મુસ્લિમોના ભાગની જમીન રામ મંદિર માટે દાન આપવામાં આવે: SCમાં શિયા વક્ફ બોર્ડની રજૂઆત

નવી દિલ્હી- સેન્ટ્રલ શિયા વક્ફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, અયોધ્યામાં વિવાદિત જમીનના મુસ્લિમોના હકના સાચા દાવેદાર શિયા મુસલમાન છે. કારણકે, અયોધ્યામાં બાબરી મસ્જિદનું નિર્માણ મીર બાકીએ કર્યું હતું અને મીર બાકી શિયા મુસલમાન હતો. શિયા બોર્ડે જણાવ્યું કે, અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા મુસ્લિમોને આપવામાં આવેલો જમીનનો ત્રીજો ભાગ તે રામ મંદિરના નિર્માણ માટે હિન્દુઓને દાન આપવા ઈચ્છે છે.શિયા વક્ફ બોર્ડ તરફથી વરિષ્ઠ વકીલ એસ.એન. સિંહે જણાવ્યું કે, ‘આ મહાન દેશની એકતા, અખંડતા, શાંતિ અને સદભાવ માટે શિયા વક્ફ બોર્ડ અયોધ્યાની વિવાદિત ભૂમીના મુસ્લિમોના હિસ્સાને રામ મંદિરના નિર્માણ માટે હિન્દૂઓને દાન આપવામાં પક્ષમાં છે. આપને જણાવી દઈએ કે, શિયા વક્ફ બોર્ડ પહેલેથી જ મુસ્લિમોના હિસ્સાની જમીન રામ મંદિર માટે દાન આપવાની વાત જણાવી ચૂક્યું છે.

સુપ્રીમ કોર્ટમાં શિયા વક્ફ બોર્ડે જણાવ્યું કે, તેઓ શાંતિપૂર્ણ રીતે વિવાદનો ઉકેલ લાવવા માગે છે. શિયા વક્ફ બોર્ડે સ્પષ્ટપણે જણાવ્યું કે, બાબરી મસ્જિદનો સંરક્ષક એક શિયા મુસલમાન હતો અને એટલા માટે જ સુન્ની વક્ફ બોર્ડ અથવા અન્ય કોઈ ભારતમાં મુસલમાનોનું પ્રતિનિધિ નથી.