હાર્દિક પંડ્યા પીઠના દુખાવાથી પરેશાનઃ ઓસ્ટ્રેલિયા સામેની આગામી શ્રેણીમાં રમી નહીં શકે

મુંબઈ – ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે મર્યાદિત ઓવરોની બે શ્રેણીઓ પૂર્વે ભારતીય ક્રિકેટરસિયાઓ માટે નિરાશાજનક સમાચાર છે. સમાચાર એ છે કે આગામી શ્રેણીમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા રમી શકવાની સ્થિતિમાં નથી. પીઠનો સ્નાયૂ ખેંચાઈ જવાથી થતા દુખાવાને કારણે એને શ્રેણીમાંથી બહાર થવું પડ્યું છે.

ભારત અને ઓસ્ટ્રલિયા બે-મેચની ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ સીરિઝ અને પાંચ-મેચની વન-ડે ઈન્ટરનેશનલ સીરિઝમાં રમવાના છે. એનો આરંભ આવતી 24 ફેબ્રુઆરીથી થશે.

હાર્દિક પંડ્યા આ શ્રેણીઓમાં રમી નહીં શકવાના સમાચાર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે તેના સત્તાવાર નિવેદનમાં આપ્યા છે.

હાર્દિકની જગ્યાએ વન-ડે ઈન્ટરનેશનલ મેચો માટે રવિન્દ્ર જાડેજાને પસંદ કરવામાં આવ્યો છે.

નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે બીસીસીઆઈની મેડિકલ ટીમે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આરામ આપવાનો નિર્ણય લીધો છે. જેથી એ બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમીમાં એની આ તકલીફ દૂર કરવા માટેના અભ્યાસમાં સામેલ થઈ શકે. પંડ્યાની તાલીમ આવતા અઠવાડિયાથી શરૂ થશે.

આગામી બંને શ્રેણી માટેની ભારતીય ટીમમાં હાર્દિકની પસંદગી કરવામાં આવી હતી. એ ટીમમાં જાડેજાનું નામ નહોતું, તેથી જાડેજાના ઘણા ચાહકો નિરાશ થયા હતા, પરંતુ હવે પંડ્યા ખસી જતાં જાડેજાનો નંબર વન-ડે ટીમમાં લાગી ગયો છે.

ઓસ્ટ્રેલિયા ટીમ ભારતમાં પહેલાં બે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમશે. પહેલી મેચ 24 ફેબ્રુઆરીએ વિશાખાપટનમમાં અને બીજી 27 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં રમાશે.

ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને ભારત પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી રમશે. પહેલી મેચ 2 માર્ચે હૈદરાબાદમાં, બીજી પાંચ માર્ચે નાગપુરમાં, ત્રીજી 8 માર્ચે રાંચી, ચોથી 10 માર્ચે મોહાલીમાં અને પાંચમી 13 માર્ચે દિલ્હીમાં રમાશે.

બે ટ્વેન્ટી-20 મેચો માટે 15-સભ્યોની ભારતીય ટીમ આ મુજબ છેઃ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કે.એલ. રાહુલ, શિખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, વિજય શંકર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, સિદ્ધાર્થ કૌલ અને મયંક માર્કંડે.

પહેલી બે વન-ડે મેચ માટેની ટીમઃ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડુ, કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વિજય શંકર, રિષભ પંત, સિદ્ધાર્થ કૌલ, કે.એલ. રાહુલ.

બાકીની ત્રણ વન-ડે મેચ માટેની ટીમઃ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડુ, કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, વિજય શંકર, કે.એલ. રાહુલ, રિષભ પંત.