શ્રીલંકાને ત્રીજી વન-ડેમાં 8-વિકેટથી હરાવી ભારતે સિરીઝ 2-1થી જીતી

વિશાખાપટનમ – ભારતીય ક્રિકેટ ટીમે આજે અહીં રમાઈ ગયેલી ત્રીજી અને સિરીઝની આખરી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં શ્રીલંકાને 8-વિકેટથી આસાનીથી હાર આપીને સિરીઝ 2-1થી જીતી લીધી છે.

ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા શ્રીલંકાને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતના બોલરોએ લંકાનો સ્કોર 215 રન સુધી સીમિત રાખ્યો હતો અને ત્યારબાદ શિખર ધવનના અણનમ 100 રનની મદદથી ભારતે 17.5 ઓવર ફેંકાવાની બાકી રાખીને બે વિકેટના ભોગે 219 રન કરીને મેચ જીતી લીધી હતી.

પહેલી મેચ શ્રીલંકા જીત્યા બાદ ભારતે બીજી મેચ જીતીને સિરીઝ 1-1થી સમાન કરી હતી.

2015માં દક્ષિણ આફ્રિકાને હરાવ્યા બાદ અત્યાર સુધી ઘરઆંગણે ભારત દરેક સિરીઝ જીત્યું છે.

શ્રીલંકાની ટીમ ભારતમાં હજી સુધી એકેય દ્વિપક્ષી સિરીઝ જીત્યું નથી.

ધવન 100 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. રોહિત શર્મા માત્ર 7 રન કરીને આઉટ થયા બાદ ધવને શ્રેયસ ઐયર સાથે મળીને બીજી વિકેટ માટે 135 રનની ભાગીદારી કરી હતી.

96મી મેચ રમેલા ધવને એના 85 બોલના દાવમાં 13 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. વન-ડે ક્રિકેટમાં આ તેની 12મી સદી છે.

ઐયરે 63 બોલમાં 65 રન ફટકાર્યા હતા. કારકિર્દીની માત્ર ત્રીજી જ મેચ રમી રહેલા ઐયરે આ બીજી હાફ સેન્ચુરી ફટકારી છે. એણે પોતાના દાવમાં એક સિક્સર અને આઠ બાઉન્ડરી ફટકારી હતી.

ભારતના દાવની 23મી ઓવરમાં 149 રનના સ્કોર પર ઐયર આઉટ થયો હતો. દિનેશ કાર્તિક ત્યારબાદ ધવન સાથે જોડાયો હતો અને 26 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

અગાઉ, ભારતના બે સ્પિનર – કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલના કાંડાની કરામતને કારણે શ્રીલંકાના બેટ્સમેનો છૂટથી રમી શક્યા નહોતા. આ બંને બોલરે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. મધ્યમ ઝડપી બોલર હાર્દિક પંડ્યાએ બે બેટ્સમેનને આઉટ કર્યા હતા જ્યારે બે ફાસ્ટ બોલર – ભૂવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહે એક-એક વિકેટ ઝડપી હતી.

શ્રીલંકાના દાવમાં એકમાત્ર ઉપુલ થારંગાએ 82 બોલમાં કરેલા 95 રન ઉલ્લેખનીય હતા. ડાબોડી બેટ્સમેનની આ 36મી વન-ડે ઈન્ટરનેશનલ હાફ સેન્ચુરી છે. એણે 12 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.

42 રનમાં 3 વિકેટ લેનાર કુલદીપ યાદવને મેન ઓફ ધ મેચ અને 84ની સરેરાશ સાથે કુલ 168 રન કરનાર શિખર ધવનને મેન ઓફ ધ સિરીઝ ઘોષિત કરવામાં આવ્યો છે.

ભારત અને શ્રીલંકા હવે ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમશે. પહેલી મેચ 20 ડિસેમ્બરે કટકમાં, બીજી મેચ 22 ડિસેમ્બરે ઈન્દોરમાં અને ત્રીજી મેચ 24મીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.