અષાઢીબીજે લાખો શ્રદ્ધાળુઓ પધારશે “પરબધામ”ના શરણે

જૂનાગઢઃ ભારતવર્ષનાં લોકજીવનમાં ઉત્‍સવો, પર્વો ઉજવીને પ્રેરણા પ્રાપ્‍ત કરવાની અનેરી હામ હોય છે. સમાજની સાથે ઉત્સવો અને પર્વોની ઉજવણીથી મનુષ્‍યનાં જીવન ઉત્‍સાહ અને પ્રેરણાયુક્ત બની રહે છે. અષાઢ માસની શુક્લ પક્ષની બીજ એટલે આમ તો કચ્‍છીમાડુઓ માટે નવા વર્ષનો પ્રથમ દિવસ છે. પરંતુ આ સાથે જ  કાઠીયાવાડની ધીંગી ધરતી પર પર ભેસાણ તાલુકાનાં વાવડી ગામ નજીક પરબ ધામમાં અમરમા અને સંત દેવીદાસની સમર્પણ અને સેવાની અહાલેકને ઉજાગર કરતો જીવન પ્રેરણાદાયી ઉત્સવ ઉજવાય છે. કહેવાય છે કે આ જ દિવસે દેવીદાસ બાપુએ સમાધિ લીધી હતી.

સૌરાષ્‍ટ્રના જૂનાગઢ જિલ્‍લામાં અનેક સંતોનાં તપોબળનાં સિંચન થયા છે. જીવનયજ્ઞની આહુતીથી આ ભૂમિ પાવન બની છે. સૌરાષ્ટ્ર જેવા ગુણીયલ પ્રદેશની સેવા પરાયણતા પરત્વે જીવન જીવી ત્‍યાગ અને ધર્મનો સુમેળ સાધી ગુર્જરધરાની અસ્‍મીતાને ધર્મ ધ્વજાની ફોરમને સતદેવીદાસ અને અમરમાંએ પરગણામાં વહેતી કરી હતી.

એક લોકવાયકા અનુસાર દેવીદાસ બાપુએ સમાધી ધારણ કરી તે અગાઉ ઈશ્‍વરે સદેહે દેવીદાસબાપુને દર્શન દઇ કઇંક વરદાન માગવા કહ્યુ ત્‍યારે દેવીદાસ બાપુએ માત્ર એટલુંજ કહ્યુ હતુ કે હે પ્રભુ પરબની જગ્યાનાં દર્શન માત્રથી કુષ્‍ઠરોગી માનસીક,શારિરીક, કે સામાજીક વેદનાથી પિડાતા જીવાત્‍માનાં કષ્‍ટ ભંજન થાય. અને મારી સમાધીનાં દિવસ એટલે કે અષાઢીબીજે અમરાત્‍માઓ સાથે ગિરનાર પર બીરાજમાન સર્વે દેવોએ પરબ પધારવુ. વાયકા અનુસાર સિધ્ધો,સંતો,યોગીઓ અને અમરાત્‍માઓનાં અષાઢીબીજે પરબધામમાં મુકામ હોય ત્‍યારે આ પરગણાનાં મનખાદેહને પોતાનાં જીવનનું પુણ્ય ઓઢણું અચુક મળશે એ ભાવે પરબનાં પીરનાં દર્શન કરવા ચુકશે નહીં.

હાલમાં જગ્‍યાનાં મહંત કરશનદાસબાપુ સતદેવીદાસ અને અમરમાંની આજ્ઞાનુસાર ધર્મની જ્યોત અવિચળ અને ધ્વજા અખંડ ફરકતી રહે અને આવનાર  પ્રત્‍યેક દર્શનાર્થી પોતાની  આંતરવ્‍યથા અને દુઃખદર્દ પરબનાં પગથિયે જ છોડી જાય તે પ્રકારે વ્‍યવસ્‍થા કરી છે. સતદેવીદાસ અને અમરદેવીદાસનાં સાચા ચીંતક બનીને સોરઠી આન-બાન અને શાન જાળવી રાખે તેવા પ્રયત્નોસભર અહીં ભાવિકોને ભોજન અને ઉતારાની વ્‍યવસ્‍થા અપાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]