દક્ષિણ આફ્રિકા ભારતને બીજી T20I મેચમાં હરાવી સિરીઝને 1-1થી સમાન કરવામાં સફળ

સેન્ચુરિયન – દક્ષિણ આફ્રિકાએ તેના આક્રમક બેટ્સમેન અને વિકેટકીપર હેન્રીક ક્લાસેનના ધુઆંધાર 69 રન અને કેપ્ટન જ્યાં-પૌલ ડુમિનીના અણનમ 64 રનની મદદથી ગઈ કાલે ભારતને અહીં બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 6-વિકેટથી હરાવીને 3-મેચોની સિરીઝને 1-1થી સમાન કરી છે. ત્રીજી, આખરી અને નિર્ણાયક મેચ 24 ફેબ્રુઆરીએ કેપ ટાઉનમાં રમાશે.

ડુમિનીએ ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ આપી હતી. ભારતે મનીષ પાંડે (79 નોટઆઉટ) અને મહેન્દ્ર સિંહ ધોની (52 નોટઆઉટ) વચ્ચે 98 રનની અતૂટ ભાગીદારીની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 188 રન કર્યા હતા.

દક્ષિણ આફ્રિકાની ટીમે તેના જવાબમાં 18.4 ઓવરમાં 4 વિકેટે 189 રન કરીને મેચ જીતી લીધી હતી.

ક્લાસેને માત્ર 30 બોલમાં અને 7 છગ્ગા, 3 ચોગ્ગાની મદદથી 69 રન ઝૂડી કાઢ્યા હતા. ડુમિનીને 40 બોલમાં કરેલા અણનમ 64 રનમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગા હતા.

આ બંને બેટ્સમેન ભારતના સ્ટાર સ્પિનર – લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ સામે વધારે આક્રમક રહ્યા હતા. ચહલે તેની 4 ઓવરમાં 64 રન આપ્યા હતા અને એકેય વિકેટ લેવામાં એને સફળતા મળી નહોતી.

ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે જે.જે. સ્મટ (2)ને આઉટ કરીને ભારતને પહેલી સફળતા અપાવી હતી. શાર્દુર ઠાકુરે ત્યારબાદ રીઝા હેન્ડરીક્સ (26)ને આઉટ કર્યો હતો, પણ ત્યારપછી ડુમિની અને ક્લાસેનની જોડીએ માત્ર 8.1 ઓવરમાં 93 રનની ભાગીદારી કરી હતી. એ ભાગીદારીએ ભારતની જીતની શક્યતાને ભૂંસી નાખી હતી.

ઉનડકટે ક્લાસેનની વિકેટ લીધા બાદ હાર્દિક પટેલે ડેવિડ મિલર (5)ને સસ્તામાં આઉટ કર્યો હતો, પણ સામે છેડે કેપ્ટન ડુમિની હાથમાં આવેલી જીતની બાજી છોડવાના મૂડમાં નહોતો. એને ફરહાન બેહરડીનનો સાથ મળ્યો હતો જે 10 બોલમાં 16 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

ભારતના દાવમાં, રોહિત શર્મા પહેલા જ બોલે ઝીરો પર આઉટ થયો હતો. શિખર ધવન (24) અને સુરેશ રૈના (30)એ બીજી વિકેટ માટે 44 રન કર્યા હતા. વિરાટ કોહલીને માત્ર એક જ રનના વ્યક્તિગત સ્કોર પર જુનિયર ડાલા કીપર ક્લાસેનના ગ્લોવ્ઝમાં સપડાવી દેવામાં સફળ થયો હતો.

મનીષ પાંડેએ 48 બોલમાં 3 સિક્સર, 6 બાઉન્ડરી ફટકારી હતી. તો ધોનીએ 28 બોલમાં 3 સિક્સર અને ચાર બાઉન્ડરી સાથે બાવન રન કર્યા હતા. ધોનીએ દાવની છેલ્લી, પેટરસને ફેંકેલી ઓવરમાં 17 રન ફટકાર્યા હતા. ટ્વેન્ટી-20 કારકિર્દીમાં ધોનીની આ બીજી હાફ સેન્ચુરી છે.