ભાજપની હિટલરશાહી મારો અવાજ દબાવી નહીં શકેઃ હાર્દિક પટેલ

અમદાવાદ– પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે આજે કહ્યું છે કે સત્ય, ખેડૂતો, યુવાનો અને ગરીબોની લડાઈ લડનારાની તેમના અવાજને ભાજપની હિટલરશાહી નહી દબાવી શકે. વિસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ મામલે કોર્ટે બે વર્ષની જેલની સજા સંભાળવ્યા પછી હાર્દિક પટેલે ટ્વીટ કરીને અને મિડિયા સાથેની વાતચીતમાં આમ કહ્યું હતું.
ગુજરાતના મહેસાણા જિલ્લાની વિસનગર કોર્ટના ન્યાયાધીશ વી પી અગ્રવાલે હાર્દિક પટેલ સહિત અન્ય બે સાથી લાલજી પટેલ અને એ કે પટેલને તોફાનો ભડકવવાના અને તોડફોડ કરવાના આરોપમાં દોષિત જાહેર કર્યા હતા. અને બે વર્ષની સજા કરી છે. જો કે ત્યાર પછી આ ત્રણેયને વિશેષ અદાલતમાં જામીન મંજૂર થયા હતા.
હાર્દિક પટેલે કહ્યું હતું કે સામાજિક ન્યાય અને સામાજિક અધિકાર મામલે લડવું તે ગુનો બને છે, તો હા હું ગુનેગાર છું. સત્ય અને અધિકારની લડાઈ લડનારા બાગી કહેવાય છે તો હું બાગી છું. ભાજપની હિટલરશાહી મને દબાવી નહી શકે.
હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે કોર્ટ દ્વારા સંભળાવેલ સજાથી હું ગભરાયો નથી. કારણ કે હું પહેલેથી જ માથા પર કફન બાંધી ચુક્યો છું. અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ પર રાજદ્રોહ સહિતના અનેક કેસો હજી પેન્ડિંગ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]