જી-20માં સુરેશ પ્રભુ બનશે ભારતના શેરપા, શું હોય છે શેરપા?

નવી દિલ્હી- જાપાનના ઓસાકામાં શુક્રવારથી 14માં જી-20 શિખર સમ્મેલનની શરુઆત થવા જઈ રહી છે. બે દિવસ સુધી ચાલનારા સંમેલનમાં ભારત તરફથી વડાપ્રધાન મોદી ભાગ લેશે. જી-20 સમ્મેલનમાં વડાપ્રધાન મોદી સતત છઠ્ઠી વખત ભાગ લઈ રહ્યાં છે. તો શિખર સમ્મેલનમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુ ભારતના ‘શેરપા’ બનશે.

શું હોય છે શેરપા?

શેરપા જી-20 સભ્ય દેશોના નેતાઓનું પ્રતિનિધિ હોય છે, જે સમ્મેલનના એજન્ડા વચ્ચે સમન્વય સાધે છે. શેરપા સભ્ય દેશોની સાથે મળીને આર્થિક, રાજનીતિક અને વૈશ્વિક ચર્ચાના એજન્ડાને લઈને વાત કરે છે. આ ઉપરાંત શેરપા સમ્મેલન પહેલાની બેઠકમાં પણ ભાગ લે છે. આ પહેલાં પણ સુરેશ પ્રભુએ વર્ષ 2015માં વડાપ્રધાન મોદીના શેરપા બન્યા હતાં. સુરેશ પ્રભુ એ સમયે રેલવે પ્રધાન હતાં.

કયાં થી આવ્યા શેરપા?

આ શબ્દ નેપાળી શેરપાઓ પરથી લેવામાં આવ્યો છે. શેરપા લોકો હિમાલયમાં પર્વતારોહિઓ માટે ગાઈડ તરીકે કામ કરે છે. સમિટમાં દરેક સભ્ય દેશ તરફથી એક શેરપા સામેલ થઈ શકે છે. શેરપાની નિમણુક દેશની સરકાર તરફથી કરવામાં આવે છે. આ પદ પર દેશના રાજદ્વારી, રાજકીય અનુભવ ધરાવતો નેતા અથવા તો કોઈ વરિષ્ઠ સરકારી અધિકારીમાંથી કોઈ પણ નિયુક્ત થઈ શકે છે. ભારત તરફથી મોન્ટેક સિંહ અહલુવાલિયા, શક્તિકાંત દાસ, અરવિંદ પનગઢિયા પણ અગાઉ જી-20 સમિટમાં સામેલ થઈ ચૂક્યા છે.

જી-20 શિખર સમ્મેલન અંગે

જી-20ની સ્થાપના વર્ષ 1999માં થઈ હતી. પહેલા આ સમ્મેલનમાં અલગ અલગ દેશોના નાણાંપ્રધાનો અને કેન્દ્રીય બેંકોના ગવર્નર ભાગ લેતા હતાં. વર્ષ 2008માં આમાં સભ્ય દેશોના પ્રમુખોને સામેલ કરવામાં આવ્યાં. જી-20 ના સભ્ય દેશો વિશ્વના 85 ટકા સકલ ઘરેલૂ ઉત્પાદન, 75 ટકા વૈશ્વિક વ્યાપાર અને વિશ્વની બે તૃતિયાંશ જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે. ભારત અત્યાર સુધી જી-20ના તમામ સમ્મેલનોમાં ભાગ લઈ ચૂક્યુ છે. અને 2022માં પ્રથમ વખત ભારત જી-20 સમિટની મેજબાની કરશે.