રાજ્યસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપના ચારેય ઉમેદવારો બિન હરીફ

ગાંધીનગર: ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ગુજરાતની ચાર બેઠકો માટે રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર, જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારીયા સત્તાવાર રીતે બિન હરીફ જાહેર કરવામાં આવ્યા છે. જેથી હવે 18 જૂને યોજાનારી રાજ્યસભા ચૂંટણી ગુજરાતમાં નહીં યોજાય. હાલ ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ 161 જેટલું છે અને કોંગ્રેસનું 12 તેમજ AAPનું 5 જેટલું જ સંખ્યાબળ હોવાથી એક પણ વિપક્ષી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યો નથી. જેથી ચૂંટણી પંચે ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવારોને બિન હરીફ જાહેર કર્યા છે.

કોણ છે રાજ્યસભાના બિન હરીફ ચારેય ઉમેદવારો?

મુકેશ રાઠવા: ભાજપ મહામંત્રી, પૂર્વ છોટા ઉદેપુર યુવા મોરચા જિલ્લા પ્રમુખ, પૂર્વ ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ

જીતેન્દ્ર કણઝારીયા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના અગ્રણી નેતા અને કાર્યકર, જિલ્લા પંચાયતની પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન, ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર

માનસિંહ પરમાર: ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ

રાજેશ શુક્લા: કડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, કડી-કલોલ ભાજપના કાર્યકર, સુરેન્દ્રનગર પ્રભારી

ગુજરાતમાંથી રાજ્યસભાના કોંગ્રેસના એકમાત્ર સાંસદ અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ 21 જૂનના રોજ પૂરો થઈ રહ્યો છે. પરિણામે, જૂન મહિના પછી રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ જશે.