દક્ષિણ કોરિયાના પ્રમુખે દિલ્હીમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

નવી દિલ્હી – ભારતના પ્રવાસે આવેલા દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે-ઈનએ 8 જુલાઈ, રવિવારે અત્રેના સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. એમની સાથે એમના પત્ની પણ હતા.

પહેલી જ વાર ભારતની સત્તાવાર મુલાકાત લેનારા રિપબ્લિક ઓફ કોરિયાના પ્રેસિડેન્ટ તથા એમનાં પત્ની કિમ જંગ-સૂક પાટનગર નવી દિલ્હીમાં આવતાંની સાથે જ ભારતનાં સમયાતીત મૂલ્યો, ભવ્ય સંસ્કૃતિ તથા બોર્ડરલેસ કલ્ચરનું સૌંદર્યની અનુભૂતિ કરવા સ્વામિનારાયણ અક્ષરધામ પધાર્યાં હતા. સ્વામિનારાયણ અક્ષરધામ તથા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક અધ્યક્ષ પૂજ્ય મહંતસ્વામી વતી વરિષ્ઠ સંતો તથા ટ્રસ્ટીઓએ કોરિયન પ્રેસિડેન્ટ તથા એમનાં પત્ની, તેમ જ સાથે પધારેલા ડેલિગેશનનું ભારતીય પરંપરા મુજબ સ્વાગત કર્યું હતું.

‘વર્લ્ડ્સ લાર્જેસ્ટ કોમ્પ્રિહેન્સિવ હિંદુ ટેમ્પલ’ તરીકે વિવિધ રેકોર્ડ ગ્રંથોમાં સ્થાન પામનાર સ્વામિનારાયણ અક્ષરધામ, એની બેનમૂન કળાકારીગરી, સ્થાપત્ય નિહાળી પ્રેસિડેન્ટ તથા એમનાં પત્ની ભાવવિભોર થઈ ગયાં હતાં. સામાજિક સુસંવાદિતા, શાંતિ તથા આધ્યાત્મિક્તાનો સંદેશો આપતી, પૂર્ણ કદના 148 હાથીની બનેલી ગજેન્દ્ર પીઠિકા પણ એમણે નિહાળી તથા એ પાછળની પરિકલ્પનાની સમજણ મેળવી હતી.

સ્વામિનારાયણનાં શિખરબદ્ધ મંદિરની પરંપરા મુજબ પ્રેસિડેન્ટ તથા ફર્સ્ટ લેડીએ ભારતની 151 નદીનાં પવિત્ર જળથી શ્રીનીલકંઠ વર્ણીને જળાભિષેક પણ કરાવ્યો હતો.

વિદાય લેતાં પહેલાં પ્રેસિડેન્ટ મૂન જે-ઈનએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, “કોરિયા, ભારત તથા વિશ્વ સમસ્તમાં શાંતિ પ્રસરે એ માટે હું પ્રાર્થના કરું છું.’