સીએમ રુપાણીઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું 80 ટકા કામ પૂર્ણ, પ્રતિમાનો ચહેરો પ્રથમ વખત જાહેર

કેવડીયા- મુખ્યપ્રધાન રુપાણી દ્વારા કેવડીયામાં સાધુબેટ ખાતે બની રહેલાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં 80 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. તેમ જ સીએમની મુલાકાત સાથે પ્રતિમાનો ચહેરો પણ પ્રથમવાર જાહેર કરવામાં આવ્યો હતો.આગામી 31 ઓક્ટોબરે સરદાર જન્મજયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રતિમાનું લોકાર્પણ કરવા તરફ ઝડપથી કામકાજ પૂર્ણ કરવામાં આવી રહ્યું છે.આ પ્રતિમા નિર્માણમાં ૯૦ હજાર મેટ્રીકટન સિમેન્ટ ૨૫ હજાર મેટ્રીક ટન લોખંડ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. ૨૫૦  જેટલા ઇજનેરો આ પ્રતિમા નિર્માણમાં જોડાયેલાં છે.સીએમે વિશ્વની સૌથી વિરાટ સરદાર પ્રતિમાના નિર્માણકાર્યની સંપૂર્ણ વિગતો મેળવી હતી.અહીં નિર્માણ થનારા મ્યુઝિયમની પણ વિગતો પ્રેઝેન્ટેશન દ્વારા નિહાળી હતી. જેમાં સરદાર સાહેબના યુવાકાળ દરિમયાનની વિગતોથી લઇને અભ્યાસ, બેરિસ્ટરશીપ, મેન ઓફ એકશન, સત્યાગ્રહમાં તેમનું પદાર્પણ અને આઝાદીની ચળવળથી લઇ ભારતની સ્વતંત્રતા બાદ દેશી રજવાડાઓના વિલિનીકરણથી એક અખંડ ભારતના તેમના યોગદાનની સંપૂર્ણ વિગતો
આ પ્રેઝેન્ટેશનમાં પ્રસ્તુત કરાઇ હતી.બંધનું નિર્માણ કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થયું છે. જ્યારે નહેર માળખામાં ૯૦ ટકા – ૧૬.૧૧ લાખ હેક્ટર અને ૭૨,૦૦૦ કિ.મી.ની લંબાઇના કામો પૂરા થઇ ગયા છે. અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન દ્વારા સબમાઇનોરમાં પાણી પહોંચાડવાના ૨૭૭૮૫ કિ.મી.ના કામો પૂર્ણ થયા છે અને ૧૦.૫૦ લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવાયો છે.