અલ્પેશ ઠાકોરનો દાવો: મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી, કોર્ટમાં સોગંદનામું…

અમદાવાદ- અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટે કોંગ્રેસે કરેલી અરજી મામલામાં ખુદ અલ્પેશ ઠાકોરે મોટો ઘટસ્ફોટ કર્યો છે. અલ્પેશ ઠાકોરનું ગુજરાત હાઇકોર્ટમાં ચોંકાવનારું સોગંદનામું રજૂ કર્યું છે. કોંગ્રેસની અરજી કાયદેસર  ટકવા પાત્ર નહીં હોવાની અલ્પેશ ઠાકોરે કોર્ટમાં રજૂઆત કરી છે. અલ્પેશ ઠાકોરનો મોટો ઘટસ્ફોટ કરીને દાવો કર્યો છે કે, તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું નથી આપ્યું. તેના કહેવાતા કથિત રાજીનામાનો સ્વીકાર કે અસ્વીકાર પણ નથી થયો. સોશિઅલ મીડિયાના માધ્યમથી તેનું ફરતું થયેલું રાજીનામું કાયદેસરનું રાજીનામું ગણી શકાય નહીં અને તેના આધાર ઉપર તેની સામે ધારાસભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી પણ થઈ શકે નહીં.

કોંગ્રેસના દંડક અશ્વીન કોટવાલે કહ્યું કે, તેમણે તમામ પદો પરથી રાજીનામું આપતો પત્ર અમિત ચાવડાને આપ્યો હતો. તેમનો પત્ર કાયદેસર છે. તેમણે પોતાના હસ્તાક્ષરથી પત્ર લખેલો છે, લેટરપેડ પર લખાયેલો છે. અમે તેમનું રાજીનામું પ્રુફ સાથે રજૂ કર્યું છે. રાજીનામાના આધારે અમે જ કાર્યવાહી શરૂ કરી છે. જ્યા સુધી ધારાસભ્યના રાજીનામાની અરજી ન મળે ત્યાં સુધી અપીલ દાખલ કરી શકાતી નથી. જો રાજીનામું નકલી હોય તો કોર્ટે પણ અમારી અપીલ ફગાવી હોત.

કોર્ટે અલ્પેશના વકીલને પુછ્યું કે, અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું છે કે નહીં. જવાબમાં અલ્પેશના વકીલે કોર્ટેને કહ્યું કે, અલ્પેશે 7 પદેથી રાજીનામું આપ્યું છે પરંતુ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી. જ્યારે કોર્ટમાં કોંગ્રેસના વકીલ બૂચે દલીલ કરી હતી કે, વિધાનસભાના સ્પીકરે અલ્પેશ ઠાકોરને દોઢ મહિનામાં ગેરલાયક ઠેરવવાની જરૂર હતી. અત્યાર સુધી સ્પીકરે અલ્પેશ ઠાકોરને નોટિસ પણ પાઠવી નથી.

 

ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરે એપ્રિલ મહિનામાં કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું આપી હતું. અલ્પેશ ઠાકોરે પોતાના રાજીનામામાં લખ્યું હતું કે મારું જીવન સમાજ સેવા સાથે જોડાયેલું છે, હું રાજકારણમાં પણ સમાજ અને ગરીબોની વિચારધારા સાથે જોડાયેલો છું. ગરીબોના ઘરમાં અજવાળું કરવાનું મારું સપનું છે, તેને પુરૂ કરવા માટે હંમેશા આત્મમંથન ચાલે છે. સાથે જ લખ્યું હતું કે ગુજરાતમાં મારી સેનાના ગરીબ યુવાનો અપમાનિત થયા તેથી હું દુખી અને ક્રોધિત છું.