ત્રીજા દિવસે પાકિસ્તાને કર્યું સીઝ ફાયરનુ ઉલ્લંઘન, ભારતીય સૈન્યએ આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હી- નાપાક પાકિસ્તાન દ્વારા આજે પણ સરહદ પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતુ. આજે સવારે પોણા નવ વાગ્યાના સુમારે જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. તો પાકિસ્તાનના નાપાક ઈરાદાઓને ડામવા માટે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે ગઈકાલે પૂંછ જિલ્લામાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં એક ભારતીય સૈનિક શહીદ થયો હતો. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગશ્તી દરમિયાન નિયંત્રણ રેખાના મેંઢર સેક્ટરમાં ચેરા ફોરવર્ડ પોસ્ટ પર પોતાની ફરજ બજાવી રહેલા નાયક મોહિંદર ચેન્જન્ગ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં શહીદ થયા હતા. પાકિસ્તાન દ્વારા આ પહેલા પણ સોમવારના રોજ કરવામાં આવેલા સીઝ ફાયરના ઉલ્લંઘનમાં સ્થાનિક નાગરિકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા, જેમાં બે નાગરિકોના મોત થયા હતા અને અન્ય 12 લોકો ઘાયલ થયા હતા.

મહત્વનુ છે ગઈકાલે પણ શ્રીનગર એરપોર્ટ પાસે બીએસએફના એક કેમ્પ પર આતંકીઓએ જૈશ-એ-મહોમ્મદના આતંકીઓએ હુમલો કર્યો હતો જેને ભારતના જાંબાઝ જવાનોએ નિષ્ફળ કરી દીધો હતો. સૈન્ય દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા તો ભારતીય સૈન્યનો એક જવાન શહીદ પણ થયો હતો. અધિકારીક સુત્રોનું માનીએ તો પહેલાથી જ સુચના મળી હતી કે જૈશ-એ-મહોમ્મદના આતંકીઓ શહેરમાં મોતનો સામાન લઈને ઘુસ્યા છે. ત્યારે આ સુચનાને આધારે એલર્ટ બનેલા ભારતીય સૈન્યએ આતંકીઓને પોતાના નાપાક અંજામ સુધી પહોંચવા દીધા નહોતા. અને ભારતીય સૈન્યએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા.