રાફેલ ડીલના સમર્થનમાં વાયુસેના: કહ્યું રાફેલમાં છે પ્રહારની અભૂતપૂર્વ ક્ષમતા

0
1440

નવી દિલ્હી- એક તરફ સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર રોક લગાવવાની માગણી કરતી અરજી પર સુનાવણી કરવા તૈયારી દર્શાવી છે. તો બીજી તરફ ભારતીય વાયુસેનાએ રાફેલ ડીલને દેશ અને ડિફેન્સ માટે અભૂતપૂર્વ ગણાવી છે. વાયુસેનાએ જણાવ્યું છે કે, રાફેલ એક શાનદાર એરક્રાફ્ટ છે, જે ભારતને દુશ્મનો સામે મુકાબલો કરવા અભૂતપૂર્વ ક્ષમતા પ્રદાન કરશે.ભારતીય વાયુસેનાના વાઈસ ચીફ એર માર્શલ એસ.બી. દેવે જણાવ્યું કે, રાફેલ ડીલની આલોચના કરનારાઓએ ડીલના માનદંડ અને ખરીદ પ્રક્રિયાને સમજવી જોઈએ પછી ટિપ્પણી કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, 58 હજાર કરોડ રુપિયાની આ ડીલને લઈને કેન્દ્ર સરકાર વિરોધ પક્ષના ટાર્ગેટ પર છે.

એર માર્શલ જણાવ્યું કે, રાફેલ જેટ ભારતની રક્ષા ક્ષમતામાં વધારો કરશે. ભારત અને ફ્રાંસ બન્ને દેશની સરકાર વચ્ચે સપ્ટેમ્બર 2016માં આ ડીલ નક્કી કરવામાં આવી હતી. ભારત 58 હજાર કરોડ રુપિયામાં ફ્રાંસ પાસેથી 36 રાફેલ ફાઈટર જેટ ખરીદવા તૈયારી કરી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે, ભારતને આ એરક્રાફ્ટની ડિલીવરી સપ્ટેમ્બર 2019થી શરુ થશે. વિરોધ પક્ષ આ ડીલને લઈને કેન્દ્ર સરકાર પર અનેક સવાલ ઉઠાવી રહ્યું છે. જોકે કેન્દ્ર સરકારે આ તમામ આરોપોને નિરાધાર અને પાયા વિહોણાા ગણાવ્યા છે.