રાહુલની રણનીતિ પાર્ટ ટુઃ મધ્ય ગુજરાતમાં રોડ શૉ

અહેવાલ- પારૂલ રાવલ

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી ગુજરાત વિધાનસભામાં પોતાની સરકાર બને તે માટે આશાનું કિરણ જોઇને ગયાં બાદ હવે ટૂંકા સમયમાં ફરી ગુજરાત આવી રહ્યાં છે. રાહુલ ગાંધી આ વખતે મધ્ય ગુજરાતમાં ધ્યાન આપવાના છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોંલકીના હોમ ગ્રાઉન્ડ બોરસદ સહિત મધ્ય ગુજરાતનો પાંચસો કિલોમીટરનો પ્રવાસ આ મુલાકાતમાં ખેડવાના છે.આ વખતે પણ રાહુલને ગુજરાતના મંદિરોના ભગવાનની યાદ બહુ આવી રહી છે અને જ્યાં સંભવ હશે ત્યાંના ધાર્મિક સ્થળો પર જવાના છે. બીજેપી અધ્યક્ષ અમિત શાહે જ્યાંથી ગૌરવયાત્રાની શરુઆત કરી ત્યાં કરમસદ સરદાર પટેલની જન્મભૂમિની મુલાકાતે પણ જાય તેવી સંભાવનાઓ ગુજરાત કોંગ્રેસે વ્યક્ત કરી છે.

ચૂંટણી પ્રચારમાં નવી રણનીતિ પર દ્રઢતાથી કામ કરવાનું શરુ કરી ચૂકેલા રાહુલ ગાંધીએ પાછલાં ગુજરાત પ્રવાસ દરમિયાન સોફ્ટ હિન્દુત્વની લાઇન પર આવ્યાં હોવાનું રાજકીય પંડિતોનું નિરીક્ષણ હતું. જેમાં એ આકલન નીકળી રહ્યું છે કે કોંગ્રેસ પોતાના અલ્પસંખ્યક મતો તો સાચવી રાખશે જ, સાથે પાટીદાર રોષની રોકડી કરવા સાથે મધ્યમવર્ગનો અસંતોષ મતોમાં પરિવર્તિત કરવા જનાધાર વધારવાની ભરપુર કોશિશ કરશે. મધ્ય ગુજરાતમાં તેમની આ રણનીતિ સાથેની આઠ જિલ્લાની મુલાકાત યોજાવાની છે. જોકે એમ પણ આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ, પરંપરાગત વિસ્તાર કહેવાયો છે

રોડ શૉ નામનું જનતાને આકર્ષવાનું નવું પ્રચાર આયુધ આ વખતે પણ અજમાવાશે. મધ્ય ગુજરાતના આ પ્રવાસમાં રાહુલ ગાંધી વડોદરામાં અને બોડેલીમાં મોટા રોડ શૉ કરવાના છે અને કુલ 18 બેઠક કરવાના છે. મધ્ય ગુજરાત સર કરવાના તેમના આ મહાઅધ્યાય સાથે ચાર સેશનમાં ખેડૂતો, વેપારીઓ અને વિવિધ સંગઠનોના નેતાઓ સાથે ચર્ચા કરશે. હિંદુ પ્રજાની વચ્ચે આ રીતે જવાનો તેમનો પ્રયત્ન કોંગ્રેસની હિંદુવિરોધી છવિમાંથી બહાર આણવાના ભાગરુપે યોજાશે.

મધ્ય ગુજરાતની તેમની નવસર્જન યાત્રા 9 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી નિર્ધારિત કરવામાં આવી છે એટલે કે બરાબર પીએમ મોદીના 7-8 ઓક્ટોબરના બે દિવસીય પ્રવાસ બાદ યોજાઇ રહી છે.

ગુજરાત કોંગ્રેસનો દારોમદાર આ વખતના ચૂંટણીપ્રચારમાં પાટીદારોના રોષની આજુબાજુ ગરબા લઇ રહ્યો છે. હાઇકમાન્ડ દ્વારા પાટીદાર નેતાઓ સાથેની મુલાકાતનું આયોજન પણ તેનો હિસ્સો છે. ભાજપની દુખતી રગને પકડી પાટીદારોને કોંગ્રેસ તરફ આકર્ષી તેમને અનામતનું ગાજર લટકાવી દીધું છે, ભલેને સૌ જાણતાં હોય કે બંધારણીય રીતે આ લગભગ અશક્યની કક્ષાની આ વાત છે.જે તે સમયે ભલે તરત ન આવ્યાં હોય પણ ચૂંટણીલક્ષી મુલાકાતોમાં પાટીદારો પર પોલિસ દમન, ગોળીબાર મુદ્દાઓ રાહુલે પાછલી બંને મુલાકાતોમાં ઉછાળ્યાં એ નોંધવા જેવું છે.

રાહુલ ગાંધીએ ખોડલધામના અગ્રણી નરેશ પટેલ સાથે પણ મુલાકાત કરી છે. પાટીદારોમાં જાણીતાં ને માનીતાં બનેલાં આ નેતા જો કોંગ્રેસમાં આવી જાય તો ભાજપ માટે લાલબત્તી ચાલુ થઇ જશે. તેમના કારણે પાટીદાર મતોમાં ગાબડું પડી શકે છે. તો હાર્દિક માટે તો ખુલ્લમખુલ્લાં કોંગ્રેસના દ્વાર છે જ. આ રીતે ગુજરાતમાંથી કોંગ્રેસની સત્તા ઉખાડી ફેંકનાર પાટીદાર સમાજ પોતાના એજન્ડાનું રાજકીયકરણ કરી કોંગ્રેસને પાછી સિંહાસને સ્થાપી શકે છે તેમ વટભેર ગુજરાત ભાજપને પાઠ ભણાવવા કરશે તેવા આસાર હાલ તો વર્તાઇ રહ્યાં છે. રાહુલની ઉપરાછાપરી મુલાકાતો કોંગ્રેસનું નવસર્જન સાચે જ કરી શકશે કે કેમ તે તો ડીસેમ્બરમાં જાણવા મળશે પણ ત્યાં સુધી બંને મુખ્ય રાજકીય પક્ષ પોતાની રણનીતિની ધાર કાઢી રહેલાં જોવા મળી રહ્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]