બાપુધામ એપીએમસીના ખેડૂતોની બિહારના ચંપારણમાં તાલીમ શરુ

આણંદ-ભારત સરકારના ખેતી અને ખેડૂત કલ્યાણ વિભાગ પ્રધાન રાધામોહનસિંઘે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના બાપુધામ દૂધ ઉત્પાદક કંપનીના ખેડૂતોના ઓરિએન્ટેશન કાર્યક્રમનો ચંપારણ (બિહાર)માં તાલીમ કાર્યક્રમ પ્રારંભ કરાવ્યો હતો.  આ કાર્યક્રમમાં આશરે એક હજાર જેટલા દૂધ ઉત્પાદકોએ હાજરી આપી હતી.

દૂધાળાં ઢોરની ઉત્પાદકતા વધારવા માટે ડેરી ક્ષેત્રના ખેડૂતોને પશુ ઉછેરની વૈજ્ઞાનિક પધ્ધતિ અંગે માહિતગાર કરવાના આ  તાલીમ સત્રોમાં એનડીડીબી, એનડીડીબી ડેરી સર્વિસીસ અને એનસીડીએફઆઈના નિષ્ણાતો દ્વારા તાલીમ આપવાની ગોઠવણ કરવામાં  આવી છે.

કાર્યક્રમનુ ઉદઘાટન કરતાં રાધા મોહન સિંઘે જણાવ્યું કે એનડીડીબી અને તેની પેટા કંપનીઓએ બિહારના પૂર્વ અને પશ્ચિમ ચંપારણ જીલ્લાના ડેરી ક્ષેત્રના ગરીબ ખેડૂતોની આજીવિકાની સમસ્યા દૂર કરવાનો પડકાર ઉપાડી લીધો છે.

એનડીડીબીની સંપૂર્ણ માલિકીની પેટા કંપની  મધર ડેરી ફ્રૂટ એન્ડ વેજીટેબલ પ્રા. લિમિટેડે (MDFVPL) દૂધના એકત્રીકરણની અને માર્કેટીંગના ક્ષેત્રે   પારદર્શકતા અને પ્રમાણિકતા લાવી છે. વધુમાં એનડીડીબીની વધુ એક પેટા કંપની NDDB ડેરી સર્વિસીસ  (NDS) દ્વારા ખેડૂતોને સંગઠીત બનાવવામાં આવ્યા છે. તા. 12 એપ્રિલ, 2017થી બાપુધામ મિલ્ક પ્રોડ્યસર્સ કંપનીની સ્થાપનામાં સુગમતા કરી આપવામાં આવી છે. મિલ્ક પ્રોડ્યસર્સ કંપની(એમપીસી)એ 2 ઓકટોબર, 2017થી તેની કામગીરી શરૂ કરી દીધી છે અને હાલમાં પૂર્વ અને પશ્ચિમ ચંપારણ જિલ્લાઓને આવરી લે છે.

નવ માસમાં બાપુધામ એમપીસી દ્વારા 358 ગમમાં 17,000થી વધુ સભ્યો નોંધવામાં આવ્યા છે. અને દૈનિક અંદાજે 30,000 કી.ગ્રામ દૂધ એકત્રિત કરે છે. એમપીસીએ તેના ઉત્પાદક સભ્યોને સીધા તેમના બેંકના ખાતામાં  રૂ. 20 કરોડ જેટલી રકમ જમા આપી છે. એમપીસી ગામમાં સંપૂર્ણ સ્વયંસંચાલિત દૂધ એકત્રિકરણ અને ખેડૂતોની હાજરીમાં દૂધના વજન તથા ફેટ અને એસએનએફ ટેસ્ટીંગની પધ્ધતિ ગોઠવી છે. એમપીસી દૂધની કીંમત પેટે ચૂકવણી અને એસએમએસ મોકલવા માટેની જી.પી.આર.એસ. આધારિત રિયલ ટાઈમ ડેટા ટ્રાન્સફર સિસ્ટમ ધરાવે છે. એમપીસી દર દસ દિવસે ખેડૂતોના દૂધના પૈસા સીધા તેમનાં ખાતાંમાં જમા કરે છે.

નેશનલ ડેરી પ્લાન 1 હેઠળ એનડીડીબીએ એમપીસીને ગામ આધારિત દૂધ એકત્રિકરણની પધ્ધતિના અમલીકરણ માટે રૂ. 22 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે. એમપીસીનો ઉદ્દેશ છે કે પાંચમા વર્ષ સુધી 1,000 ગામમાં વ્યાપ વધારીને આશરે 50,000 દૂધ ઉત્પાદકો પાસેથી અંદાજે દૈનિક 1.60 લાખ લીટર દૂધ એકત્રિત કરવું.

કૃત્રિમ વિર્યદાન, રેશન બેલેન્સીંગ પ્રોગ્રામ, પશુદાણ અને મિનરલ મિક્ષ્ચર તેમજ ફોડર ડેવલપમેન્ટની વ્યવસ્થા કરીને ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યો છે. આ ઉપરાંત એમપીસી ડેરી મેનેજમેન્ટની વૈજ્ઞાનિક પ્રણાલીઓ અંગે પણ જાગૃતિ ઉભી કરી રહી છે. હાલમાં ઉત્પાદકતા વધારવાની સર્વિસીસ  હેઠળ 358 ગામોને આવરી લેવામાં આવ્યાં છે.