નોર્થ કોરિયાએ કર્યું પ્રતિબંધનું ઉલ્લંઘન, જાપાને વ્યક્ત કર્યો વિરોધ

ટોક્યો- જાપાને ઉત્તર કોરિયા સામે ફરી એકવાર પ્રતિબંધિત વિસ્તારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. જાપાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, જાપાનના પેટ્રોલીંગ કરી રહેલા સૈન્ય વિમાન અને યુદ્ધ જહાજને ઉત્તર કોરિયાના જહાજ અને અન્ય કોઈ જહાજ વચ્ચે કોઈ સામગ્રીઓનું આદાનપ્રદાન કરાઈ રહ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જોકે ઉત્તર કોરિયા સાથે આદાનપ્રદાન કરી રહેલા અન્ય જહાજની ઓળખ કરી શકાઈ નથી.જાપાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, જે જાહજની ઓળખ નથી કરી શકાઈ તે જહાજ ઉપર ચીની ભાષામાં કંઈક લખાણ લખેલું જોવા મળ્યું હતું. જાપાનના વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, આ વર્ષની આ ત્રીજી ઘટના છે. મહત્વનું છે કે, પરમાણું હથિયાર અને મિસાઈલ પરીક્ષણને કારણે સંયુક્ત રાષ્ટ્રએ ઉત્તર કરિયા પર પહેલેથી જ પ્રતિબંધો લગાવેલા છે.

જાપાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, આ શંકાસ્પદ ઘટના પૂર્વ ચીન સાગરમાં જોવા મળી છે. જેમાં ચીનના શહેર શાંઘાઈથી આશરે 250 કિલોમીટર દૂર સમુદ્ર વચ્ચે ઉત્તર કોરિયાનો ધ્વજ લગાવેલું ‘યૂ જોંગ 2’ નામનું ટેન્કર અજ્ઞાત જહાજ સાથે જોવા મળ્યું હતું. જાપાન વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ અન્ય જહાજ અંગે માહિતી મળી નથી, પરંતુ તેના ઉપર ચીની ભાષામાં ‘મિન નિંગ દે યૂ 078’ (ફુજિયાં પ્રાંત, નિંગદે શહેર, તેલ ટેન્કર 078) લખેલું હતું.

જાપાને જણાવ્યું કે, ઘટના અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જાણ કરી દેવામાં આવી છે અને સંબંધિત દેશોને પણ સુચના આપી દેવામાં આવી છે. જોકે ચીન સમક્ષ જાપાને આ ઘટના અંગે કોઈ મુદ્દો ઉઠાવ્યો કે નહીં તેના હાલમાં કોઈ સંકેત મળ્યાં નથી.