એશિયા કપમાં ફખર ઝમાનથી સંભાળવાની ભારતને માઈક હસીની સલાહ

સિડની – ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન માઈક હસીએ ભારતના બોલરોને સલાહ આપી છે કે આગામી એશિયા કપ સ્પર્ધામાં તમે બોલની પેસને ચેન્જ કરતા રહીને પાકિસ્તાનના ઓપનર ફખર ઝમાનને અંકુશમાં રાખજો.

એશિયા કપ સ્પર્ધાનો આવતી 19 સપ્ટેંબરથી દુબઈમાં આરંભ થવાનો છે.

ગઈ વેળાનું ચેમ્પિયન ભારત 19 સપ્ટેંબરે પાકિસ્તાન સામે રમશે. જોકે એના આગલા દિવસે ભારતનો મુકાબલો ક્વોલિફાયર ટીમ સામે થશે.

સ્પર્ધા 15-28 સપ્ટેંબર સુધી રમાશે. સ્પર્ધામાં ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન રમશે. અન્ય એક ટીમની પસંદગી યૂએઈ, સિંગાપોર, ઓમાન, નેપાલ, મલેશિયા, હોંગ કોંગમાંથી કરવામાં આવશે.

ગ્રુપ-Aમાં ભારત, પાકિસ્તાન અને ક્વોલિફાયર ટીમ છે.

ગ્રુપ-Bમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે.

બંને ગ્રુપમાંથી ટોચની બે ટીમ સુપર-4 રાઉન્ડ માટે ક્વોલિફાય થશે અને એમાંથી ટોચની બે ટીમ વચ્ચે 28 સપ્ટેંબરે ફાઈનલ મેચ રમાશે.

ફખર ઝમાન હાલ જોરદાર ફોર્મમાં છે. વન-ડે ક્રિકેટમાં ડબલ સેન્ચુરી ફટકારનાર એ વિશ્વનો છઠ્ઠો અને પહેલો પાકિસ્તાની બેટ્સમેન બન્યો છે. હાલમાં ઝિમ્બાબ્વે સામે બુલાવેયો ખાતેની ચોથી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં એણે 156 બોલમાં 210 રન ફટકાર્યા હતા અને નોટઆઉટ રહ્યો હતો.

વન-ડે ક્રિકેટમાં એ સૌથી ઝડપે 1000 રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો છે. આમાં એણે વેસ્ટ ઈન્ડિઝના સર વિવિયન રિચર્ડ્સને પાછળ રાખી દીધા છે.

ઓસ્ટ્રેલિયા વતી 79 ટેસ્ટ અને 185 વન-ડે મેચો રમી ચૂકેલા હસીએ કહ્યું છે કે ભારતના બોલરોએ ઝમાનને આઉટ કરવા માટે ખૂબ જ શિસ્તબદ્ધ બોલિંગ કરવી પડશે.

ઝમાન સામે ભારતીય બોલરો માટે હસીએ આવા કંઈક આવા પ્લાનની સલાહ આપી છેઃ ‘તમારે સરસ ટાઈટ લાઈન એન્ડ લેંગ્થ જાળવી રાખવી. ખૂબ જ શિસ્તબદ્ધ રીતે બોલિંગ કરી એની પર દબાણ જાળવી રાખવું. વધારે ડોટ બોલ્સ નાખતા રહીને એની પર દબાણ વધારજો. એને દાવના આરંભમાં મોટા ફટકા મારવા માટે લલચાવજો.’

ભૂતપૂર્વ ડાબોડી બેટ્સમેન હસી હાલ સ્ટાર સ્પોર્ટ્સના કોમેન્ટેટર છે. એમનું માનવું છે કે ડાબોડી બેટ્સમેન ઝમાન એકદમ એટેકિંગ બેટ્સમેન છે. ઝમાને ગયા વર્ષે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી સ્પર્ધામાં ભારત સામેની ફાઈનલ મેચમાં સદી ફટકારી હતી અને પાકિસ્તાનને જિતાડ્યું હતું. એ બહુ ઝડપી સ્કોરિંગ કરનારો છે.