથી ચાલુ થયેલ તકલીફ આજીવન તેમનો પીછો કરે છે. આપણે સદી ગુજરાતી ભાષામાં જેને જીવનમાં ‘સેટ’ થવું કહીએ છીએ તે તેમના જીવનમાં જલદી આવતું નથી. અગિયારમે કે બારમે ચંદ્ર હોય તો જાતકે જીવનની શરૂઆતમાં જ પોતાના અભ્યાસની દિશા નક્કી કરી લેવી જોઈએ. બારમાં ચંદ્રની સ્થિતિમાં જાતકે દરેક વરસાદે, વરસાદનું પાણી એક વાસણમાં લઈને પોતાના અભ્યાસના સ્થળે કે કબાટમાં કાયમ મૂકી રાખવું. સાદો લાગતો આ ઉપાય ખૂબ કારગર છે તેવું અમારા જ્યોતિષમિત્રોએ નોંધ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]