તીન તલાક: રાજીવ ગાંધીની ભૂલને રીપીટ કરવા નથી ઈચ્છતાં રાહુલ ગાંધી

નવી દિલ્હી- મોદી સરકારે તીન તલાકને ગુનો ગણાવી તેના માટે સજાની જોગવાઈ કરતું વિધેયક લોકસભામાં રજૂ કરી દીધું છે. જેને સર્વાનુમતે પાસ કરી દેવામાં આવ્યું છે. આ વિધેયકને ‘ધ મુસ્લિમ વીમેન પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઈન મેરેજ એક્ટ’ નામ આપવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, લોકસભામાં મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે આ વિધેયકને લઈને સરકારનું સમર્થન કર્યું છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડની અપેક્ષાથી વિપરિત કોંગ્રેસે તીન તલાકના વિધેયકનું સમર્થન કરવાનો નિર્ણય લીધો હતો.

કોંગ્રેસના આ વલણ અંગે રાજકીય પંડિતોએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. જાણકારોનું માનીએ તો, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તીન તલાકને લઈને તેના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ભૂલને રીપીટ કરવા નથી ઈચ્છતા જેના લીધે કોંગ્રેસ હંમશા દક્ષિણપંથી રાજનીતિના ટાર્ગેટ પર રહી છે. કોંગ્રેસ પર મુસ્લિમ તૃષ્ટિકરણના કારણે દેશની પ્રગતિમાં અવરોધ ઉભો કરવાના પણ આક્ષેપો થતા રહ્યાં છે.

આપને જણાવી દઈએ કે, શાહબાનો કેસમાં પૂર્વ પીએમ રાજીવ ગાંધી મુસ્લિમ કટ્ટરપંથીઓ સામે જૂકી ગયા હતાં. શાહબાનો મધ્યપ્રદેશના ઈન્દોરની રહેવાસી હતી. તેના પતિએ જ્યારે તેને તલાક આપ્યા ત્યારે શાહબાનોની ઉંમર 62 વર્ષ હતી. પોતાના પાંચ બાળકો સાથે પતિથી અલગ થયેલી શાહબાનો પાસે આવકનું કોઈ સાધન ન હતું. જેથી તેણે ભરણ પોષણની માગ કરી હતી. અદાલતે શાહબાનોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. પરંતુ શાહબાનોના પતિએ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

સુપ્રીમ કોર્ટે પણ શાહબાનોના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણયને મુસ્લિમ મહિલાઓના અધિકાર માટે પાયાનો પથ્થર માનવામાં આવ્યો અને શાહબાનોનું નામ ભારતના ન્યાયિક ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાઈ ગયું. જોકે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જ આ અંગે વધુ રાજનીતિ શરુ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ હાલમાં જ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સુકાન સંભાળ્યું છે. ગુજરાત ઈલેક્શન દરમિયાન પણ કોંગ્રેસ પાર્ટી ‘હિન્દુ મોડલ’ પર ચાલતી નજરે પડી હતી. ચૂંટણીના પરિણામો પણ કોંગ્રેસને તેના નવા મોડલમાં સફળતા અપાવતા જોવા મળ્યા છે. માનવામાં આવે છે કે, રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસ પાર્ટી આ મોડલને સમગ્ર દેશમાં લાગુ કરવા ઈચ્છશે. અને તીન તલાકનો મુદ્દો તેનું પ્રથન સોપાન છે. જે કોંગ્રેસ પાર્ટીના તીન તલાક મુદ્દે વલણ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે. તીન તલાક મુદ્દે RJD, BJD અને અસદુદ્દિન ઓવૈસીથી અલગ જઈને કોંગ્રેસ પાર્ટી સરકારનું સમર્થન કરી રહી છે.