અમદાવાદઃ સફાઈ કર્મચારીઓની હડતાળ સમેટાઈ

0
1030

અમદાવાદઃ એએમસીના સફાઈ કર્મચારીઓની લાંબા સમયથી ચાલી રહેલી હડતાળ આખરે સમેટાઈ છે. હડતાળ પર બેઠેલા અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને મ્યુનિસિપલ કમિશનર તરફથી બાંહેધરી મળતા આખરે તેઓએ હડતાળ સમેટી હતી. કમિશનરે સફાઈ કર્મચારીઓના તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી છે. તો આ સાથે જ સફાઈ કર્મચારીઓએ જણાવ્યું કે અત્યાર સુધી શહેરીજનોને જે તકલીફ પડી તેના બદલ અમે માફી માંગીએ છીએ.

સમગ્ર મામલે નોકર મંડળે જણાવ્યું કે હવે શહેરને અમે સ્વચ્છતા અભિયાનમાં પ્રથમ ક્રમે લાવીને બતાવીશું. અને સાથે જ ફરીથી ક્યારેય આ પ્રકારે શહેરને બાનમાં નહીં લઈએ. તેમણે જણાવ્યું કે આ સ્થિતિમાં શહેરીજનોએ અમને સહકાર આપ્યો તે માટે સહુ કોઈનો આભાર. તો આ સાથે જ સફાઈ કર્મચારીઓ સંપૂર્ણ સહકારની ખાતરી પણ આપી છે.

હડતાળ સમેટાવા મામલે મ્યુનિસિપલ કમીશનરે જણાવ્યું કે સફાઈ કર્મચારીઓની હડતાળ પૂર્ણ થઈ એ શહેરના હિતમાં છે. જે લોકો નિષ્ઠાથી ફરજ બજાવશે તેમના તમામ પ્રશ્નો સાંભળવામાં આવશે. તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં શહેરમાં એક ખાસ સફાઈ યોજના અમલમાં મુકાશે. તો આ સાથે જ સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેર વધુ આગળ રહે તે પ્રકારનું પણ કાર્ય કરાશે.